Fri Apr 17 2026

Logo

વાચકો માટે પ્રિય પાત્ર કઈ રીતે સર્જાય છે...?

2026-04-12 11:32:00
Author: Bharat Ghelani
Article Image

ગુજરાતી પત્રકારત્વના ખરા ધુરંધર ગણાય એવા તંત્રી- લેખક  હરકિસન મહેતાનું યાદગાર પાત્ર ‘તુલસી’ વાચકો સુધી કઈ રીતે પહોંચ્યું એની યાદગાર કથા...  

ક્લોઝ અપ - ભરત ઘેલાણી

નવલકથા : ‘જડ-ચેતન’ ની નાયિકા તુલસી , સર્જક હરકિસન મહેતા, જેના પરથી ‘તુલસી’નું પાત્ર સર્જાયું એ નર્સ અરુણા શાનબાગ 

જિજ્ઞાસાવશ વાચકો હંમેશાં લેખક પત્રકારોને પૂછતા રહે છે : ‘તમે કઈ રીતે લખો છો?’

ગયા અઠવાડિયે આપણે આ કોલમમાં જાણીતા લેખક કોલમકારોની લેખન પ્રક્રિયા વિશે સવિસ્તર જાણ્યું (‘શબ્દયાત્રા : પેન કાગળ કે પછી લેપટોપ?’). એ બધા આજના જમાનાનાં ડિજિટલ સાધનો દ્વારા લખવું પસંદ કરે છે કે પછી એમણે હજુ પણ પોતાની શબ્દયાત્રા માટે પેન કાગળનો મોહ નથી છોડ્યો એ વિશે નિખાલસ વાત કરી. 

આજે આપણે અહીં જાણીએ જેમની હમણાં જ આ 3 એપ્રિલના 28મી પુણ્યતિથિ હતી એવા ગુજરાતી પત્રકારત્વના કુશાગ્ર પ્રહરી-પથદર્શક તંત્રી અને લાખો વાચકોને સાગમટે ઘેલું લગાડનારા અને આજે પણ હજુ બેસ્ટસેલર છે એવા  લા-જવાબ નવલકથાકાર હરકિસન મહેતાની નોવેલ ‘જડ ચેતન’ ની નાયિકા તુલસીનું પાત્ર કઈ રીતે કયા સંજોગોમાં સર્જાયું એની હ્રદયસ્પર્શી કથા. કટ ટુ...

  * * * * *

‘સાહેબ, મારે તમારી તુલસી વિશે ચાર-પાંચ વાત પૂછવી છે,પૂછું ?’

 એક સાંજે લોકપ્રિય સાપ્તાહિક ‘ચિત્રલેખા’ના તંત્રી- નવલકથાકાર હરકિસનભાઈનો ફોન રણકી ઊઠે છે. જવાબમાં હરકિસનભાઈ કહે છે : ‘પૂછો.’

સામે છેડેથી ચાર- પાંચને બદલે છ-સાત સવાલ પુછાય છે. શાંતિથી સામેની વ્યક્તિના બધાજ સવાલના જવાબ અપાય છે.

‘સાહેબ, છેલ્લો સવાલ: તુલસી ભાનમાં તો આવશેને? અને આવશે તો ક્યારે ભાનમાં આવશે?’

થોડા અકળાઈ ગયેલા હરકિસનભાઈ પેલી વ્યક્તિને સામે પૂછે છે:        

‘તમે વાર્તા વાંચો છો.આગળ વાંચજો એટલે તમારા સવાલનો જવાબ આપોઆપ મળી જશે.થોડી ધીરજ ધરોને,ભાઈ.’

‘સાહેબ, તુલસીનું શું થશે એ મને કહીદોને,પ્લીઝ. હવે મારામાં ધીરજ રહી નથી.’ પેલાના સ્વરમાં થોડી આજીજી ભળે છે.

‘કેમ?’

‘સાહેબ...’સામે છેડેથી અવાજ થોડો તરડાઈ જાયછે. ધ્રૂજતા સ્વરે એ કહે છે:   

‘કારણકે સાહેબ, હું’ બોમ્બે હૉસ્પિટલ’ના બિછાને પડ્યો છું. મને લોહીનું કેન્સર છે.તમારી તુલસી ભાનમાં આવશે ત્યારે હું કદાચ ચિરનિદ્રામાં સરી ગયો હોઈશ...’ સામે છેડેથી ડૂસકું સંભળાય છે અને હરકિસનભાઈના હાથમાંથી રિસીવર ફસડાઈ પડે છે...

