Fri Apr 17 2026

Logo

`અરે ભાઈ, મારો પતિ બોલિંગ જ ન કરી શકે તો શું કામ રમે?': દિગ્ગજ ખેલાડીની ક્રિકેટર-પત્નીએ આવી ચોખવટ કરવી પડી

Sydney   2026-03-28 17:18:33
Author: Ajay Motiwala
Article Image

AFP


સિડનીઃ ઑસ્ટ્રેલિયાના મિચલ સ્ટાર્ક, પૅટ કમિન્સ, જૉશ હૅઝલવૂડ સહિત કેટલાક વિદેશી ખેલાડીઓ ઈજાને કારણે આઇપીએલમાં શરૂઆતથી નથી રમવાના અને 10માંથી મોટા ભાગના ફ્રૅન્ચાઇઝીઓને તેમની ખોટ તો વર્તાશે, પરંતુ ખાસ કરીને સ્ટાર્ક કે જેના માટે દિલ્હી કૅપિટલ્સના ફ્રૅન્ચાઇઝીએ 11.75 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે તે હજી નથી રમવાનો એ બદલ તેના કેટલાક ચાહકોએ સોશ્યલ મીડિયામાં ટિપ્પણીઓ કરી છે જે સ્ટાર્કની પત્ની અલીઝા હિલીને નથી ગમી એટલે તેણે ખુલાસો કરવો પડ્યો છે.

અલીઝા હિલી ઑસ્ટ્રેલિયાની પીઢ મહિલા ક્રિકેટર છે. મિચલ સ્ટાર્કની પત્ની અલીઝા હિલી (Alyssa Healy) ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન વિકેટકીપર ઇયાન હિલીની ભત્રીજી છે. લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર સ્ટાર્ક દિલ્હી કૅપિટલ્સના મુખ્ય બોલરમાંથી એક છે. ટીમના બીજા પેસ બોલર્સમાં લુન્ગી ઍન્ગિડી, દુષ્મન્થા ચમીરા, ટી. નટરાજન, મુકેશ કુમાર, કાઇલ જૅમીસન અને આકિબ નબીનો સમાવેશ છે.

ઑસ્ટ્રેલિયાનો જ પૅટ કમિન્સ સનરાઇઝર્સ હૈદરાબાદનો સુકાની છે અને તે ઈજામુક્ત થઈને 10થી 12 દિવસમાં રમશે એવી સંભાવના છે, પણ સ્ટાર્ક વિશે કોઈ સ્પષ્ટતા બહાર ન આવતાં સોશ્યલ મીડિયામાં સ્ટાર્કના ચાહકો મૂંઝવણમાં છે. દિલ્હી કૅપિટલ્સને હજી ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ તરફથી સ્ટાર્કની ફિટનેસનું સર્ટિફિકેટ નથી મળ્યું.

આઇપીએલમાં શરૂઆતથી સ્ટાર્ક (Starc)ની ગેરહાજરી હોવાથી તેના કેટલાક ચાહકો સોશ્યલ મીડિયામાં તેને વખોડી રહ્યા છે. સ્ટાર્ક પત્ની અલીઝા હિલી અને કેટલાક મિત્રો સાથે (સોશ્યલ મીડિયા પરની એક પોસ્ટમાં) ગૉલ્ફ કોર્સમાં જોવા મળ્યો એટલે સ્ટાર્કને નિશાન બનાવવાનું શરૂ થઈ ગયું. અનમોલ નામના ક્રિકેટપ્રેમીએ લખ્યું, `હૈદરાબાદના કમિન્સ અને હૅઝલવૂડ ઈજા હોવા છતાં તેમની ટીમ વતી મોડા વહેલા રમવાના છે, પરંતુ સ્ટાર્ક વિશે કોઈ જ સ્પષ્ટતા નથી મળી.'

સ્ટાર્કને ખભામાં અને કોણીમાં ઈજા છે. અલીઝા હિલીએ જવાબમાં લખ્યું છે, `અરે ભાઈ, મિચલ ઈજાગ્રસ્ત છે. તે બોલિંગ જ ન કરી શકે તો કેવી રીતે રમે?'