હાસ્ય વિનોદ - વિનોદ ભટ્ટ
નાનપણમાં હું એક દરજી - મિત્રને ત્યાં રમવા જતો. એક દિવસ તેના ઘરની બહાર ઊભા રહી તેને બહાર બોલાવવા મેં મોંએથી સીટી વગાડી. એ મિત્રને બદલે તેના પિતાએ બહાર આવી ગભરાટિયા અવાજે મને લગભગ છણકો કર્યો : ‘આ રીતે સંધ્યાકાળે સીટી મારીશ નહીં, ઘેર ચોર આવશે...’ સીટી સાથે ચોરને શો સંબંધ છે એ આજની તારીખમાંય મને સમજાયું નથી. જોકે શુકન-અપશુકનની માન્યતાને લૉજિક અર્થાત્ તર્ક સાથે કોઈ સંબંધ નથી. ‘ભૃગુસંહિતા’ ખંડ એકમાં ‘શુકન-અપશુકન’ પર એક પ્રકરણ છે. આપણો દેશ મહાન છે, દરેક કામમાં આપણને સિદ્ધિ મળે છે એનાં કારણોમાંનું મોટું કારણ મને એ લાગે છે કે શ્રદ્ધાળુ જીવો શુકન જોઈને જ શુભ કાર્ય માટે સંચરતા હોય છે.
શુકનમાં માનનારાઓ બિલાડી આડી ઊતરે તો એને અપશુકન ગણે છે, પણ ખરેખર તો બિલાડીનું સામે આવવું એ ઉંદર માટે અપશુકન ગણાય, ને મ્યુનિસિપલ કૉર્પોરેશનની કૂતરા પકડવાની કૂતરાગાડી સામે મળે તો કૂતરા માટે અપશુકન કહેવાય. આ બધું સાપેક્ષ છે. આપણા ભૂતપૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાને મેં એકવાર પૂછેલું કે ‘તમે પૉલિટિશિયનો કોઈ સારા કામ માટે બહાર નીકળતા હો ને એ જ વખતે કોઈ બિલાડી આડી ઊતરે તો તમે એને અપશુકન ગણી પાછા વળી જાવ ખરા?’ જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ‘બિલાડી આડી ઊતરે તો અમને કંઈ ન થાય, જે કંઈ થાય તે બિલાડીને જ થાય. આ રીતે એકવાર મને આડી ઊતરેલી બિલાડી તરત જ એક ટ્રક નીચે ચગદાઈને મરી ગઈ હતી.’
ભૃગુઋષિના કહ્યા પ્રમાણે એકવાર અથવા તો પહેલી વાર શુભ શુકન થઈ ગયા પછી ગમે તેવાં ખરાબ શુકન થાય તો પણ ગભરાવું નહીં, વાંધો નહીં આવે, પરંતુ જો ઘરમાંથી બહાર નીકળતી વેળાએ પ્રથમ વાર ખરાબ શુકન થાય તો જ્યાં હોઈએ ત્યાં અટકી જવું, અને સારા શુકનની રાહ જોવી, અને સારાં શુકન થઈ જાય તો આગળ ધપવામાં બાધ નથી. બે વાર અપશુકન થાય તો પણ ત્રીજી વાર રાહ જોવી, ત્રીજી વખત સારાં શુકન થવાને લીધે અગાઉનાં બન્ને ખરાબ શુકનો નાશ પામે છે, સૌ સારાં વાનાં થાય છે.
કોઈ માણસ સારા કામ માટે બહાર જવા નીકળતો હોય એ જ વખતે બિલ્લી યા કૂત્તો છીંક ખાય તો તે અપશુકન નથી ગણાતાં, પણ માણસ છીંક ખાય તો બીજા માણસ માટે તે અપશુકન લેખાય છે, અને છીંક ખાનારો એકને બદલે બે છીંક ખાય તો પાછાં અપશુકન મટી જાય છે - ટુ નેગેટિવ્સ મેઈક વન પૉઝિટિવ.
