Fri May 01 2026

Logo

ભારતમાં માર્ચ મહિનાનો ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિદર ચાર વર્ષના તળિયે

2026-04-02 20:52:42
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ ગત માર્ચ મહિનામાં રિઈનપૂટ ખર્ચનું વધેલું દબાણ, તીવ્ર સ્પર્ધા અને મધ્યપૂર્વ એશિયામાં ભૂરાજકીય તણાવને કારણે બજારમાં અનિશ્ચિતતાના વાતાવરણને કારણે નવાં ઓર્ડરોમાં અને ઉત્પાદનમાં ઘટાડો થવાથી દેશનો માર્ચ મહિનાનો ઔદ્યોગિક ઉત્પાદનનો આંક ઘટીને ચાર વર્ષના તળિયે પહોંચ્યો હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. 

ગત માર્ચ મહિનાનો સિઝનલી એડજસ્ટેડ એચએસબીસી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (પીએમઆઈ) આગલા ફેબ્રુઆરી મહિનાના 56.9 સામે ઘટીને 53.9ની સપાટીએ રહ્યો હતો. આંકમાં જોવા મળેલો ઘટાડો છેલ્લા ચાર વર્ષમાં પહેલી વખત વેપારની તમામ સ્થિતિમાં સુધારો મંદ પડ્યો હોવાનો સંકેત આપે છે. નોંધનીય બાબત એ છે કે 50ની ઉપરનો આંક વિસ્તરણનો અને 50ની નીચેનો આંક ઘટાડાનો નિર્દેશ આપતો હોય છે. 

ગત માર્ચ મહિનામાં દેશનો ઔદ્યોગિક ઉત્પાદનનો પીએમઆઈ આંક આગલા ફેબ્રુઆરી મહિનાના 56.9 સામે ઘટીને જૂન, 2022 પછીની સૌથી નીચી 53.9ની સપાટીએ રહ્યો હતો. મધ્યપૂર્વના દેશોનાં ભૂરાજકીય તણાવને કારણે વિશ્વ બજાર સહિત ભારતનાં ઉત્પાદન ક્ષેત્ર પર પણ માઠી અસર પડતાં આંકમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું એચએસબીસીનાં અર્થશાસ્ત્રી પ્રાંજુલ ભંડારીએ જણાવ્યું હતું. 

એકંદરે પીએમઆઈ આંકના મુખ્ય બે ઘટક નવા ઓર્ડર અને ઉત્પાદન બન્નેમાં જૂન, 2022 પછીની સૌથી વધુ ધીમી ગતિએ વૃદ્ધિ થઈ હોવાનું સર્વેક્ષણમાં જણાવતાં ઉમેર્યું હતું કે બજાર પરિબળો, ભાવલક્ષી દબાણ અને મધ્યપૂર્વમાં યુદ્ધને કારણે પડકારોમાં પણ વધારો થયો હોવાનું ભંડારીએ જણાવતાં ઉમેર્યું હતું કે ઉત્પાદન અને નવાં ઓર્ડરમાં નોંધપાત્ર માત્રામાં ઘટાડો થયો છે. તેમ જ એલ્યુમિનિયમ, રસાયણ અને ઈંધણ સહિતની ઘણી ચીજોના ભાવમાં વધારો થયો છે. જોકે, હાલના તબક્કે કંપનીઓએ ભાવવધારો ગ્રાહકો પર પસાર ન કરતાં પોતેજ ભોગવી રહી છે. 

સર્વેક્ષણમાં જણાવ્યાનુસાર ગત માર્ચ મહિનામાં કંપનીઓએ ઑગસ્ટ, 2022 પછીનું સૌથી વધુ માત્રામાં ભાવલક્ષી દબાણ અનુભવ્યું હતું, પરંતુ ઉત્પાદન ખર્ચમાં ધીમો વધારો થયો હતો. જોકે, ભારતીય ઉત્પાદકોએ બાહ્ય વેચાણમાં સૌથી વધુ મજબૂત વિસ્તરણ જોયું હતું  ખાસ કરીને ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચાઈના, યુરોપ, જાપાન, મધ્યપૂર્વ, તુર્કિ અને વિયેટનામના ક્લાયન્ટોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોવાનું સર્વેક્ષણમાં ઉમેર્યું હતું.