Fri Apr 17 2026

Logo

આંસુઓમાં અવાજ નથી હોતો. એ હિબકે ચડતાં નથી...

2026-02-15 10:21:00
Author: Mumbaisamachar Team
Article Image

કટ ઑંફ જિંદગી - પ્રકરણ-31

સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કમિશનર સુહાસિની જોશી અને મુંબઈ ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-1) અભય સાબડેના ગયા બાદ સોલંકીએ ડો. શાહને હોસ્પિટલમાં સર્જાયેલી કટોકટીની વાત કરી.

‘સોલંકી, આ કટોકટી નથી, મોટી આફત છે...’ ડો. શાહ બોલ્યા.

‘સર, હું ક્યારનો એમનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરું છું. કોલ લાગતો નથી.’ સોલંકીએ કહ્યું.

‘બહાર એટુઝેડ ચેનલવાળો સંજુ આવીને ઊભો છે.’ ડો. શાહે કહ્યું.

‘સર, તમે એની ચિંતા ન કરો.’ સોલંકીએ કહ્યું.

‘કોઇપણ હિસાબે આનો ઉકેલ લાવવો પડશે...’ ડો. શાહે કહ્યું.

‘મારી પાસે એક રસ્તો છે...અને આ જ એક રસ્તો છે.’ સોલંકી બોલ્યો.
*
સૂકેતુ પવિત્રા અને એના સાસુ, સસરા અને કિનુને લઇને કારમાં સ્મશાન જઇ રહ્યો હતો. પવિત્રા આગળની સીટ પર બેઠી હતી. પાછળ પપ્પાજી સીટની પાછળ માથું ઢાળીને બેઠા હતા. એમની બંધ આંખોના અણિયારા ભીનાં હતા. મમ્મીજી ખોળામાં સૂતેલી કિનુને માથે હાથ ફેરવી રહ્યાં હતાં. સુમસામ રસ્તા પર પુરપાટ દોડતી કારમાં સૌના ગળે થીજેલા ડૂમા હતા. પવિત્રાએ આંખો બંધ કરી ને એના કાનમાં અવાજો શોર કરવા લાગ્યા....

‘હું ઘરે આવું છું..........’ નિર્મલનો અવાજ...

‘નિર્મલ, નથી ગમતું તારા વિના....તારા વિના દિવસો તો શું એક ક્ષણ પસાર નથી થતી.’ પવિત્રાનો અવાજ...

‘ક્યાં પહોંચ્યો?’ પવિત્રાનો અવાજ...

‘તારા દિલ સુધી...’ નિર્મલનો અવાજ....

‘પવિત્રા...કોરોનાએ આપણી ફેવરમાં સંજોગો બદલી નાખ્યા છે, થેન્ક્સ ટુ કોરોના થોડો વહેલો ઘરે પહોંચીશ.’ નિર્મલનો અવાજ....

પવિત્રાના ગળે બાઝેલો ડૂમો છૂટ્યો: ‘નિર્મલ, તું ઘરે પહોંચી નહીં શક્યો...થેન્કસ ટુ કોરોના... તું અમને આમ મળ્યા વિના...મોં બતાવ્યા વિના જ....’

‘પવિત્રા પ્લીઝ શાંત થઇ જા....’ સૂકેતુ બોલ્યો.

‘તું જ કહેતો હતો ને કે એક્સ્ટ્રીમિઝમ ક્યારેક ફાયદેમંદ હોય છે. નિર્મલને કાંઇ નહીં થાય એવા અંતિમ બિંદુ પર આવી... શું ફાયદો થયો.....? શું મળ્યું મને...? મમ્મીજીની ઠાકોરજીની સેવા....ભક્તિ અને શ્રદ્ધાનું શું પરિણામ આવ્યું....બધું ખતમ કરી નાખ્યું કોરોનાએ.....એ નિર્મલને જ નહીં, અમને બધાને...આખા ઘરને ભરખી ગયો.’ પવિત્રાના શબ્દો અને આંસુ બેકાબૂ હતા.
*
સ્મશાનમાં જી. જી. ભોય હોસ્પિટલ તરફથી ઇન્ટર્ન ડોક્ટર ઉમંગ અને રમેશ મૃતકોની સગાસંબંધીઓને સોંપણી અને અન્ય વિધિ પતાવી રહ્યા હતા.