સામેથી ગર્દભ આવતો હોય તો કુંભાર સિવાયના લોકો તેને અપશુકન માને છે, પણ સામેથી હાથી આવે તો શુકન ગણાય, ને એ હાથી એકાએક પાગલ થઈ જઈ સામે ધસી આવે તો શું કહેવાય એ બાબત તેનો મહાવત ત્યાં હાજર હોય, ત્યાંથી નાસી ગયો ન હોય તો તેને પૂછી શકાય.
એ જ પ્રમાણે સામેથી કૉન્ટૅસા કારમાં કોઈ પ્રધાન આવતા હોય તો તેને શુકન માનવાં જોઈએ, કારણ એટલું જ કે બત્રીસ લક્ષણો હોય એ જ પ્રધાન થઈ શકે ને! એ જ રીતે સામેથી આવતો પટાવાળો શુકનવંતો છે કે કેમ એ નક્કી કરવા અગાઉ તે ક્યાંનો ને કોનો પટાવાળો છે એ જાણી લેવું પડે; કેમકે પ્રધાન કરતાંય પટાવાળાની નોકરી આમ તો વધારે ટકાઉ હોય છે. પ્યૂનને છૂટો કરવા અગાઉ પચાસ વખત વિચાર કરવો પડે છે, છતાં વિચાર કરીનેય તેને છૂટો કરી શકાતો નથી. આમ તો સફેદ (લાલ કે કાળી, કોઈપણ રંગની) ગાય સામેથી આવતી હોય તો તેને બહુ મોટાં શુકન ગણવામાં આવે છે; ક્ધિતુ ઈન્ટર કૉમર્સમાં બબ્બે વાર ગાયનાં શુકને મને પાસ થવામાં મદદ નહોતી કરી. શક્ય છે કે ગાય પાસે પાસ કરાવવાનો અમુક જ ‘ક્વોટા’ હશે તો જ, એમ બને ને જોકે મારા જેટલો જ ‘હોશિયાર’ મારો મિત્ર એ જ ગાયનાં શુકનને લીધે પાસ થઈ ગયો હતો. કાપલીઓમાંથી જોઈને લખતાં તેને સુપરવાઈઝરે પકડ્યો નહોતો.
એટલે ઘણી વાર ખબર નથી પડતી કે કઈ ચીજ કોના માટે શુકનિયાળ છે ને કોના માટે અપશુકનવાળી છે. બરાબર સાકર જેવું. કહે છે કે ગધેડો સાકર ખાય તો તે મરી જાય છે ને એ સાકર માણસ વારંવાર અને વધુ પ્રમાણમાં ખાધા કરે તો બહુ બહુ તો તેને ડાયાબિટીસ થાય છે.
પદ્મિનીનાં લક્ષણોવાળી સ્ત્રીનાં શુકન ખૂબ જ સારાં ગણાય છે. એ રીતે પતિ-પત્ની-યુગલ સામેથી આવતું હોય તો તે ઉત્તમ શુકન ગણાય, પણ એ બંને ચૂપચાપ, એકબીજા સામે મોઢું ચડાવીને ચાલતાં દેખાય કે કોર્ટ યા વકીલને ત્યાં છૂટાછેડા માટે જતાં જણાય તો તેને કંઈ સારાં શુકન ગણી શુભ કાર્ય માટે આગળ વધવું નહીં. એ રીતે કાર્યારંભે મિષ્ટાનનાં શુકન થાય તો તે શુભ ફળ આપે, સિવાય કે તમને ડાયાબિટીસ હોય ને તમે બ્લડસુગરની તપાસ માટે કોઈ પેથોલૉજિસ્ટ પાસે જતા હો તો બ્લડ-યૂરીનમાં શર્કરાનું પ્રમાણ ઘણું જ વધારે આવે - જો કે ડૉક્ટરને તે તમારા ભોગે શુભ ફળ આપશે... કોઈ પુરુષ ખાલી વાસણો લઈને પાછળથી આવતો દેખાય તો તે અપશુકન લેખાય, પણ જો તે વાસણનો કે વાસણના ભંગારની ફેરી કરતો હોય તો આખી આ ઘટના અપશુકનવંતી મટી શુકનવંતી બની જાય છે.