આ ઘટના છે 1984ની. એ વખતે ‘ચિત્રલેખા’માં હરકિસનભાઈની ધારાવાહિક નવલકથા ‘જડ-ચેતન’ પ્રકાશિત થઈ રહી હતી. કથાના મુખ્યપાત્ર નર્સ તુલસી પર હૉસ્પિટલનો એક વોર્ડબોય કાશીનાથ બળાત્કાર કરવાનો પ્રયાસ કરે છે. બન્ને વચ્ચે ઝપાઝપી થાય છે તેમાં ઘવાયેલી નર્સ તુલસી કોમામાં સરી પડે છે.

એ વખતે તુલસીના પાત્રએ વાચકોનાં ચિત્ત એવાં જકડી લીધાં હતાં કે કોમામાં સરી પડેલી તુલસી ક્યારે અને કઈ રીતે ભાનમાં આવે છે એની પ્રકરણે પ્રકરણે ઉત્સુકતા અને ઉચાટ સાથે રાહ જોવાતી.     

     

હકીકતમાં ‘જડચેતન’ની નર્સ તુલસીનું પાત્ર એક સત્યઘટના પરથી હરકિસનભાઈને સાંપડ્યું હતું.મુંબઈની જાણીતી ‘કેઈએમ’હૉસ્પિટલમાં અરુણા શાનબાગ નામની નર્સ કામ કરતી. એ ફાંકડી નર્સ બધાની બહુ લાડકી. હૉસ્પિટલના એક સ્વીપરની આંખે એ ચઢી જાય છે.વાસના ભૂખ્યો સ્વીપર હોસ્પિટલમાં જ એના પર બળાત્કાર કરે છે.એના હુમલાથી ઘવાયેલી અરુણા બેહોશીમાં સરી પડે છે.સારવાર કારગત નીવડતી નથી અને એની બેહોશી કોમામાં પલટાઈ જાય છે.

આ ઘટનાને ધ્યાનમાં રાખીને હરકિસનભાઈઅં તુલસીનું અદ્ભુત પાત્ર સજર્યું. નવલકથાના ઉત્તરાર્ધમાં તો વાચકોની પ્રિય તુલસી ભાનમાં આવી જાય છે, પણ જેના પરથી આ પાત્ર સર્જાયું એ અરુણા શાનબાગ 42 વર્ષ કોમામાં રહી પછી એનું આજથી 11 વર્ષ પહેલાં 2015માં અવસાન થયું હતું. 

બળાત્કાર બાદ અરુણા કોમામાં ગઈ એ પછી હરકિસનભાઈ પાંચેક વાર હૉસ્પિટલમાં જઈને એને જોઈ આવેલા. અરુણા પર લેખ લખવાની એમની ઈચ્છા એટલે કે એક પત્રકાર તરીકે અરુણા વિશેની બધી માહિતી એકઠી કરી,પણ બળાત્કાર પછી કોમામાં સરી પડેલી અરુણાની સ્થિતિ એમને એવી હચમચાવી ગઈ હતી કે એમના પત્રકાર જીવને એમનામાં રહેલો એક લેખક ઓવરટેઈક કરી ગયો અને એક નવી નવલકથાનાં બીજ રોપાયાં. ડગલે ને પગલે અરુણા જ એમના મનમાં ઘુમરાતી રહી તેમાંથી સર્જાયું ‘જડ-ચેતન’ની તુલસીનું પાત્ર.

તુલસી નામ એમને કઈ રીતે સૂઝ્યું?

અંધેરીમાં ‘ચિત્રલેખા’ કાર્યાલય અને જુહૂના એમના ઘર વચ્ચે ગુલમહોર રોડ પર એક નાનો બંગલો.ત્યાંથી હરકિસનભાઈ રોજ પસાર થાય.

એક દિવસ અમે ત્યાંથી કારમાં જ પસાર થઈ રહ્યા હતા ત્યારે પેલા બંગલા તરફ આંગળી ચીંધીને એ અનાયાસ બોલી ઊઠેલા:           

‘નવલકથાની નાયિકાનું નામ મળી ગયું!’