ઇન્ટર્ન ડોક્ટરે એક કર્મચારીને અલગ કતારમાં મૂકી રખાયેલા હોસ્પિટલના મૃતકોને બતાવતા કહ્યું: ‘ઇનકા જલ્દી અંતિમ સંસ્કાર કર દેંગે....હમેં જલદી હોસ્પિટલ પહુંચના હૈ...’

‘નહીં...નહીં જૈસે જૈસે નંબર આયેગા ઐસા હી હોગા....બીચમેં સે કોઇ નહીં....’ ઇન્ટર્ન ડોક્ટર પડી ગયેલા મોઢે રમેશ પાસે જઇને ઊભો રહી ગયો. એ ધૂંધવાઇ ગયો, પણ લાચાર હતો.

બીજી તરફ સગાસંબંધીઓ પણ લાચાર હતા...એમની લાચારી અલગ હતી. તેઓ પગથી માથા સુધી કવર કરેલા પોતાના આપ્તજનોના અંતિમ દર્શન કરવા તડપતા હતા. અંતિમ ક્ષણે એમનું મોં જોવા નહીં પામેલા લોકોની વિવશતા....એમની બેબસી....કોરોના પ્રત્યેનો આક્રોશ, રોષ ચૂપચાપ એમની આંખોમાંથી ટપકતા હતા.

સૂકેતુ ભારે પગલે નિર્મલના કુટુંબને લઇને પ્રવેશ્યો. કાળા પ્લાસ્ટીકમાં વીંટાળેલા....કતારબંધ સમાન ગણવેશધારી મૃતકો પર નજર ગઇ. એણે ઇન્ટર્ન ડોક્ટર ઉમંગે પહેરેલા એપ્રન પર એનું નામ વાંચ્યુ. એ અને પવિત્રા એની પાસે ગયાં.
‘નિર્મલ પરીખ.....’ સૂકેતુ બોલ્યો.

‘લાઇનમાં સૌથી છેલ્લો નંબર છે એ નિર્મલ પરીખ છે....’ ઇન્ટર્ન ઉમંગે એના હાથમાં હોસ્પિટલમાંથી મળેલું ડિસ્ચાર્જ પેપર પકડાવ્યું. નિર્મલ અને પવિત્રા નિર્મલના મૃતદેહ પાસે જવા લાગ્યા.

‘દૂરથી દૂરથી.....ત્યાં નહીં જઇ શકાય...’ ઉમંગ બોલ્યો. પવિત્રા સૂકેતુને ભેટીને ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડી. સૂકેતુએ એને રડવા દીધી, પોતાની આંખમાં ઝળકેલા આંસુ છુપાવીને, પણ આંસુને ક્યાં છુપાવી શકાય છે... એને પાછાં પણ ક્યાં ધકેલી શકાય છે.
*
અચાનક એમ્બ્યુલન્સનો દૂરથી અવાજ આવ્યો.... અવાજ નજીક આવવા લાગ્યો... સ્મશાનના ગેટમાંથી છેક સ્મશાનના મુખ્ય ભાગ પાસે આવી પહોંચ્યો. ડાઘુઓના સામૂહિક રુદન જેવો....હૃદયને ભીંસી નાખતો અવાજ થંભ્યો. પીછો કરી રહેલી એટુઝેડ ન્યૂઝ ચેનલની વેન આવીને ઊભી રહી. સામૂહિક માતમના ઓછાયા હેઠળના સ્મશાનમાં સન્નાટો છવાઇ ગયો. એમ્બ્યુલન્સનો આગળનો દરવાજો ખુલ્યો. સોલંકી ઉતર્યો. એણે ઝડપથી બહાર આવીને પાછળનો દરવાજો ખોલ્યો ને એમાંથી નિર્મલ બહાર આવ્યો.