કોઈ સખીને મળવા જતી વેળાએ સામેથી સ્વરૂપવાન સ્ત્રી આવતી દેખાય, તે ખુદની પત્ની હોય તો પણ તે રસ્તા વચ્ચે ઊભા રાખીને પૂછે નહીં કે અટાણે ક્યાં ભટકવા જાય છે? તો તેને શુકન સમજવાં.
ભૃગુઋષિના સમયમાં શહેરો વસ્યાં નહોતાં, ગામડાં અને જંગલો હતાં એટલે એવા વાતાવરણને અનુલક્ષીને તેમણે શુકન-અપશુકન કોને ગણવાં તે જણાવ્યું છે. જંગલના રસ્તે ચાલવાનું શરૂ કરતાં ભમરો જમણી બાજુએ ઊડતો દેખાય અથવા કોઈ ફૂલ પર બેઠેલો દેખાય તો તેને ઉત્તમ શુકન ગણી આગળ ધપવું. (પણ સામેથી કે જમણી-ડાબી કોઈપણ દિશામાંથી વાઘ - સિંહ ધસી આવે તો બહાદુરીપૂર્વક પીછેહઠ કરવી જેથી વાઘ કે સિંહ પોતાને ઉત્તમ શુકન ફળ્યાનો દાવો ન કરી શકે.) યાત્રાના સમયે સારસ પક્ષીનું જોડું દેખાય અથવા તો તેમનો અવાજ સાંભળવા મળે તો તેને શુકન માનવાં. જરૂરી નથી કે સારસ સાથેની સારસી તેની અર્ધાંગિની હોય.
સ્મશાનમાંથી પાછા ફરતા ડાઘુ, (હા, ડાઘુ જ, કેમકે મડદાં એક વાર સ્મશાનમાં પ્રવેશ્યા પછી પોતાનાં ઘેર પાછાં ફરતાં નથી.) સામેથી આવતા દેખાય તેને શુકન લેખવામાં આવે છે. સામેથી લોકોના ખભે ઊંચકાઈને આવતું શબ પણ શુકનવંતું ગણવામાં આવે છે, કેમકે તે સુખ-દુ:ખ, પ્રેમ-તિરસ્કાર, મોંઘવારી-સોંઘવારી, ભ્રષ્ટાચાર તેમ જ સફળતા-નિષ્ફળતાથી પર-ઉપર થઈ જાય છે... વર્ષો પૂર્વે એક લાભપાંચમે અમારી ઑફિસનું મુહૂર્ત હતું. એ જ દિવસે અમારા એક અસીલે, મુહૂર્ત ટાણે જ ઑફિસમાં આવીને પોક મૂકી. વીસ દિવસ પહેલાં ગુજરી ગયેલ તેના નેવું વર્ષના પિતાશ્રીનો શોક જાહેર કરવા તે આવ્યો હતો. અમને બધાને ફડકો પેઠો કે આ તો વર્ષની શરૂઆત જ રોકકળથી થઈ, વરસ આર્થિક રીતે નબળું જશે. પણ અમારા આશ્ર્ચર્ય વચ્ચે અગાઉનાં વરસોનાં મુકાબલે રોકકળવાળું વરસ ઉત્તમ રહ્યું. કદાચ એટલે જ મૃત્યુ પામેલ માણસને દેવ થઈ ગયો માની શુકન ગણતાં હશે, પછી ભલે મરનાર ઝેરી લઠ્ઠો પીને ગુજરી ગયો હોય કે બેકારીથી કંટાળીને તેણે આત્મહત્યા કરી હોય, કોઈપણ રીતે છૂટ્યો એટલે શુકન, મુખ્ય વાત જ છૂટી જવાની છે.
તો પણ કોઈ ફેરિયો કે દુકાનદાર ‘સાહેબ, તમારાથી જ ધંધાની શરૂઆત કરું છું,’ ‘તમારી જ બોણી થાય છે’ એવું કહેતો હોય છે, પણ સાજ-ખાંપણનો કોઈ વેચનાર આવું નથી બોલતો કે શેઠ, છૂટા આપજો, તમારી જ પહેલવહેલી બોણી થાય છે.
