Fri Apr 17 2026

Logo

મનનઃ અપરોક્ષાનુભૂતિ

2026-03-09 09:30:00
Author: Mumbaisamachar Team
Article Image

 

હેમંત વાળા

આમ તો અપરોક્ષાનુભૂતિ એ આદિ શંકરાચાર્ય કૃત એક ગ્રંથ છે, પરંતુ અહીં શબ્દ તરીકે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. અપરોક્ષ એટલે જે પરોક્ષ નથી તે, જે પ્રત્યક્ષ છે. પરોક્ષમાં માધ્યમની આવશ્યકતા હોય જ્યારે અપરોક્ષ એ સીધી થતી અનુભૂતિ છે. કોઈ મહાત્મા દ્વારા નહીં, શાસ્ત્ર દ્વારા નહીં, ઉદાહરણો દ્વારા નહીં પરંતુ જ્યારે બ્રહ્મની, આત્માની, જ્ઞાનની, વિદ્યાની, સૃષ્ટિનાં સમીકરણની, ઐશ્વરીય તત્ત્વની સીધી જ અનુભૂતિ થાય ત્યારે તે અપરોક્ષાનુભૂતિ કહેવાય. 

એમ કહી શકાય કે આ પરિસ્થિતિમાં જ્ઞાન અને તેની સમજ બુદ્ધિના ક્ષેત્ર સુધી સીમિત ન રહેતા સ્વયં એક વાસ્તવિક સ્વરૂપ ધારણ કરી અનુભૂતિ કરાવે. અહીં જ્ઞાનનું નહીં પરંતુ તેનાં પરિણામનું મહત્ત્વ હોય. અહીં શ્રવણ-મનન-ચિંતનનું નહીં પરંતુ તેનાથી સ્થાપિત થતાં અનુભવ યુક્ત ઊંડાણનું મહત્વ હોય. અહીં પરિસ્થિતિ શ્રદ્ધા અને વિશ્વાસથી પણ ઉપર પહોંચી અનુભવજન્ય બની રહે. આ ‘સંપૂર્ણ’ના પર્યાય સમી આધ્યાત્મિક સ્થિતિ છે. અહીં ‘મેં સાંભળ્યું છે’ કે ‘મેં જાણ્યું છે’ તેમ ન હોય, પરંતુ ‘મેં પ્રત્યક્ષ અનુભવ્યું છે’ તેમ હોય. પ્રત્યક્ષ જ્ઞાન એટલે સીધો પૂર્ણ સત્યનો અનુભવ.

આધ્યાત્મનું અંતિમ લક્ષ્ય મુક્તિ છે. આ મુક્તિ ત્યારે જ પ્રાપ્ત થાય ત્યારે આત્માનુભૂતિ થાય. આ પરોક્ષ માર્ગ નથી. મીઠાશ વિશે લાખ વર્ણન કરવામાં આવે તો પણ તેની વાસ્તવિક સમજ સ્થાપિત ન થઈ શકે. મીઠાશ અનુભવવા અહીં જાતે મીઠાઈ જ ચાખવી પડે. મીઠાશ એ જ્ઞાનનો નહીં પરંતુ અનુભવનો વિષય છે. આ અનુભવ માટે મીઠાઈ માધ્યમ બની શકે પરંતુ તે અંતિમ લક્ષ્ય ન બની શકે. શ્રવણ, મનન, નિદિધ્યાસન, સાધના, ભક્તિ, અધ્યયન, સત્સંગ જેવી બાબતો માધ્યમ ગણાય. તેનાથી અપરોક્ષાનુભૂતિની સંભાવના ચોક્કસ ઊભી થાય, પણ તે સ્વયં અપરોક્ષાનુભૂતિ નથી, આત્મ-સાક્ષાત્કાર નથી.

મહાત્માઓ પાસેથી અને સત્સંગ થકી સાંભળેલી વાતોને આધારે શરૂઆત થઈ શકે. વિશ્વાસપૂર્વક અધ્યયન કરાયેલ શાસ્ત્રવચનો મદદરૂપ થઈ શકે. ઈશ્વરની ભક્તિ તે વિશેની શ્રદ્ધાને દ્રઢતા આપી શકે. ધ્યાન થકી એકાગ્રતા પ્રાપ્ત છતાં ઇન્દ્રિયો અને મન નિયંત્રણમાં આવી શકે. યોગ દ્વારા પ્રાણના વ્યવહારનું નિયમન થઈ શકે. નિષ્કામ કર્મથી ચિત્ત શુદ્ધ થઈ શકે. દયા અને કરુણાથી સાત્ત્વિક સંવેદનાઓ જાગૃત થઈ શકે. 

કામ, ક્રોધ, લોભ, મોહ જેવાં દુશ્મનોથી અંતર રાખવાથી અસ્તિત્વમાં પવિત્રતા ઊભરી શકે - પરંતુ આ બધું જ અંતે તો અપરોક્ષાનુભૂતિ માટે હોય, તેનું પરિણામ આત્માનુભૂતિમાં પરિણામે ત્યારે જ તે બધું હોય ત્યારે જ તે બધું યથાર્થ કહેવાય. તેથી જ કહેવાય છે કે જ્યાં સુધી આત્મતત્ત્વ જણાયું ન હોય ત્યાં સુધી દરેક સાધના જુઠી છે. આત્માનુભૂતિ એટલે કે અપરોક્ષાનુભૂતિ અંતિમ લક્ષ્ય છે અને અન્ય પ્રત્યેક બાબત નિસરણી સમાન છે. નિસરણીની ઉપયોગીતા છે પરંતુ તે અંતિમ ધ્યેય નથી. કોઈ એક તબક્કે નિસરણીનો પણ ત્યાગ કરવો પડે.

