Fri May 01 2026

Logo

સસ્તા ચાઈનીઝ અને ઈન્ડોનેશિયન પેપરબોર્ડની આયાત સામે એન્ટિ ડમ્પિગ ડ્યૂટી તપાસ

2026-03-27 19:43:59
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ ચીન અને ઈન્ડોનેશિયાથી આયાત થતાં સસ્તા અથવા તો સબ્સિડાઈઝ ધોરણે થતી આયાતને કારણે સ્થાનિક ઉત્પાદકોના હિત જોખમાતા એન્ટિ ડમ્પિંગ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું એક નોટિફિકેશનમાં જણાવ્યું છે. 

વાણિજ્ય મંત્રાલય હેઠળની તપાસકર્તા એજન્સી ડિરેક્ટોરેટ જનરલ ઑફ ટ્રેડ રેમેડિઝ (ડીજીટીઆર)એ ઈન્ડિયન પેપર મેન્યુફેક્ચરર્સ એસોસિયેશને સ્થાનિક ઉદ્યોગ વતી કરેલી ફરિયાદને ધ્યાનમાં લેતા આ તપાસ હાથ ધરવામાં આવી છે. 

અરજદારોએ આક્ષેપ કર્યો છે કે ચાઈનીઝ અને ઈન્ડોનેશિયન કંપનીઓ દ્વારા થતી મલ્ટિ લેયર પેપરબોર્ડની સબ્સિડાઈઝ ધોરણે થતી નિકાસને કારણે સ્થાનિક કંપનીઓના નફા સંકડાઈ રહ્યા છે. આથી અમે આયાત સામે એન્ટિ સબ્સિડી અથવા તો કાઉન્ટરવેઈલિંગ  તપાસ હાથ ધરવા અનુરોધ કર્યો છે. 

વધુમાં અરજદારોએ આક્ષેપ કર્યો હતો કે આ દેશનાં ઉત્પાદકો/નિકાસકારોને તેની સંબંધિત સરકારો તરફથી વિવિધ સ્તરેથી ગ્રાન્ટ, લોન, ગૅરૅન્ટી, વેરા, નિકાસ ધિરાણ, ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ અથવા તો ઈક્વિટી ઈન્ફ્યુઝન જેવાં લાભો મળતાં હોય છે. આમ સ્થાનિક ઉદ્યોગ વતી એસોસિયેશન દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં સંતોષજનક પુરાવાઓને ધ્યાનમાં લેતા અમે કાઉન્ટરવેઈલિંગ તપાસ હાથ ધરી હોવાનું ડીજીટીઆરએ નોટિફિકેશનમાં જણાવ્યું છે. 

તપાસમાં આ દેશોથી થતી આયાતને કારણે સ્થાનિક ઉત્પાદકોને થતાં નુકસાનની આકારણી કરવામાં આવશે અને જો નોંધપાત્ર માત્રામાં હાની થઈ રહી હોવાનું ફલિત થશે તો એન્ટિ સબ્સિડી ડ્યૂટીની ભલામણ કરવામાં આવશે, એમ ડીજીટીઆરએ ઉમેર્યું હતું.

નોંધનીય બાબત એ છે કે મલ્ટિલેયર પેપર બોર્ડનો ઉપયોગ મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ, એફએમસીજી ઉત્પાદનો, અનાજ અને પીણાં ઉદ્યોગ, ઈલેક્ટ્રોનિક્સ અને ઉચ્ચ સ્તરના કોસ્મેટિક્સનાં પેકેજિંગમાં થતો હોય છે.