યાત્રા સમયે શસ્ત્રનાં-હથિયારનાં દર્શનને શુકનિયાળ ગણવામાં આવે છે, પરંતુ ટ્રેન કે બસમાં આપણી તરફ કોઈ હથિયાર સાથે તે હથિયારધારી આવતો હોવો ના જોઈએ... ઘઉં અને ચોખા જેવાં અનાજનાં દર્શન શુકનિયાળ ગણાય, પછી ભલે કોઈ ઉઘાડપગો મજૂર ભર ઉનાળે પરસેવે રેબઝેબ થતો હાથલારીમાં તે ખેંચી લાવતો હોય... પોતાની તરફ અત્યંત પ્રીતિ દાખવનાર વ્યક્તિ સામેથી આવતી દેખાય તો તેનાં શુકન હંમેશાં શુભ ફળ આપે છે, તેમ છતાં આ અંગે ખાતરી મેળવવા તે વિજાતીય પાત્રને રસ્તા વચ્ચે ઊભું (આમ તો ઊભી) રાખીને પુછાય નહીં, કારણ એ કે એ રીતે પૂછવા જતાં શુકન અપશુકનમાં પલટાઈ જાય-ઑર્થોપેડીક સર્જનની હૉસ્પિટલ સુધી ખેંચી જાય... પોતાનાં બાળક સાથેની સ્ત્રી સામે મળે તો શુકન થાય, પણ પોતાના બાળકને તે ઢસડીને મારતી મારતી સ્કૂલે મૂકવા જતી હોય તો વધારે શુકનવંતી સમજવી... ધુમાડા વગરના અગ્નિનાં શુકન સારાં, સિવાય કે અગ્નિની જ્વાળાઓ આપણા ઘરમાંથી ન નીકળતી હોય. જોકે એ કરતાંય સામેથી ધસી આવતા ફાયરબ્રિગેડવાળાઓનાં દર્શન શ્રેષ્ઠ સમજવાં. એ રીતે ધોયેલાં કપડાંનો ગાંસડો લઈને આવતો ધોબી સામે મળે તો તેને શુદ્ધ શુકન લેખવાં, પછી ભલે તે ગ્રાહકોનાં કપડાંનાં બટનો ડઝનના ભાવે તોડતો હોય, શર્ટ-બુશશર્ટ તેમજ ઝભ્ભાના કોલર સમાન ભાવે ફાડતો હોય યા સાડીઓને ઈસ્ત્રી કરવા જતાં બાળી મૂકતો હોય - આ તેનો જન્મસિદ્ધ અધિકાર છે, પણ મુખ્ય વાત કપડાંનો મેલ કાઢી તેને નિર્મળ કરવાનો છે માટે ધોબીનાં શુકનને ફળદાયી સમજવાં.
પ્રવાસ વખતે વ્યંઢળ સામે મળે તો પ્રવાસ બંધ રાખવો; કેમકે તે અપશુકનિયાળ નીવડે છે, સિવાય કે તે વ્યંઢળ ચૂંટાઈને કોઈ રાજ્યનો મંત્રી બની ગયો હોય. આવું હોય તો તે અપશુકનમાંથી શુભ શુકન બની જાય છે... ઘરનો ઉંબર ઓળંગી બહાર જવા તૈયાર થતાં ઉપાડેલો પગ એકાએક અટકી જાય તો બહાર જવાનું મુલતવી રાખવું, સિવાય કે આર્થ્રાઈટિસની બીમારીને કારણે જ પગ અટકી ગયો હોય. જંગલના રસ્તે પસાર થતાં કૂતરાં-બિલાડાં લડતાં દેખાય તો આગળ વધવામાં બાધ નથી, પરંતુ એ જ રસ્તે વાઘ-સિંહ લડતા જોવામાં આવે ને ચડી જવા માટે નજીકમાં કોઈ ઝાડ ન હોય તો તેને છેલ્લી વારનાં અપશુકન સમજવાં. સામેથી પથ્થર લઈને આપણી તરફ કોઈ આવતું દેખાય તે સારાં શુકન નથી, તેણે પથ્થર ઉગામ્યો ન હોય તો પણ. શક્ય છે કે આપણી સામે જોવાથી તેને તે પથ્થરનો સદુપયોગ કરવાની પ્રેરણા થઈ આવે. કોઈ શુભ કાર્ય માટેનાં પ્રયાણ વખતે લુચ્ચા કે દુષ્ટ માણસ યા વિકલ્પે પૉલિટિશિયન કે ક્રિમિનલ પ્રૅક્ટિસ કરતો વકીલ સામેથી ભેટી જાય તો આવા અપશુકનને કારણે કરીને પરિણામ પ્રતિકૂળ આવે. પરંતુ એને બદલે કોઈ વસ્ત્ર વગરનો-દિશાઓનાં વસ્ત્ર પહેરેલો પાગલ સામે મળે તો કામ ફત્તેહ થાય. અને પડેલા ચહેરાવાળો યા ઉદાસ મુખમુદ્રાવાળો હાસ્યલેખક સામેથી આવે છે એવો ભ્રમ પણ થાય તો તેને અપશુકન ગણી તુરત જ પાછા ફરી જવું.
