Fri May 01 2026

Logo

યુરિયા એકમો માટે હાજર લિલામ મારફતે અતિરિક્ત ગૅસ પુરવઠો સલામત કર્યો, ઉત્પાદનમાં વધારો...

2026-03-20 19:39:00
Author: Ramesh Gohil
Article Image

AI Generated Images


નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે ઈંધણની પુરવઠા ખેંચ સર્જાવાને કારણે ક્ષમતા કરતાં ઓછું ઉત્પાદન કરી રહેલી ફર્ટિલાઈઝર એકમો માટે કુદરતી ગૅસનો અતિરિક્ત પુરવઠો અંકે કર્યો છે. સરકારે ફર્ટિલાઈઝર એકમોમાં ઉત્પાદન વધારવા કુદરતી ગૅસનો અતિરિક્ત પુરવઠો પ્રાપ્ત કર્યો છે. અત્રે નોંધનીય બાબત એ છે કે ફર્ટિલાઈઝર એકમોને પૂર્ણ ઉત્પાદન ક્ષમતાથી એકમો ચલાવવા માટે દૈનિક ધોરણે 5.2 કરોડ મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબીક મીટર કુદરતી ગૅસની આવશ્યકતા હોય છે, પરંતુ તેઓને તેની આવશ્યકતા પૈકી માત્ર 62 ટકા એટલે કે પ્રતિદિન 3.2 કરોડ મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબીક મીટરનો જ પુરવઠો ઉપલબ્ધ થતો હોવાથી યુરિયાના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. 

ફર્ટિલાઈઝર એકમોની આ સમસ્યાના ઉકેલ માટે હાજર ધોરણે લિલામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકમોએ સામૂહિક ધોરણે 85.6 લાખ મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબીક મીટર અતિરિક્ત કુદરતી ગૅસ મેળવ્યો હતો. તેમ જ 73.10 લાખ મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબીક મીટરની બીડ સિક્યોર્ડ થઈ હતી જેની ડિલિવરી 19થી 31મી માર્ચ, 2026 સુધી કરવામાં આવશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. 

અતિરિક્ત પ્રાપ્તિ સાથે ફર્ટિલાઈઝર એકમોની ગૅસની કુલ ઉપલબ્ધિમાં અગાઉની સરખામણીમાં અંદાજે 23 ટકા વધીને ચાર કરોડ મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબીક મીટરની થશે અને હવે એકમો કુલ ઉત્પાદન ક્ષમતા પૈકી 78થી 80 ટકાની ક્ષમતા સાથે કાર્યરત થશે, જે અગાઉ માત્ર 62 ટકાની ક્ષમતાથી કાર્યરત રહેતા હતા. ગૅસનો અતિરિક્ત પુરવઠો ઉપલબ્ધ થતાં આ મહિનાના અંત સુધીમાં યુરિયાના ઉત્પાદનમાં દૈનિક ધોરણે 12,500થી 13,000 ટનનો વધારો થશે, એમ અધિકારીએ ઉમેર્યું હતું. 

વધુમાં સરકારી અધિકારીએ આ પગલાંને સરકારના નોંધપાત્ર પગલાં તરીકે ગણાવતા જણાવ્યું હતું કે આ હાજર લિલામ મારફતે માગ અને પુરવઠા વચ્ચેનો ખાંચરો હળવો થવાથી આગામી ખરીફ મોસમ પૂર્વે ખેડૂતોને યુરિયાનો પર્યાપ્ત પુરવઠો ઉપલબ્ધ થશે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત ફેબ્રુઆરીના અંતે અમેરિકા અને ઈઝરાયલે સંયુક્તપણે ઈરાન પર હુમલા કર્યા હતા અને તેના વળતા જવાબમાં તહેરાને પણ આરબ દેશોમાં રહેલા અમેરિકાનાં બેઝ પર મિસાઈલ અને ડ્રોન હુમલાઓ કરતાં ક્રૂડતેલ અને કુદરતી ગૅસમાં પુરવઠાખેંચ સર્જાઈ છે.