Fri Apr 17 2026

Logo

ગુજરાત ટૂરિઝમમાં અમદાવાદનો દબદબો: એક જ વર્ષમાં 2.76 કરોડ પ્રવાસીઓ ઉમટ્યા

2026-03-30 15:23:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: ગુજરાત માત્ર દેશના જ નહિ પરંતુ વિદેશથી આવતા પ્રવાસીઓનું  પણ પસંદગી બની રહ્યું છે. કેન્દ્રીય પ્રવાસન પ્રધાન  જી. કિશન રેડ્ડી દ્વારા લોકસભામાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત પ્રવાસન ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. 'ભારત પ્રવાસન કમ્પેન્ડિયમ 2025' ના આંકડા મુજબ, ગુજરાત ઘરેલું પ્રવાસીઓની સંખ્યામાં દેશમાં આઠમા ક્રમે અને વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે છે. વર્ષ 2024 ના વૈશ્વિક પ્રવાસ અને પ્રવાસન વિકાસ સૂચકાંકમાં ભારત 39મા સ્થાને છે અને સાર્ક દેશોમાં પ્રથમ સ્થાને છે, જેમાં ગુજરાતનું યોગદાન અત્યંત નોંધપાત્ર રહ્યું છે.

સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, વર્ષ 2023 થી 2025 ના પ્રવાસીઓના આંકડાકીય વિશ્લેષણ મુજબ, અમદાવાદ શહેર રાજ્યનું સૌથી મોટું પ્રવાસન હબ બની ગયું છે, જ્યાં વર્ષ 2025 માં અંદાજે 2.68 કરોડ ઘરેલું અને 7.57 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. યાત્રાધામોમાં બનાસકાંઠાનું અંબાજી મંદિર અને દેવભૂમિ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર પ્રવાસીઓની પ્રથમ પસંદગી રહ્યા છે. દ્વારકામાં વર્ષ 2025 માં 1.41 કરોડથી વધુ અને અંબાજીમાં 1.80 કરોડથી વધુ ઘરેલું પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર) ખાતે પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે, જે વર્ષ 2025 માં વધીને 68 લાખથી વધુ થઈ ગઈ છે.

રાજ્યમાં પ્રવાસન સ્થળોના વિકાસ માટે સરકાર દ્વારા એકીકૃત અભિગમ અપનાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા 'પ્રશાદ' (PRASHAD) અને 'સ્વદેશ દર્શન 2.0' જેવી યોજનાઓ હેઠળ આર્થિક સહાય પૂરી પાડીને પ્રવાસન માળખાકીય સુવિધાઓ જેવી કે પાર્કિંગ, સ્વચ્છતા, પીવાનું પાણી અને સુરક્ષા જેવી સુવિધાઓને વધુ સુદ્રઢ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત, ગુજરાત સરકાર દ્વારા ઓછા જાણીતા પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન આપવા અને પ્રવાસીઓના અનુભવને બહેતર બનાવવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમ સરકારે જણાવ્યું હતું.

ગુજરાતના ટોચના 10 પ્રવાસન સ્થળોની યાદીમાં સોમનાથ મંદિર, ડાકોરનું રણછોડરાયજી મંદિર, પાવાગઢ અને સુરત શહેરનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને ડાકોરમાં પ્રવાસીઓની સંખ્યામાં વર્ષ 2024 ની સરખામણીએ 2025 માં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ આંકડાઓ સાબિત કરે છે કે ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, ઐતિહાસિક સ્થળો અને વૈવિધ્યસભર ભૌગોલિક પરિસ્થિતિ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે, જે રાજ્યના આર્થિક વિકાસમાં પણ મહત્વનો ફાળો આપી રહી છે.