પવિત્રા એને જોઇને ડઘાઇ ગઇ. આંસુમાં ડૂબેલી આંખેથી કદાચ ઝાંખું દેખાયું હશે....ના મારી આંખ કદી ધોખો ન આપે...એ અકલ્પ્ય દૃશ્ય પોતાની તરફ આવતું ગયું....

‘નિર્મલ......’ એના મોંમાંથી ચીખ નીકળી....

‘મમ્મીજી...પપ્પાજી....નિર્મલ....’

‘કિનુ, જો ડેડી....આવી ગયા...’

‘ડેડી......’ કિનુ બોલીને એની પાસે દોડી ગઇ. પવિત્રાએ પણ દોટ મૂકી....

મા-દીકરી નિર્મલને ભેટવા જતી હતી ત્યાં સોલંકીએ અટકાવી.

‘મેડમ, હમણાં નહીં અડતાં પ્લીઝ.’ સોલંકીએ કહ્યું.

પાછળ જ મમ્મીજી અને પપ્પાજીની સાથે ઊભેલા સૂકેતુએ પૂછ્યું: ‘આ બધું શું ચાલી રહ્યું છે?’

‘હું પછી સમજાવું...’ એટલું કહીને સોલંકી ઇન્ટર્ન ડોક્ટર પાસે ગયો. સૂકેતુ અને નિર્મલ પાછળ ગયા. એ બંનેની પાછળ રિપોર્ટર સંજુ જઇને ઊભો રહી ગયો. સોલંકીએ ઇન્ટર્ન ડોક્ટર પાસેથી એક કેસ પેપર માગ્યા. એમાંથી એક કેસ પેપર વાંચતાં કહ્યુ: ‘તેં મોટી ગરબડ કરી છે. તું લાવ્યો એ મૃતદેહ નિર્મલનો નથી...ઇલિયાસનો છે. મોત ઇલ્યાસનું થયું છે, નિર્મલનું નહીં.....આ છે નિર્મલ પરીખ.’ સોલંકીએ દબાયેલા ગુસ્સામાં નિર્મલને બતાવ્યો.

‘સર, પણ ઇલિયાસ નિર્મલ પરીખના બેડ પર શું કરતો હતો ને એ વખતે નિર્મલ પરીખ ક્યાં હતા...?’ ઇન્ટર્ન ઉમંગે દલીલ કરી. સૂકેતુએ એ જ વખતે નિર્મલની સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોયું.

‘અત્યારે મારી પાસે આનું પોસ્ટમોર્ટમ કરવાનો સમય નથી. ઇલિયાસના મૃતદેહને એમ્બ્યુલન્સમાં મુકાવ અને મને બંનેના ઓરિજિનલ પેપર્સ આપ.’ ઇન્ટર્ન ઉમંગ અને રમેશે ઇલિયાસના મૃતદેહને એમ્બ્યુલન્સમાં ધકેલ્યો.

‘નિર્મલ પરીખ, તમને એરપોર્ટ પર લેવા પણ હું આવ્યો હતો અને મૂકવા પણ હું જ આવ્યો છું, પણ સોરી તમને ડિસ્ચાર્જ મળતા હજી બીજા બે દિવસ લાગશે.’ પલકવારમાં બદલાયેલાં ચિત્રએ પરીખ પરિવારને બીજો ઝટકો આપ્યો... જોકે એ સુખદ ઝટકો હતો. નિર્મલ બે દિવસમાં ઘરે પાછો આવી જવાનો હતો. બધાની આંખોમાં આંસુ હતા, પણ ખુશીના....સૂકેતુની કાર નજીકના સિગ્નલ સુધી એમ્બ્યુલન્સની પાછળ ગઇ....પછી રસ્તા ફંટાઇ ગયા.
*
એમ્બ્યુલન્સમાં ઇલિયાસના મૃતદેહની પાસે બેઠેલા નિર્મલની આંખો છલકાઇ ગઇ. એણે ઇલિયાસની છાતી પર માથું મૂકી દીધું.

