Fri Apr 17 2026

Logo

ભાગવત-ભાઈશ્રીનો ભાષાવૈભવ

2026-04-12 12:46:00
Author: Henry Shastri
Article Image

 

 

 

ઝબાન સંભાલ કે - હેન્રી શાસ્ત્રી

 

‘મુંબઈ સમાચાર’ આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહ એક અનોખી - અલાયદી પહેલ છે જેનો હેતુ માત્ર ગુજરાતી જ નહીં, દરેક માતૃભાષા જળવાય અને સચવાય એ છે. બીજી એપ્રિલથી આઠ એપ્રિલ દરમિયાન વ્યાસપીઠ પરથી ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા ભાગવત કથાના ઉલ્લેખ દરમિયાન તેમ જ તેમણે રજૂ કરેલા અન્ય પ્રસંગો - ઉદાહરણોમાં ગુજરાતી ભાષાનો વૈભવ જોવા મળ્યો. ભાગવત કથા દરમિયાન ભાઈશ્રી પરિવારનો ઉલ્લેખ કરી જે વાત સમજાવતા એમાં પણ ભાષાની ખાસિયતો અને લાક્ષણિકતા નજરે પડતી હતી. પાકી કેરીની મોસમ આવે ત્યારે કેરીનો રસ ખાવાની પ્રક્રિયા સંદર્ભે ભાઈજીએ વિગતે વાત કરી હતી. ઘરના સભ્યો કેરી ઘોળવા બેસે. ઘોળવું એટલે ચોળી ચોળીને નરમ કે ઢીલું કરવું, ફરતેથી દાબીને નરમ કરવું. આ પ્રક્રિયાને કારણે કેરી સરખી નીચોવાઈ મોટા ભાગનો રસ નીકળી જાય છે. ઘોળેલી કેરીનો રસ કાઢી લીધા પછી એને ઘસી રહી ગયેલો રસ કાઢવામાં આવે. કેરીના ગોટલા છોકરાઓને ચૂસવા આપવામાં આવે અને એ ગોટલા ધોળા દાઢીવાળા થાય ત્યાં સુધી મજા લેવામાં આવે. ઘોળીને પી જવું એટલે કશી ગણતરીમાં નહીં લેવું, બેદરકાર રહેવું.

 

એક દૃષ્ટાંત કથામાં ભાઈશ્રીએ ઓળખે - ઓળખી જાય વચ્ચે રહેલો તફાવત ઉદાહરણ સાથે સમજાવ્યો જે સાંભળી શ્રોતાઓને મોજ તો પડી જ, ભાષાવૈભવથી માતૃભાષા માટેની સમજણમાં મહત્ત્વનો ઉમેરો થયો એ છોગામાં. છોગામાં એટલે ઉમેરામાં, વધારામાં. મૂડી પરના વ્યાજ જેવી વાત થઈ. શ્રોતાઓને મોજ પડે એમ આગવી શૈલીમાં ભાઇશ્રીએ કહ્યું કે પ્રત્યેક વ્યક્તિ ઇચ્છતી હોય છે કે સહુ કોઈ એને ઓળખે પણ કોઈ ઓળખી જાય નહીં એની તકેદારી પણ રાખવામાં આવે છે. ઓળખે શબ્દમાં પ્રતિષ્ઠાનો - વ્યાપકતાનો  ભાવ રહ્યો છે. 

ભગવાન શ્રી રામને બધા ઓળખે. જેને સહુ કોઈ ઓળખતા હોય તેણે ઓળખાણ આપવાની જરૂર ન પડે. ઓળખી જાય એટલે માત્ર નામ પૂરતો પરિચય નહીં, એના સ્વભાવ - લક્ષણોથી વાકેફ થવું. રાવણને બધા ઓળખી ગયા છે. મતલબ કે એના લક્ષણોથી પૂર્ણપણે વાકેફ છે. સમાજમાં આપણી આસપાસ રાવણવૃત્તિ ધરાવતા અનેક લોકો હોય છે જે ઈચ્છતા હોય છે કે કોઈ એમને ઓળખી ન જાય. આ ફરકને સરસ મજાની દૃષ્ટાંત કથાથી ભાઇશ્રીએ સમજાવ્યો હતો. એક ભાઈ નવી જગ્યાએ રહેવા ગયા. બે ત્રણ દિવસ પછી પાડોશમાં રહેતા ધનાઢ્ય વેપારી પાસે ગયા અને કહેવા લાગ્યા કે ‘તાત્કાલિક જરૂર ઊભી થઈ છે. પાંચ લાખ રૂપિયા આપો ને. વહેલી તકે પાછા આપી દઈશ.’ એમની રજૂઆત સાંભળી ધનવાન પાડોશી બોલ્યા કે ‘મારી પાસે પૈસા નથી એમ નહીં કહું, પણ હું તમને ઓળખતો નથી (પરિચય નથી) એટલે આટલી મોટી રકમ નહીં આપું.’ આ સાંભળી યાચક ભાઈ રડવા લાગ્યા અને જણાવ્યું કે ‘દુનિયા કેવી છે. અગાઉ હું જ્યાં રહેતો હતો ત્યાં લોકો મને ઓળખી ગયા (લીધેલા પૈસા પાછા નહીં આપે -  નહીં આપી શકે) હોવાથી મને મદદ નહોતા કરતા અને અહીં ઓળખતા નથી એટલે પૈસા નથી આપતા.’ ઓળખાણ પરથી વિરોધાભાષી કહેવતો જાણવા - સમજવા જેવી છે. ઓળખાણ સોનાની ખાણ છે, મતલબ કે પરિચય એક ખજાનો છે. એ ખજનાની સંપત્તિ અનેક રીતે લાભકારક સાબિત થઈ શકે છે. આની વિરોધાભાષી કહેવત છે ઓળખીતો સિપાઈ હેડમાં ઘાલે. હેડ એટલે જેલ અથવા કેદ. પરિચિત માણસ વધુ હેરાનગતિ કરે એ એનો ભાવાર્થ છે. અહીં ઓળખાણ નુકસાનકારક સાબિત થાય છે. 

