Sat Oct 31 2026

Logo

શિંદેના નિવાસસ્થાને મોરચો લઈ જવાનો પ્રયાસ: પ્રદીપ પુર્ણેકરના પુત્રની અટકાયત...

2026-10-27 21:09:09
Author: Yogesh C. Patel
શિંદેના નિવાસસ્થાને મોરચો લઈ જવાનો પ્રયાસ: પ્રદીપ પુર્ણેકરના પુત્રની અટકાયત...

થાણે: થાણેમાં ગોળી મારી હત્યા કરવામાં આવેલા શિવસેના (યુબીટી)ના નેતા પ્રદીપ પુર્ણેકરના પુત્ર રામ પુર્ણેકરની રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિવાસસ્થાને મોરચો લઈ જવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે અટકાયત કરી હતી.રામ પુર્ણેકરે મંગળવારે સ્થાનિક વિપક્ષી નેતાઓને ભેગા કરીને મોરચો લઈ જવાનો પ્રયત્ન કર્યો ત્યારે નૌપાડા પોલીસે તેને તાબામાં લીધો હતો. પિતાની હત્યાના કેસમાં થાણેનાં ભૂતપૂર્વ મેયર મીનાક્ષી શિંદે અને તેમના પતિની ધરપકડ કરવાની માગણી રામે કરી હતી.

અધિકારીના જણાવ્યા મુજબ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના બંગલો તરફ શાંતિપૂર્ણ રીતે મોરચો લઈ જવાનો પ્રયત્ન કરાયો હતો, પરંતુ પોલીસે તેને વાગળે એસ્ટેટ પરિસરમાં રોક્યો હતો. વીડિયોમાં રામ રડતો અને પોલીસ સમક્ષ આજીજી કરતો નજરે પડતો હતો.પોલીસ કાર્યવાહીને પગલે શિવસેના (યુબીટી), મનસે, એનસીપી (એસપી) અને કૉંગ્રેસના નેતાઓએ પોલીસ સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. થાણે શહેરમાં ગુનાખોરી વધી રહી હોવાનો આક્ષેપ કરીને શિંદેના રાજીનામાની માગણી કરાઈ હતી.

શિવસેનાના માનપાડાના વૉર્ડ અધ્યક્ષ પ્રદીપ પુર્ણેકરની 29 સપ્ટેમ્બરની રાતે પક્ષ કાર્યાલય બહાર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. કેસની તપાસ કરનારી સ્પશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી) પાંચ શકમંદની ધરપકડ કરી હતી. (પીટીઆઈ)