Fri May 01 2026

Logo

હર્મુઝની ખાડીમાં તણાવને કારણે વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાયો, ભારતના 22 જહાજો ફસાયા

2026-03-21 08:39:00
Author: Mumbaisamachar Team
Article Image

 

નવી દિલ્હી: 'હર્મુઝની ખાડી' અત્યારે વિશ્વના અર્થતંત્ર માટે સૌથી મોટો પડકાર બની ગઈ છે. ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે વધતા જતા સૈન્ય તણાવને કારણે આ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ પર અવરોધ સર્જાયો છે. દુનિયાનો અંદાજે 20 ટકા તેલ અને ગેસનો વેપાર આ સાંકડા માર્ગેથી પસાર થાય છે, જે હવે યુદ્ધની રમતનું કેન્દ્ર બન્યું છે. ઈરાનની ધમકી બાદ સેંકડો જહાજોને રોકવાની ફરજ પડી હતી. જેના કારણે વૈશ્વિક સ્તરે ઈંધણની કિંમતો વધવાની ભીતિ સેવાઈ રહી છે.

વર્તમાન પરિસ્થિતિમાં ભારતની મુશ્કેલીઓ વધી છે કારણ કે ખાડીના દેશોમાંથી આવતા ભારતના 22 જેટલા મોટા જહાજો હાલમાં ત્યાં ફસાયેલા છે. આ જહાજોમાં ખાસ કરીને 'જગ વસંત' અને 'પાઈન ગેસ' નામના બે મોટા LPG ટેન્કરોનો સમાવેશ થાય છે, જે ભારતની ઘરગથ્થુ ગેસની જરૂરિયાત પૂરી કરવા માટે મહત્વના છે. આ જહાજો હાલમાં UAE ના શારજાહ પાસે લંગર નાખીને ઉભા છે. જો આ જહાજો સમયસર ભારત નહીં પહોંચે, તો દેશમાં રસોઈ ગેસ અને પેટ્રોલિયમ પેદાશોની અછત સર્જાઈ શકે છે.

ભારત સરકાર આ ગંભીર મુદ્દે અત્યંત સતર્ક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે વિવિધ દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષો સાથે સીધી વાતચીત કરી રહ્યા છે જેથી ભારતીય જહાજોને સુરક્ષિત રસ્તો મળી શકે. ભારતની તટસ્થ વિદેશ નીતિ અને ઈરાન સાથેના જૂના સંબંધો અહીં કામ લાગી રહ્યા હોય તેવું જણાય છે. ગત સપ્તાહે ઈરાને ભારતના બે LPG જહાજોને પસાર થવાની મંજૂરી આપી હતી, જે દર્શાવે છે કે ભારતની કૂટનીતિક પહોંચ મજબૂત છે. ભારત હાલમાં કોઈ પણ પક્ષે ન રહીને પોતાના હિતોની રક્ષા કરવા પર ભાર મૂકી રહ્યું છે.

આ સંકટ વચ્ચે એક રસપ્રદ પાસું એ પણ સામે આવ્યું છે કે ઈરાને પાકિસ્તાન તરફ જતા તેલના જહાજને પસાર થવા દીધું છે. આ ઘટના સાબિત કરે છે કે ઈરાને રસ્તો સંપૂર્ણપણે બંધ નથી કર્યો, પરંતુ તે પોતાની પસંદગીના દેશોને જ માર્ગ આપી રહ્યું છે. આ એક પ્રકારનો આંતરરાષ્ટ્રીય દબાવ બનાવવાનો પ્રયાસ છે. ઈરાન દુનિયાને બતાવવા માંગે છે કે હર્મુઝની ખાડીની ચાવી તેના હાથમાં છે અને તે ઈચ્છે તેને જ વેપાર કરવાની છૂટ આપી શકે છે.

જો આ ગતિરોધ લાંબો સમય ચાલશે તો તેની સીધી અસર સામાન્ય ભારતીયના ખિસ્સા પર પડશે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આયાત કરે છે. સપ્લાય ચેઈન ખોરવાતા પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. અત્યારે સમગ્ર દેશની નજર ખાડી દેશોની આ સ્થિતિ પર ટકેલી છે, કારણ કે હર્મુઝનો આ રસ્તો માત્ર જહાજો માટે જ નહીં, પણ ભારતના ઉર્જા ભવિષ્ય માટે પણ અત્યંત નિર્ણાયક છે.