કેનવાસ -અભિમન્યુ મોદી
ટમેટું રે ટમેટું, ગોળ ગોળ ટમેટું...
આ જોડકણું સાંભળીને બધા મોટા થયા છે. આ છાપું જે અંગ થકી વાંચી શકાય છે એ આંખની કીકી ગોળ છે અને આ દુનિયા પણ ગોળ છે. બધું ગોળ છે. સૃષ્ટિનો કોઈ તાગ મેળવી શક્યું નથી કે આખું બ્રહ્માંડ કોઈ જોઈ શક્યું નથી પણ એ પણ ગોળ જ છે એવું ખાતરી સાથે કહી શકાય. ગોળ-આકાર આપણી ઉપર રાજ કરે છે ને માણસોને ગોળાકાર બધું જ ગમે છે. આદીમાનવોના સમયથી આજના આધુનિક સમય સુધી માનવજાતનું ગોળ-આકાર માટેનું વળગણ છૂટ્યું નથી. ઈરાન ઉપર ફેંકાતા મિસાઈલનો આકાર પણ ગોળ છે અને ટ્રમ્પ જે માઈકમાં બોલે છે એ પણ ગોળ છે.
દુનિયાના કોઈ પણ ખૂણે નજર કરો, ગોળાકાર જ ગોળાકાર. અનેક આકારોમાંથી કેમ ગોળ-આકાર જ શીર્ષાસન ઉપર બેઠેલો છે? બીજા બધા આકાર કેમ નીચી પાયરીના છે? માણસને ગોળાકાર વસ્તુનું આટલું બધું વળગણ કેમ છે?
ડીશ ગોળ છે. પ્લેટ ગોળ છે. સમયને માપતી ઘડિયાળ ગોળ છે. આપણા દિવસ અને રાત બનાવતા સૂરજ અને ચંદ્ર પણ ગોળ છે. આકાશમાં ઉડતા પ્લેનના પૈડા કે ખાડાવાળા રોડ પર ચાલતા ગાડાના વ્હીલ પણ ગોળ છે. જેના થકી દુનિયા ચાલે છે એ ચલણી નાણાંના મુખ્ય એકમ સમા સિક્કા પણ ગોળાકાર જ છે.
બધું જ સર્કલ ને રાઉન્ડ કેમ? ચાર રસ્તા ઉપર પણ સર્કલ-રાઉન્ડ અબાઉટ બને તે ગોળ હોય છે. ત્યાં ગોળ આકૃતિ ન હોય તો પણ એને માણસો કહે તો ચોકડી કે સર્કલ જ, અર્થાત ગોળાકાર. માનવજાત ગોળ-આકારથી ઘેરાયેલી છે. ખુદ એક ગોળ બબલની અંદર રહે છે.
એલિયન્સ પૃથ્વીની મુલાકાત લે તો સમરીમાં એવું કહે કે
‘પૃથ્વીના આ જીવોને ગોળ-આકારનું ઘેલું લાગ્યું છે...’
સહેજ પણ ભણેલા હશો તો એનો જવાબ એવો આવશે કે ગોળાકાર એ વ્યવહારું છે. ઈજનેરો કે ગણિતજ્ઞ એમ કહેશે કે કેન્દ્રથી સપાટી પરના દરેક બિંદુનું અંતર સમાન થાય એવો એકમાત્ર સીમેટ્રીકલ આકાર ગોળ છે માટે તેની ઉપયોગિતા વધુ છે. ચોરસ પૈડાવાળી સાઇકલ ચલાવવી અઘરી પડે. ફિઝિક્સના નિષ્ણાતો કહેશે કે ગોળ-આકાર એકદમ ડેમોક્રેટિક છે એટલે કે દરેક બિંદુ ઉપર આવતું પ્રેશર એકસમાન હોય માટે આવો આકાર તણાવ વધુ સમય સુધી સહન કરી શકે. કેમેસ્ટ્રિના નિષ્ણાત કહેશે કે જુવો ને, અણુ-પરમાણું કે ઈલેક્ટ્રોન કે પ્રોટોન પણ ગોળ જ છે ને.
કુદરતને પણ ગોળ-આકાર જ ફાવે છે. ગુરુત્વાકર્ષણ બળનો પ્રિય આકાર એક જ છે. પાણીની બુંદો કે પરપોટા પણ ગોળ જ બની જાય. જાણે આખો સંસાર આપણને કહેતો હોય કે ટકી રહેવું હોય તો વર્તુળનો આધાર લો, ખૂણા જેવા અણીદાર થવા જશો તો બટકી જશો.
બીજી તરફ, જે વાત આપણા હાથમાં છે એમાં પણ આપણે ગોળ-આકારનો જ આધાર લીધો છે. સગાઇ થાય ત્યારે વીંટી પહેરાવીએ તે ગોળ છે. તે ચોરસ નથી, ત્રિકોણ નથી. વર્તુળ છે. કેમ? વર્તુળને કોઈ છેડો નથી હોતો માટે એ અનંતની વાટ કહેવાય. ફોરેવર. શાશ્વત. ગોળ-આકાર સનાતન છે.
‘મૈ સમય હૂં’- આ વાક્યથી મહાભારત સિરિયલની શરૂઆત થતી અને અવકાશમાં એક ચક્ર ફરતું દેખાતું. વર્ષની ઋતુઓની ઘટમાળ પણ મૌસમના ચક્ર તરીકે ઓળખાય છે. અસ્તિત્વની ફિલસૂફી જ આ છે. એક ચક્રના દાંતામાં રહેલો બીજા ચક્રનો દાંતો. આ બધાં ચક્રો એક વિશાળ ચક્રને અવિરત ફેરવતા રહે. એ વિશાળ ચક્રને જ આપણે નસીબ કહેતા હોઈશું?
અત્ર તત્ર સર્વત્ર વર્તુળ છે. કર્મનું ચક્ર પણ ગોળ છે. ગોળ આકાર એકદમ અહિંસક આકાર છે. બીજા આકારોમાં તીક્ષ્ણ ખૂણા છે. વર્તુળ સંતુલિત છે. શરૂઆત અને અંત ખબર ન હોવાના કારણે કોઈ બિંદુનો અહમ જોખમાતો નથી. મા-બાપ બાળકને ઉછેરે. બાળક ગોળ ગર્ભાશયમાં ગોળ-આકારે ગોઠવાયેલું હોય. એ જ મા-બાપ ઘરડા થાય ને એની કરોડરજ્જુ ગોળ વળી જાય ત્યારે તેમને તેનાં બાળકો વ્હીલચેરમાં બેસાડીને સાચવતા હોય છે.
ગોળ શું માત્ર આકાર છે? જો સત્યને ઈશ્વર કહી શકાતું હોય તો ગોળ-આકારને પણ ઈશ્વર ન કહી શકાય? વિચારવા જેવું ખરું ...