Thu Oct 01 2026

Logo

રશિયાના મિસાઇલ અને ડ્રોન હુમલાથી કીવ ધ્રૂજ્યું: 17નાં મોત, 44 ઘાયલ

Kiev   2026-08-05 21:37:49
Author: Mumbai Samachar Team
રશિયાના મિસાઇલ અને ડ્રોન હુમલાથી કીવ ધ્રૂજ્યું: 17નાં મોત, 44 ઘાયલ

ChatGPT Image


કીવઃ રશિયાએ મંગળવાર રાતથી બુધવાર સવાર સુધીમાં યુક્રેનની રાજધાની કીવ અને તેની આસપાસના વિસ્તારો પર મિસાઇલ અને ડ્રોન વડે ભીષણ હુમલો કર્યો હતો. આ હુમલામાં 17 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 44 લોકો ઘાયલ થયા હતા. આ જાણકારી યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકીએ આપી હતી.

આ હુમલાઓમાં અનેક વ્યવસાયો અને એક રેલવે સ્ટેશનને ભારે નુકસાન થયું હતું. ઝેલેન્સકીએ જણાવ્યું કે જે સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા તેમાં એક બ્રુઇંગ કંપની, બાંધકામ સામગ્રીનું ગોદામ અને એક મેલ સોર્ટિંગ ઓફિસનો સમાવેશ થતો હતો. જેને યુદ્ધ સાથે કોઇ સંબંધ ન હતો.

જો કે રશિયાના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે આ વ્યવસાયોનો લશ્કર સાથે સંબંધ હતો. આ તેજ હુમલાઓનો ફાયદો રશિયા એટલા માટે ઉઠાવી રહ્યું છે કારણ કે યુક્રેન પાસે અમેરિકન પેટ્રિઓટ સિસ્ટમ માટે ઇન્ટરસેપ્ટર મિસાઇલોની ભારે અછત છે. આ એકમાત્ર એવું એર ડિફેન્સ હથિયાર છે જે બેલિસ્ટિક મિસાઇલોને તોડી પાડવામાં સક્ષમ છે.

ઝેલેન્સકીએ અન્ય દેશોને વધુ દારૂગોળો મોકલવાની અપીલ કરી છે કારણ કે ઈરાન યુદ્ધને કારણે અછત સર્જાઇ છે. તેમણે કહ્યું કે આ વર્ષના પ્રથમ છ મહિનામાં યુક્રેનને મળનારી એર ડિફેન્સ મિસાઇલોની સપ્લાય ઘટીને ૨૦૨૫ના સ્તરની એક તૃતીયાંશ રહી ગઇ છે.

ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે બેલિસ્ટિક ઇન્ટરસેપ્ટર જ એ હથિયારો છે જે આજે મૃત્યુ પામેલા લોકોના જીવ બચાવી શક્યા હોત. અમારા સાથી દેશો માટે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે તેની સપ્લાયમાં વિલંબ અથવા એન્ટિ-બેલિસ્ટિક સિસ્ટમ પ્રદાન કરવામાં ખચકાટનું સીધું પરિણામ આવા ભયંકર મૃત્યુ અને વિનાશના રૂપમાં સામે આવે છે.

વધુ જુઓ...