એ બંગલાનું નામ હતું: ‘તુલસી.’ ! 

નવલકથાના ઉપાડ માટે ચિત્તન ેહચમચાવી નાખે તેવી સત્ય ઘટના મળી ચૂકી હતી.મુખ્યપાત્રને અનુરૂપ નામ પણ મળી ગયું પછી અરુણાના જીવનની અન્ય કેટલીક ઘટના અને લેખકની કલ્પનાના સંગાથે કલમ દોડવા માંડી.અને વેદના-સંવેદના વચ્ચે રહસ્યનાં આટાપાટા ખેલતી એક ધારાવાહિક  ‘ચિત્રલેખા’નાં પૃષ્ઠ પર સર્જાવા માંડી હરકિસનભાઈની શ્રેષ્ઠ નવલકથાઓમાંની એક ‘જડ-ચેતન.’ ( જેના પરથી એક ટીવી સિરિયલ પણ બહુ જાણીતી થઈ : ‘ખામોશી’) 

અરુણાની જેમ ‘જડચેતન’ની તુલસી પર બળાત્કારના પ્રયાસ પછી ઘવાયેલી તુલસી કોમામાં સરી જાય છે. શરૂઆતના ચાર-પાંચ પ્રકરણ સુધી હસતી-રમતી નવલકથાનો અચાનક પ્રવાહ પલટાઈ જાય છે. આખરે ચોવીસમા પ્રકરણને અંતે ‘તુલસી ભાનમાં આવી રહી છે’ એવું એક જ વાક્ય વાંચીને ‘ચિત્રલેખા’ના લાખો વાચકો એ વખતે આનંદથી ઝૂમી ઊઠ્યા હતાં. એ ને માત્ર પેલા એક જ વાક્ય પછી વાચકોને આ તુલસીના પાત્ર સાથે એમને કેવી આત્મીયતા બંધાઈ ગઈ હતી એનો પડઘો પડ્યો.એ જમાનામાં તો ઈ-મેલ કે મોબાઈલ ફોન પર મેસેજ કે વોટસ ઍપ હતા નહીં એટલે ટેલિગ્રામ-તાર ઉપરાંત ‘ચિત્રલેખા’ કાર્યાલય પર મની ઑર્ડરો આવવા માંડ્યા. કોઈ અગિયાર,કોઈ એકવીસ તો કોઈ રૂપિયા એકસો એક મોકલીને લખતું:   

 

‘આ ખુશાલીના આવા અવસરે અમારા વતી તમારે ત્યાં સૌને પેંડા વહેંચજો.’ એક વાચકે તો એમ લખેલું: ‘મોકલેલી રકમ સિદ્ધિવિનાયકના મંદિરે ચઢાવજો.તુલસી ભાનમાં આવે એ માટે અમે ગણપતિબાપાની માનતા માની હતી.’ કોઈએ લખ્યું: ‘અમારું કોઈ સ્વજન વર્ષોની બેહોશી બાદ શુદ્ધિમાં આવી રહ્યું છે એવું અનુભવ્યું, અમે પણ ઘરમાં પેંડા ખાધા.’

તુલસી ભાનમાં આવી રહી છે એ સમાચાર ‘જડ-ચેતન’ના નાયક ચિંતનને મળે છે ત્યારે એ બોલી ઊઠે છે: ‘છાપરે ચડીને આખી દુનિયાને કહું છું,મારી તુલસી ભાનમાં આવી ગઈ...’ આ જ વાક્ય ટાંકીને એક યુવા વાચકે લખેલું કે

‘ચિંતનની જેમ હું ય અગાસી પર ચડીને બોલી ઊઠેલો: 

‘જડ-ચેતન’ની તુલસી ભાનમાં આવી ગઈ...!’

ગુજરાતી નવલકથાના ઈતિહાસમાં કોઈ એક પાત્રને વાચકો આ રીતે વધાવી લે એ ઘટના ખરેખર વિરલ ગણાય.

તુલસી લાખો વાચકોની લાડલી તો હતી જ, પણ એની સાથે પોતે સર્જેલાં અનેક પાત્રોમાં હરકિસનભાઈનુંય સૌથી પ્રિય પાત્ર તુલસી જ રહ્યું....!