Tue Nov 10 2026

Logo

પરિવારની જાણબહાર યુકેથી પાછી આવેલી યુવતીનો મૃતદેહ પુણેના ફ્લૅટમાંથી મળ્યો

2026-10-30 18:27:17
Author: Yogesh C. Patel
પરિવારની જાણબહાર યુકેથી પાછી આવેલી યુવતીનો મૃતદેહ પુણેના ફ્લૅટમાંથી મળ્યો

યુકેમાં એમબીએ કરવા ગયેલી યુવતી ઑગસ્ટમાં ભારત પાછી ફરી, પણ પરિવારના સભ્યોને જાણ નહોતી: ફૂડ ડિલિવરીના ટ્રાન્ઝેક્શનને આધારે શબ મળ્યું

પુણે: છત્રપતિ સંભાજીનગરથી ભણતર માટે લંડન ગયેલી યુવતીનો મૃતદેહ પુણેના પિંપરી-ચિંચવડ ખાતેના એક ફ્લૅટમાંથી મળી આવ્યો હતો. યુવતી ઑગસ્ટમાં જ ભારત પાછી ફરી હતી અને ભાડેના ફ્લૅટમાં રહેતી હતી, જેની જાણ પરિવારજનોને નહોતી. ફૂડ ડિલિવરીના ટ્રાન્ઝેક્શનને આધારે પોલીસે તપાસ કરતાં મૃતદેહ મળ્યો હતો.

શિરગાંવ પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ મુગ્ધા દેશમુખ (34) તરીકે થઈ હતી. એમબીએ કરવા તે જુલાઈ, 2025માં યુકે ગઈ હતી, પરંતુ પરિવારજનોને જાણ કર્યા વિના તે ચાલુ વર્ષના ઑગસ્ટમાં ભારત પાછી ફરી હતી. છત્રપતિ સંભાજીનગરની વતની મુગ્ધા લંડનમાં એકલી રહેતી હતી અને પાર્ટ-ટાઈમ જૉબ કરતી હતી.

મુગ્ધાનો પરિવાર તેની સાથે ફોન કૉલ્સ અને મેસેજીસથી સંપર્કમાં હતો. જોકે 24 ઑક્ટોબરથી મુગ્ધાનો મોબાઈલ સ્વિચ ઑફ્ફ આવતો હોવાથી તેનો સંપર્ક થઈ શક્યો નહોતો. આ મામલે તેના પિતા અવિનાશ દેશમુખે છત્રપતિ સંભાજીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મુગ્ધાનો સંપર્ક ન થતાં પરિવારે લંડનમાં તેની ફ્રેન્ડને કૉલ કર્યો હતો. ફ્રેન્ડે પણ છેલ્લે 22 ઑક્ટોબરે મેસેજથી સંપર્ક થયો હોવાનું જણાવ્યું હતું. શંકાને આધારે ફ્રેન્ડે મિસિંગની ફરિયાદ નોંધાવવા લંડન પોલીસનો સંપર્ક સાધ્યો હતો, પરંતુ મુગ્ધાએ ઑગસ્ટના અંતમાં યુકે છોડી દીધું હોવાનું જાણવા મળ્યું હતું.

દીકરીની ભાળ મેળવવા માટે પરિવારજનો ભારતીય સત્તાવાળા અને ઈન્ડિયન હાઈ કમિશનને મળ્યા હતા. એ સિવાય મુગ્ધાના પિતાએ તેના બૅન્ક સ્ટેટમેન્ટની ચકાસણી કરી હતી, જેમાં બૅન્ક ખાતામાંથી આઠથી પચીસ ઑક્ટોબર દરમિયાન ફૂડ ડિલિવરી અને ઑનલાઈન સર્વિસ પ્લૅટફોર્મ્સ પર અનેક ટ્રાન્ઝેક્શન થયાં હોવાનું જણાયું હતું. એક ટ્રાન્ઝેક્શન છત્રપતિ સંભાજીનગરના ઉસ્માનપુરામાંથી થયું હોવાનું જણાતાં મુગ્ધા ભારતમાં હોવાની પરિવારને ખાતરી થઈ હતી.

અધિકારીના જણાવ્યા મુજબ પરિવારે છત્રપતિ સંભાજીનગર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી. પોલીસે મુગ્ધાનું લૉકેશન ટ્રેસ કરતાં તે પિંપરી-ચિંચવડના ગહુંજે વિસ્તારમાં આવેલા લોઢા બેલમોન્ડો કૉમ્પ્લેક્સમાં હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસની ટીમ લૉકેશનને આધારે એક ફ્લૅટ બહાર પહોંચી હતી. દરવાજો અંદરથી લૉક હોવાથી કીમેકરની મદદથી દરવાજો ખોલવામાં આવ્યો હતો. ફ્લૅટમાંથી મુગ્ધા મૃત અવસ્થામાં મળી આવી હતી. જોકે તેના શરીર પર ઇજાનાં કોઈ નિશાન દેખાયાં નહોતાં. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે તેના વિસેરા પ્રિઝર્વ કરવામાં આવ્યા હોવાનું પિંપરી-ચિંચવડના શિરગાંવ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર દેવેન્દ્ર ચવાણે જણાવ્યું હતું.


પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મુગ્ધાએ એપ્રિલ મહિનાથી ફ્લૅટ ભાડે લીધો હતો, પરંતુ યુકેથી આવ્યા પછી ઑગસ્ટ મહિનાથી તે ત્યાં રહેવા લાગી હતી. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)