 

કથામાં  संस्कृत श्लोक और हिन्दी आणि मराठी 

માતૃભાષા ભાગવત સપ્તાહ હોવાથી વ્યાસપીઠ ઉપરથી ભાઈશ્રીએ વ્યાસપીઠ પરથી દેવભાષા સંકૃતના શ્લોક ઉપરાંત પ્રસંગોપાત હિન્દીમાં અને ક્યારેક મરાઠીમાં રજૂઆત કરી માતૃભાષા ભાગવત સપ્તાહના મર્મને જાળવી રાખ્યો હતો. મહારાષ્ટ્ર્ના મરાઠીભાષી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હિન્દીમાં વક્તવ્ય આપ્યું હતું જ્યારે હિન્દીભાષી મૈથિલી ઠાકુરે મરાઠીમાં તેમનું ભજન ગાઈને સંભળાવ્યું હતું. ભાઈશ્રીએ અનેક શ્લોકનું પઠન કર્યું હતું. એમાંનો એક सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे। तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः॥ શ્રીમદ ભાગવતનો મંગળાચરણનો શ્લોક છે. ભાવ સાથેનો એનો અર્થ છે કે 'જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના કારણ છે, અને ત્રિવિધ તાપ (આધ્યાત્મિક, આદિદૈવિક, આદિભૌતિક) નો નાશ કરનારા છે, તેવા ભગવાન શ્રીકૃષ્ણને અમે વંદન કરીએ છીએ.' શ્રીમદ્ ભાગવતનો આ શ્લોક પણ જાણીતો છે: नामसंकीर्तनं यस्य सर्वपापप्रणाशनम्। प्रणामो दुःखशमनस्तं नमामि हरिं परम्।। જે ભગવાન શ્રીહરિના નામનું સંકીર્તન કરવાથી સર્વ પાપોનો નાશ થઈ જાય છે અને જેમને કરેલા પ્રણામ દુઃખને શાંત કરનારા છે, તે પરમ પુરુષ ભગવાન શ્રીહરિને હું નમસ્કાર કરું છું.

સીએમ ફડણવીસ હિન્દીમાં બોલ્યા કે 'मुंबई समाचार'ने देश की सभी मातृभाषाओं का सन्मान करने का जो प्रयास किया है उसके लिए मैं उनका अभिवादन करता हूँ. कलियुग में भागवत सप्ताह के माध्यम से भाईश्री मन और चित्त की शुद्धि कराते हैं. श्री कृष्ण का चरित्र परिपूर्ण है और उनके जीवन को समजने का प्रयास करने से मार्गदर्शन मिलता है. બિહારની વિધાનસભ્ય અને લોકસંગીતમાં પ્રાવીણ્ય કેળવી રહેલી મૈથિલી ઠાકુરે ગુજરાતી ગીતો ઉપરાંત હિન્દી - મારવાડી ભજન અને રાષ્ટ્રસંત તુકડોજી મહારાજનું मनी नाही भाव म्हणे देवा मला पाव ભજન રજૂ કરી ભાષાપ્રેમ વ્યક્ત કર્યો હતો. આ ગીતની પહેલી કડી છે मातीचा देव, त्याला पाण्याचं भेव । सोन्या-चाँदीचा देव, त्याल चोराचं भेव । लाकडाचा देव,त्याल अग्नीचं भेव । देव बाजारचा.॥१॥ માટીના દેવને પાણીનો ભય, સોના - ચાંદીના દેવને ચોરનો બ્ય અને લાકડાના દેવને અગ્નિનો ભય. બીજી કડી છે देवाच देवत्व नाही दगडातं । देवाच देवत्व नाही लाकडातं । सोन्या चांदीत नाही देवाची मात देव बाजारचा.॥२॥ ઈશ્વર પથ્થર કે સોના - ચાંદી કે લાકડામાં નથી. તો ઈશ્વર નક્કી ક્યાં છે? એનો જવાબ ત્રીજી કડીમાં મળી જાય છે. भाव तिथ देव ही संताची वाणी, आचारा वाचून पाहिला का कोणी शब्दांच्या बोलानं शांति नाही मनी । देव बाजारचा... ......॥३॥ હૃદયની ભાવના છે ત્યાં ઈશ્વર છે એમ સંત કહે છે.