‘દોસ્ત, તેં દગો દીધો. આઇ એમ સોરી...મને માફ કરજે દોસ્ત. મેં તારું દિલ દુભાવ્યું.’

‘એ રાતે શું થયું હતું?’ સોલંકીએ પૂછ્યું.

ફ્લેશ બેક

‘દોસ્ત બાત કરો...બાતોં સે દિલ બહેલતા હૈ...’ ઇલિયાસે પડખું ફેરવીને સૂઇ ગયેલા નિર્મલને ઢંઢોળ્યો. નિર્મલનું મન નહતું. એ બેચેન હતો....આમછતાં એણે કમને વાત ચાલુ રાખી.

‘ઘરવાલોં કી બહુત યાદ આતી હૈ...’ એણે કહ્યું.

‘મેરી અમ્મી સેવૈયા બહુત અચ્છા બનાતી હૈ......’ ઇલિયાસે વાતનો વિષય બદલવાની કોશિશ કરી.

‘મુઝે સેવૈયા પસંદ નહીં.’

‘તો ક્યા પસંદ હૈ...યે બતાઓ...ઉસકી બાતેં કરેગેં.’ ઇલિયાસ કોઇપણ ભોગે નિર્મલના ચહેરા પર ખુશી જોવા માગતો હતો.

‘મુઝે કૂછ નહીં પસંદ...મેરા મૂડ નહીં હૈ બાત કરને કા....મૈં વોશરૂમ જા રહા હું....’

નિર્મલના ગયા પછી ઇલિયાસ સ્ટુલ પરથી ઊઠીને બેડ પર સૂતો. નિર્મલ હોસ્પિટલના પ્રાંગણમાં પહોંચ્યો. ઝાડ નીચે બેઠો. બે ગોઠણ વચ્ચે માથું નાખીને રડતો બેસી રહ્યો. ક્યાંય સુધી બેઠો....એના ગોઠણ ભીના થઇ ગયા...એ રડતો રહ્યો...આંસુઓમાં અવાજ નથી હોતો. એ હિબકે ચડતાં નથી. એ ઊભો થઇને કણસતા પંડાલને ચિરતો હોસ્પિટલની બહાર નીકળી ગયો. થોડે દૂર ગયો. નિર્જીવ માર્ગ પર સૂનકાર પથરાયેયો હતો...દૂરથી સંભળાતો એમ્બ્યુલન્સનો કર્કશ અવાજ એની છાતીની ભીંસ વધારી રહ્યો હતો. બધું ભેંકાર હતું. પવનના સૂસવાટા હતા. મનમાં ઉઠેલી આંધીમાંથી એક અવાજ આવ્યો: ‘તું આ શું કરે છે...? અધૂરી સારવારે ઘરે જવા માગે છે...? તારા ઘરનાઓને... તારી દિકરીને ચેપ આપવા માગે છે? આટલાં દિવસો કાઢ્યા બીજા થોડા દિવસો કાઢી નાખ... ઇલિયાસને જો એ હસતો રમતો દર્દ સહન કરે છે... મા-બાપનો વિયોગ વેઠે છે. ને તું કિનારે આવીને તારી નાવડી ડૂબાડવા નીકળ્યો છે?’ નિર્મલે પાછું ફરીને જોયું. એ ઘણું પાછળ મૂકીને આગળ નીકળી ગયો હતો.

