Mon Sep 07 2026

Logo

સરકારના કડક પગલાં અને 10 લાખ ટન આયાતથી સાકરના ભાવમાં મોટો ઘટાડો: એક્સ-મિલ ભાવ રૂ. 55 પર પહોંચ્યા

2026-08-25 19:31:00
Author: Ramesh Gohil
સરકારના કડક પગલાં અને 10 લાખ ટન આયાતથી સાકરના ભાવમાં મોટો ઘટાડો: એક્સ-મિલ ભાવ રૂ. 55 પર પહોંચ્યા

સંગ્રહખોરી સામેના પગલાં અને પુરવઠો વધતા જથ્થાબંધ બજારમાં ક્વિન્ટલે રૂ. 160 સુધીનો ઘટાડો નોંધાયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ/નવી મુંબઈઃ
તાજેતરમાં સરકારે ખાંડની સંગ્રહખોરી ડામવા માટે લીધેલા પગલાં ઉપરાંત 10 લાખ ટન કાચી ખાંડની આયાત કરવા માટે મંજૂરી આપીને સ્થાનિકમાં પુરવઠો વધારવા માટે લીધેલા પગલાંને ધ્યાનમાં લેતા એક્સ મિલ ધોરણે ખાંડના ભાવ જે કિલોદીઠ રૂ. 67  સુધી વધ્યા હતા તે 18 ટકા ઘટીને કિલોદીઠ રૂ. 55 સુધી પહોંચ્યા છે અને આગામી દિવસોમાં વધુ ઘટાડો જોવા મળશે, એમ ખાદ્ય સચિવ સંજીવ ચોપ્રાએ આજે જણાવ્યું હતું. 

દરમિયાન નેશનલ ફેડરેશન ઑફ કૉ ઑપરેટિવ સુગર ફેક્ટરીઝના મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ નાઈકનવરેએ જણાવ્યું હતું કે હાલ દેશમાં એક્સ મિલ ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 55ની ઉપર પ્રવર્તી રહ્યા છે. સામાન્યપણે એક્સ મિલ અને હોલસેલ ભાવમાં કિલોદીઠ રૂ. બેથી ત્રણનો તફાવત હોય છે અને એક્સ મિલ તથા રિટેલ ભાવ વચ્ચે કિલોદીઠ રૂ. સાતથી આઠનો તફાવત હોય છે. જોકે, હજુ મિલો પર ભાવમાં વધુ ઘટાડો આવે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં એકંદરે સ્ટોકિસ્ટોની અને રિટેલ સ્તરની માગ જળવાઈ રહી હોવા છતાં મિલો પર ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના અહેવાલોને ધ્યાનમાં લેતા હાજર ભાવમાં ક્વિન્ટલે રૂ. 109થી 160નો ભાવઘટાડો આગળ ધપ્યો હતો. તેમ જ નાકા ડિલિવરી ધોરણે પણ મથકો પાછળ ભાવમાં ક્વિન્ટલે રૂ. 50નો ઘટાડો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગને ટેકે આવક સામે ઉપાડ જળવાઈ રહ્યો હતો. તેમ છતાં મથકો પરનાં નિરુત્સાહી અહેવાલે આજે હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના ભાવ ક્વિન્ટલે રૂ. 110થી 140ના ઘટાડા સાથે રૂ. 5692થી 5852 આસપાસ અને મિડિયમ ગે્રડની ખાંડના ભાવ નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 160 અને ઉપલા મથાળેથી રૂ. 109ના ઘટાડા સાથે રૂ. 5820થી 6112 આસપાસ ગુણવત્તાનુસાર ધોરણે રહ્યા હતા.

વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની ખપપૂરતી માગ જળવાઈ રહી હતી, પરંતુ મિલો પરનાં ભાવઘટાડા સાથે સ્થાનિકમાં ભાવ ક્વિન્ટલે રૂ. 50 ઘટી આવ્યા હતા, જેમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 5600થી 5650માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 5700થી 5900માં થયાના અહેવાલ હતા.