અલબત્ત શુકન અને અપશુકનમાં માનતા હોય એ લોકોનાં જીવનમાં જ શુકન-અપશુકનનો પ્રભાવ રહે છે. બાકી ડૉ. અબ્રાહમ કોવુર જેવો માણસ જાણીબુઝીને અવળા ચોઘડિયામાં શુભ કામ કરતો. પોતાના પુત્રનાં લગ્ન તેમણે અશુભ અને અનિષ્ટ ચોઘડિયામાં કરાવેલાં. અને અમદાવાદના મિલ ઉદ્યોગના પિતા એવા રણછોડલાલે વિદેશથી મગાવેલ મિલ-મશીનરી ચાર ચાર વખત દરિયામાં ડૂબી જવા છતાં, ઈશ્ર્વરની જ ઈચ્છા નથી કે હું મિલ શરૂ કરું એટલે જ મને તે આવાં અપશુકન કરાવે છે એમ ગણીને મિલ ઊભી કરવાનું પડતું નહોતું મૂક્યું. પણ જે દિવસે તે સરકારી નોકરીમાં પંદર રૂપિયાની લાંચ લેતાં પકડાઈ ગયા એ દિવસે તેમને ચોક્કસ થયું હશે કે આજે કયા અભાગિયાનું બૂંદિયાળનું ડાંચું જોયું તે બીજા કશામાં નહીં ને લાંચના ગુનામાં ઝડપાયો! એ દિવસે ગાયનાં શુકન લેવા છતાં આવું કેમ બન્યું ? જોકે એમને માટે જે શાપરૂપ થયું એ અમદાવાદની પ્રજા કાજે આશીર્વાદ બની રહ્યું. અમદાવાદને તેમના થકી મિલ ઉદ્યોગ મળ્યો, સમૃદ્ધિ મળી. જે સ્ત્રીએ પોતાનો પતિ ગુમાવ્યો હોય તેને અમંગલકારી માનવામાં આવે છે, તે સામેથી આવતી હોય તો સારા કામે જતો માણસ આજેય પાછો ફરી જાય છે.
મારી કૉલોનીમાં એક સજ્જન બૅગ સાથે નીકળતા હતા, એ જ વખતે તેમની સામે એક માણસ આવતો હતો, જેમણે તાજેતરમાં જ પોતાની પત્ની ગુમાવી હતી - પત્નીથી છૂટાછેડા લીધા હતા. બહારગામ જતા સજ્જનને અપશુકન ન થાય એ માટે તે માણસે બાજુની ગલીમાં ફંટાઈ જવા પ્રયાસ કર્યો. એ સજ્જન એનું કારણ સમજી ગયા એટલે પેલા સામે આંખ મીંચકારી હસી પડતાં તે બોલ્યા : ‘તમે નાહકના ફંટાઈ જાવ છો, સામેથી ડિવૉર્સી આવતો હોય તો એ શુકન ગણાય...’