નિલેશ વાઘેલા
મુંબઈ: શેરબજારમાં તો ઈરાની યુદ્ધને કારણે રોજ કડાકા સંભળાઈ રહ્યા છે, પરંતુ સુધારાને પંથે વધી રહેલા બેંક શેરોમાં એકાએક શું થયું! રિઝર્વ બેંકે એવું તે શું કર્યું કે બેંક નિફ્ટીમાં અઢી ટકા સુધીનો ભયાનક કડાકો પડ્યો?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બેંકોને દરેક કાર્યકારી દિવસના અંત સુધીમાં વિદેશી વિનિમય બજારમાં તેમની ચોખ્ખી ઓપન રૂપી પોઝિશન $100 મિલિયન સુધી મર્યાદિત રાખવાનો નિર્દેશ આપ્યા બાદ સોમવારે બેંક નિફ્ટીમાં અઢી ટકાથી વધુનો કડાકો જોવા મળ્યો છે. રિઝર્વ બેંકે જારી કરાયેલા આ નિર્દેશ મુજબ 10 એપ્રિલ સુધીમાં તેનું પાલન જરૂરી છે.
આ આદેશને પગલે શેરબજારમાં બેંક નિફ્ટી ઇન્ડેક્સના તમામ 14 ઘટકો આજે સોમવારે રેડ ઝોનમાં ધકેલાઈ ગયા હતા. નોંધવું રહ્યું કે પાછલા બે સત્રોમાં ઇન્ડેક્સમાં ચાર ટકાથી વધુનો વધારો થયો હતો પરંતુ સોમવારે પ્રવાહ પલટાઈ ગયો અને અઢી ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો.
ધોવાણને મામલે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક ટોચ પર રહી, જે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર 2.5 ટકા ઘટીને રૂ. 860.2 પ્રતિ શેર બોલાઈ હતી. ફેડરલ બેંક અને પંજાબ નેશનલ બેંકમાં પણ અનુક્રમે 1.91 ટકા અને 1.96 ટકા સુધીના કડાકા જોવા મળ્યા હતા. એકંદરે હેવીવેઇટ ફાઇનાન્શિયલ્સ, બેંકો, ખાનગી બેંકો અને PSU ધિરાણકર્તાઓમાં 2-2.5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
બજારના સાધનો અનુસાર આ ઘટાડો RBI દ્વારા બેંકોની વિદેશી વિનિમય સ્થિતિ પર મર્યાદા કડક કરવાના પગલાને પગલે થયો, જેના કારણે ઓનશોર માર્કેટમાં ડોલરનું વેચાણ શરૂ થયું કારણ કે ટ્રેડર્સ આર્બિટ્રેજ પોઝિશન ઘટાડવા માટે ઉતાવળમાં ડીલ કરી રહ્યા છે.
બજારના સહભાગીઓએ જણાવ્યું હતું કે આ પગલાથી બેંકો લાભ ગુમાવશેવકરણ કે, હવે બેંકો ઓફશોર નોન-ડિલિવરેબલ ફોરવર્ડ્સ અને ઓનશોર ફોરવર્ડ માર્કેટ વચ્ચેના ભાવ તફાવતનો નફો નહી મેળવી શકે.
આ ઘટાડાથી બેંકોને સ્થાનિક બજારમાં ડોલર વેચવા દબાણ થવાની શક્યતા છે. સ્પોટ અને ફોરવર્ડ માર્કેટ બંનેમાં રૂપિયો મજબૂત થતાં આના પ્રારંભિક સંકેતો દેખાઈ રહ્યા હતા.