તુવેર અને અડદની મુક્ત આયાત નીતિ 31મી માર્ચ, 2027 સુધી અમલી
નવી દિલ્હીઃ પ્રવર્તમાન પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે વૈશ્વિક વેપારો ખોરવાઈ જવાથી સરકારે નિકાસકારોને રેમિટન્સ ઑફ ડ્યૂટીઝ ઍન્ડ ટેક્સીસ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સ (આરઓડીટીઈપી) સ્કીમ હેઠળના લાભો વધુ છ મહિના સુધી અર્થાત્ આગામી 30મી સપ્ટેમ્બર સુધી લંબાવ્યા છે.
અન્ય એક નોટિફિકેશનમાં ડીજીએફટીએ તુવેર અને અડદની મુક્ત આયાત નીતિ આગામી 31મી માર્ચ, 2027 સુધી લંબાવી હોવાનું જણાવ્યું છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે પીળા વટાણાની આયાત લઘુતમ આયાત નીતિની શરત વિના અને બંદર પ્રતિબંધ વિના મુક્ત છે, પરંતુ તે તાત્કાલિક અસરથી ઓનલાઈન આયાત મોનેટરિંગ સિસ્ટમ હેઠળ નોંધણીને આધિન છે.
નોંધનીય બાબત એ છે કે આરઓડીટીઈપી સ્કીમ વર્ષ 2021થી અમલી કરવામાં આવી હતી અને આ સ્કીમ હેઠળ નિકાસકારોને પ્રોડક્ટના ઉત્પાદનથી લઈને નિકાસ સુધીની પ્રક્રિયા દરમિયાન ભરેલી ડ્યૂટી અને વેરાઓ જે કેન્દ્ર, રાજ્ય કે સ્થાનિક સ્તરે મજરે ન મળતા હોય તેનું 0.3 ટકાથી લઈને 3.9 ટકા સુધીનું રિફંડ મળતું હોય છે. જોકે આ સ્કીમ આ વર્ષની 31મી માર્ચ સુધી જ માન્ય હતી. તેમ છતાં પહેલી એપ્રિલથી 30મી સપ્ટેમ્બર, 2026 દરમિયાન થયેલી માન્યતાપ્રાપ્ત નિકાસ માટે ગત 31મી માર્ચ સુધીના સમયગાળાની જેમ નિકાસકારોને આરઓડીટીઈપી સ્કીમ હેઠળ દર અને મૂલ્યની મર્યાદા અનુસાર જ સ્કીમની શરતોને આધિન લાભ મળશે, એમ ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વર્ષ 2025-26 માટે આ સ્કીમ હેઠળ રૂ. 18,232 કરોડની અંદાજપત્રીય ફાળવણી કરવામાં આવી હતી અને વર્ષ 2026-27 માટે રૂ. 21,709 કરોડની ફાળવણીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ માત્ર રૂ. 10,000 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. અગાઉ નિકાસકારોએ અમેરિકી ટૅરિફ અને અમેરિકા-ઈઝરાયલે સંયુક્તપણે ઈરાન પર કરેલા હુમલાથી હાલની પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે નિકાસકાર વર્ગ પડકારોનો સામનો કરી રહ્યો છે. આ વિવાદને કારણે દરિયાઈ અને હવાઈ નૂરભાડામાં અને વીમા પ્રીમિયમમાં પણ વધારો થયો છે.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત ફેબ્રુઆરી મહિનામાં દેશની મર્કન્ડાઈઝ નિકાસ વર્ષાનુવર્ષ ધોરણે સાધારણ 0.82 ટકા ઘટીને 36.61 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જ્યારે વેપાર ખાધ આગલા મહિનાની સરખામણીમાં ઘટીને 27.10 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. જોકે, અમેરિકા-ઈઝરાયલ તથા ઈરાન વચ્ચેના યુદ્ધનો આરંભ 28મી ફેબ્રુઆરીથી થયો હોવાથી તેની અસર માર્ચ મહિનાના ડેટામાં જોવા મળશે અને માર્ચ મહિનાના ડેટા મે મહિનાના મધ્યમાં જાહેર થશે.
તાજેતરની પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે મુખ્યત્વે દરિયાઈ પરિવહન સામે પડકારો ઊભા થયા છે જેમાં ખાસ કરીને માર્ગમાં બદલાવ થવાને કારણે પરિવહન ખર્ચ વધવાની સાથે માલ પહોંચવાના સમયગાળા ખોરવાઈ ગયા છે. આમ એકંદરે વર્તમાન ભૂરાજકીય સ્થિતિને ધ્યાનમાં લેતા સરકારે સ્કીમ હેઠળના દર અને મૂલ્યની મર્યાદા સાથે જ નિકાસકારોને આપવામાં આવતા લાભો જાળવી રાખવાનો નિર્ણય લીધો છે.
સરકારના આ પગલાંથી નિકાસાકારો જે ઊંચાં નૂરભાડા અને ઊંચા પ્રીમિયમ વગેરેના પડકારોનો સામનો કરી રહ્યા છે તેઓને સમયસરનો ટેકો મળશે, એમ વાણિજ્ય મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે. વધુમાં ગત સપ્તાહે સરકારે નિકાસકારોને રાહત આપવા માટે રૂ. 487 કરોડની રિલિફ (આરઈએલઆઈઈએફ- રિસાયલન્સ ઍન્ડ લૉજિસ્ટિક ઈન્ટરવેન્શન ફોર એક્સપોર્ટ ફેલિલિટેશન) સ્કીમની જાહેરાત કરી હતી.