નિર્મલ પાછો ફર્યો ત્યારે ઝાડની નીચે મૃતદેહો મુકાઇ રહ્યા હતા. એમાંનો એક મૃતદેહ ઇલિયાસનો હતો. એ ચૂપચાપ પોતાના બેડ પર જઇને...માથે ઓઢીને સૂઇ ગયો. (ફ્લેશબેક પૂરો)

પછી શું થયું એની હકીકત સોલંકી પાસે હતી. ઇન્ટર્ન ડોક્ટર ઉમંગે ઇલિયાસને નિર્મલ માની લીધો. પેપર તૈયાર કરીને.... ઇલિયાસના મૃતદેહને ઝાડ નીચે મૂકાવી દીધો. જ્યોતિ નિર્મલના બેડ પર નવા દરદીને મૂકવા આવી ત્યારે એના ધ્યાનમાં આખી વાત 
આવી.
*
એમ્બ્યુલન્સમાંથી નિર્મલ ઉતર્યો. સોલંકી પાછળ આવીને ઊભી રહી ગયેલી સંજુની વેન પાસે ગયો. સંજુએ કાચ ઉતાર્યો.

‘આ ન્યૂઝ ક્યાંય આવવા નહીં જોઇએ.’ સોલંકીએ કહ્યું.

‘મેં ક્યાંય પણ કેમેરો ચલાવ્યો નથી.’ સંજુએ કહ્યું. વેન પવનવેગે જતી રહી.
*
ઇલિયાસના મૃતદેહનો તાબડતોબ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો. ડો. શાહના હાથમાં એનો રિપોર્ટ આવ્યો, પણ એમના માટે ચોંકાવનારો નહતો. ઇલિયાસને અગાઉ બે હાર્ટઅટેક આવી ગયા હતા... ત્રીજો પ્રચંડ અટેક નિર્મલના બેડ પર સૂતો ત્યારે આવ્યો હતો. ઇલિયાસ કોરોનાથી બચી ગયો હતો, પણ નરમદિલ...લાગણીશીલ ઇન્સાન દિલના દૌરામાં ખુદાને પ્યારો થઇ ગયો. ઇલિયાસના અબુ જાફરભાઇ અને અમ્મી ઝુબૈદાને સોલંકીએ દુખદ ઘટનાની જાણ કરી...તેઓ ઇલિયાસના મૃતદેહનો કબજો લેવા આવ્યાં ત્યારે નિર્મલે આંસુ ભરી આંખે દોસ્તને અલવિદા કર્યો.
*
છ મહિના પછી.

નિર્મલના ફ્લેટમાં કેશુકાકા પ્રવેશ્યા. સ્વાગત માટે સજ્જ રોબોટનો અવાજ આવ્યો: ‘સેનેટાઇઝરથી હાથ સ્વચ્છ કરો.’ કેશુકાકાએ હાથ લંબાલ્યો. રોબોટે શીશીમાંથી સેનેટાઇઝરના બે-ચાર ટીપાં હથેળીમાં રેડ્યા.

‘નિર્મલ, આ તૂં જબરું લાયવો બાકી....’

નિર્મલ, પવિત્રા, મમ્મી, પપ્પા, કિનુ, સૂકેતુ, સોલંકી, સંધ્યા, કિસન, કાશ્મીરા હસી પડ્યાં.

‘ડેડીએ મને આપેલી આ સૌથી મોટી સરપ્રાઇઝ ગિફ્ટ છે....’ કિનુ બોલી.

‘એક મિનિટ, હજી એક સરપ્રાઇઝ તો બાકી છે.’ પવિત્રાએ પોતે લખેલી નવલકથા બતાવી. કટઓફ જિંદગી.    

 (સમાપ્ત)

આવતા રવિવારથી

સાપ્તાહિક ધારાવાહિકમાં પત્રકાર- નવલકથાકાર અનિલ રાવલની કલમે નવીનક્કોર થ્રિલર...
સ્પાઇસી સ્પાય નવલકથા...! 
શીર્ષક માટે જોતા રહો ‘મુંબઈ સમાચાર.’