Fri May 01 2026

Logo

જાન્યુઆરીથી માર્ચમાં ભારતીય રિયલ એસ્ટેટમાં વિદેશી ફંડોના પ્રવાહમાં 75 ટકાનો ઘટાડો

2026-04-02 19:53:02
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વિવાદને કારણે વિદેશી ફંડોએ ભારતીય રિયલ એસ્ટેટમાં રોકાણમાં સાવચેતીનો અભિગમ અપનાવતા તેઓનું રોકાણ આગલા ત્રિમાસિકગાળાની સરખામણીમાં 75 ટકા ઘટીને 40 કરોડ ડૉલરની સપાટીએ રહ્યું હોવાનું કોલિયર્સે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. 

રિયલ એસ્ટેટ ક્નસલ્ટન્ટ કોલિયર્સ ઈન્ડિયાના મતાનુસાર વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને ધ્યાનમાં લેતાં સમગ્ર વર્ષ દરમિયાન વિદેશી રોકાણકારો સાવચેતીનું વલણ જ અપનાવે તેવી શક્યતા છે. ક્નસલ્ટન્ટની આંકડાકીય માહિતી અનુસાર ગત જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ભારતીય રિયલ એસ્ટેટમાં કુલ સંસ્થાકીય રોકાણ આગલા ત્રિમાસિકગાળા અર્થાત્‌‍ ગત ઑક્ટોબરથી ડિસેમ્બરના 4.2 અબજ ડૉલરના રોકાણ સામે 61 ટકાના ઘટાડા સાથે 1.6 અબજ ડૉલરની સપાટીએ રહ્યું હતું. જેમાં સ્થાનિક રોકાણકારોનો આંતરપ્રવાહ 1.2 અબજ ડૉલરનો હતો, જ્યારે વિદેશી ફંડોનો પ્રવાહ માત્ર 40 કરોડ ડૉલરનો રહ્યો હતો. જોકે, ગત ઑક્ટોબરથી ડિસેમ્બર, 2025 સુધીના ત્રિમાસિકગાળામાં સ્થાનિક અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો આંતરપ્રવાહ અનુક્રમે 2.6 અબજ ડૉલરનો અને 1.6 અબજ ડૉલરનો રહ્યો હતો.

ભારતીય રિઅલ એસ્ટેટમાં સંસ્થાકીય રોકાણમાં સ્થિતિસ્થાપકતા જળવાયેલી રહેશે, જે તમામ અસ્ક્યામતોમાં મજબૂત માગને સમર્થન આપે છે, એમ કોલિયર્સ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બાદલ યાજ્ઞિકે જણાવતા ઉમેર્યું હતું કે વર્ષ 2026ના પહેલા ત્રિમાસિકગાળામાં સ્થાનિક વાસ્તવિક રિયલ એસ્ટેટમાં રોકાણમાં વધારો થયો છે અને અંદાજે 3/4 હિસ્સા સાથે 1.6 અબજ ડૉલરના સ્તરે રહ્યું છે. જોકે, વિદેશી રોકાણકારો ક્રૂડતેલ અને કૉમૉડિટીના ભાવની અનિશ્ચિતતાને ધ્યાનમાં લેતા સાવચેતીનો અભિગમ અપનાવે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. 

એકંદરે ભારતની અનુકૂળ વસ્તી વિષયક બાબતો, વપરાશી માગ આધારિત અર્થતંત્ર અને મુખ્ય તથા વૈકલ્પિક અસ્ક્યામતોમાં વિસ્તરણ કરવા એશિયા પેસિફિક વિસ્તારોમાં રોકાણકારોની સ્થિતિ મજબૂત બનાવે છે.