ઉપનિષદોમાં ભલે અપરોક્ષાનુભૂતિ શબ્દ નજરે ન ચડતો હોય પરંતુ જ્યારે ‘અહમ્ બ્રહ્માસ્મિ’ કે ‘તત્ત્વમસિ’ જેવી વાત કહેવાતી હોય ત્યારે સ્વયં-અનુભૂતિની જ વાત હોય. તેથી જ બૃહદારણ્યક ઉપનિષદમાં જણાવ્યું છે કે આત્મા દ્રષ્ટવ્ય છે, અનુભવનો વિષય છે. અહીં એમ પણ સ્પષ્ટ થાય છે કે આત્મજ્ઞાનનો સાક્ષાત્કાર અપરોક્ષ હોવો જોઈએ અને તેમાં ઇન્દ્રિય, મન, બુદ્ધિ, વૃત્તિ તેમ જ ચિત્તની અવસ્થા મહત્ત્વની ન હોય. આત્મજ્ઞાન અવસ્થા એ પ્રકાશની અવસ્થા છે અને પ્રકાશ એ માહિતીનો વિષય નથી. પ્રકાશની તો અનુભૂતિ કરવાની હોય અને તે અનુભૂતિ થતાં જ અંધકારની આપમેળે બાદબાકી થઈ જાય.

કામ ક્રોધ લોભ જેવી નકારાત્મક બાબતોથી મનની દુરી, તત્વ જિજ્ઞાસા, વૈરાગ્ય, અહંકાર મુક્તિ, પ્રેય ને સ્થાને શ્રેયની પસંદગી, નિત્યાનિત્યનો વિવેક, સંયમ, શ્રવણ-મનન-નિદિધ્યાસન,શાસ્ત્રીય વિધાનમાં શ્રદ્ધા અને તેનું અનુકરણ, ચિત્તની પવિત્ર એકાગ્રતા તથા દિવ્યકૃપા જેવી બાબતો પર અપરોક્ષાનુભૂતિ અવલંબિત હોય. અપરોક્ષાનુભૂતિનું પરિણામ અદભુત રહે. અહીં દૃશ્ય-દર્શન- દ્રષ્ટાનો ભેદ સમાપ્ત થાય. 

અદ્વૈત સિદ્ધાંત મુજબ સમગ્ર સૃષ્ટિમાં માત્ર બ્રહ્મનું જ અસ્તિત્વ પ્રતીત થાય. અજ્ઞાન અને અવિદ્યા નાશ પામતા સૃષ્ટિનો પ્રપંચ લય પામે. દરેક પ્રકારનાં દ્વન્દ્વથી મુક્તિ મળે. દરેક પ્રકારનાં માયા-ગ્રસ્ત તેમજ પ્રકૃતિ-જન્ય બંધનનો નાશ થતાં જીવનમુક્ત સ્થિતિ પ્રાપ્ત થાય. પરમ આનંદ અને અખંડ શાંતિ સ્થાપિત થાય.આ બધાંને કારણે અંતે વાસ્તવમાં પોતાનું અસ્તિત્વ અને સ્વરૂપ પ્રગટ થાય - ‘અહમ્ બ્રહ્માસ્મિ’ પ્રતીત થાય. એકંદરે એમ કહી શકાય કે અપરોક્ષાનુભૂતિ એટલે આત્મબ્રહ્મની સીધી, નિર્વિકલ્પ, શાશ્વત, પરમ, અખૂટ, અખંડ અને અનંત અનુભૂતિ. તે જ અધ્યાત્મનું અંતિમ ફળ, શાસ્ત્રોનો સાર અને મોક્ષનો માર્ગ છે.

પ્રશ્ન એ થાય કે અહીં અપરોક્ષાનુભૂતિ કહેવાય છે, પ્રત્યક્ષાનુભૂતિ નહીં. અપરોક્ષ એટલે જ પ્રત્યક્ષ. એમ જણાય છે કે અહીં જે પરિસ્થિતિ સામાન્ય રીતે સ્થાપિત હોય છે તેને નકારવાનો પ્રયત્ન કરાયો છે. દુનિયાની પ્રત્યેક બાબત લગભગ પરોક્ષ રીતે સમજમાં આવે છે. જે તે બાબતને સમજવામાં અને જાણવામાં, જિંદગીના પ્રારંભિક તબક્કામાં માબાપ તથા કુટુંબની ભૂમિકા મહત્ત્વની રહે. ત્યારબાદ શિક્ષણ તથા વ્યવસ્થાનો પ્રભાવ રહે. તેમાં સમયાંતરે મિત્રો તેમજ સંપર્ક-સંદર્ભને પણ સ્થાન મળે.

 ક્યારેક પુસ્તકો તો ક્યારેક પ્રવચનો, ક્યારેક ચર્ચા તો ક્યારેક સ્થાપિત પરંપરા, ક્યારેક દુનિયા સાથેના સંપર્કથી જાણમાં આવેલી વાતો તો ક્યારેક અકસ્માતની નજરે ચડેલી ઘટનાઓ; આ બધી બાબતો પરોક્ષ સ્વરૂપે જે તે માહિતી પ્રકાશમાં લાવે. અહીં વ્યક્તિગત પ્રત્યક્ષ અનુભૂતિ માટેની સંભાવના ઘણી ઓછી રહી શકે. આ સમગ્ર બાબતને આધ્યાત્મના ક્ષેત્રમાં નકારાત્મક જણાવીને અપરોક્ષાનુભૂતિની વાત કરાઈ હશે.