નવી દિલ્હીઃ મુક્ત વેપાર કરારના દુરુપયોગને ટાળવા માટે ગત બુધવારે સરકારે સોના, ચાંદી અને પ્લેટિનમનાં આભૂષણોની આયાત સામે નિયંત્રણો લાદ્યાં છે. ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડના નોટિફિકેશન અનુસાર આ નિયંત્રણો અગાઉના કોઈપણ કરાર, ઈરરિવોકેબલ લેટર ઑફ ક્રેડિટ, આગોતરી ચુકવણી, શિપમેન્ટ સ્ટેટસ અથવા અન્ય કોઈપણ પ્રતિબદ્ધતાને ધ્યાનમાં લીધા વિના અમલી રહેશે. આમ હવે ટ્રાઝિશનલ સુવિધાઓના લાભ નહીં મળે. આમ આયાત નીતિના કસ્ટમ ટેરિફ હેડિંગ (સીટીએચ)7113 હેઠળ આવતી ચીજોને તાત્કાલિક ધોરણે મુક્ત યાદીમાંથી દૂર કરીને નિયંત્રણ હેઠળ મૂકવામાં આવી છે.
આથી સોના, ચાંદી અને પ્લેટિનમ આભૂષણો આ ચીજોની યાદી હેઠળ આવતી હોવાથી આ ચીજોના આયાતકર્તાઓએ ડીજીએફટી પાસેથી આયાત માટે પરવાનગી અથવા તો લાઈસન્સ મેળવવું પડશે. જોકે, 100 ટકા નિકાસલક્ષી એકમો અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન હેઠળના એકમોને આ નિયંત્રણમાંથી દૂર રાખવામાં આવ્યા છે. વધુમાં ફોરેન ગે્રડ પૉલિસીનાં ચેપ્ટર હેઠળની જેમ અને જ્વેલરી નિકાસની સ્કીમ હેઠળ થતી આયાતને પણ આ નિયંત્રણોમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ઉદ્યોગના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમુક આયાતકારો, ભારત-આસિયન દેશો સાથે થયેલા મુક્ત વેપાર કરારનો દુરુપયોગ કરી રહ્યા છે. જોકે, અધિકારીએ લાઈસન્સની પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ જેથી વાસ્તવિક આયાતકારોને આ પગલાંથી તકલીફ ન ભોગવવી પડે.