નવી દિલ્હી: મોબાઈલ ફોન વપરાશકર્તાઓ માટે 1 નવેમ્બરથી એક મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યો છે. ભારત સરકારના ટેલિકોમ વિભાગ (DoT) દ્વારા કોલર નેમ પ્રેઝન્ટેશન (CNAP) સેવા શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. આ સુવિધા હેઠળ અજાણ્યા નંબર પરથી ફોન આવે ત્યારે મોબાઇલની સ્ક્રીન પર માત્ર નંબર નહીં, પરંતુ કોલ કરનાર વ્યક્તિનું નામ પણ જોવા મળશે. આ પગલાથી અનિચ્છનીય કોલ્સ અને સાયબર ઠગાઈના બનાવો પર અંકુશ લાવવામાં મદદ મળશે તેવી આશા છે.
નવી CNAP સેવાનો ખાસ કરીને 4G અને 5G નેટવર્કનો ઉપયોગ કરતા ગ્રાહકોને લાભ મળશે. આ સેવા ઘણી હદ સુધી ટ્રુ કોલર જેવી લાગશે. આ સુવિધા કેવી રીતે કામ કરશે તેનું ઉદાહરણ સમજીએ તો, જો કોઈ વ્યક્તિ A, વ્યક્તિ Bને ફોન કરે અને Bના મોબાઈલમાં Aનો નંબર સેવ હોય, તો પહેલાની જેમ સેવ કરેલું નામ જ દેખાશે. પરંતુ જો નંબર સેવ ન હોય, તો મોબાઈલ સ્ક્રીન પર નંબરની સાથે સિમ કાર્ડ જે વ્યક્તિના નામે નોંધાયેલું છે તે નામ પણ દેખાશે, એટલે અજાણ્યા કોલરની ઓળખ મેળવવા માટે અલગ એપ ઈન્સ્ટોલ કરવાની જરૂર નહીં રહે.
CNAP દ્વારા આંતરરાષ્ટ્રીય કોલની ઓળખ પણ સરળ બનશે. વિદેશમાંથી આવતા ફોન પર સ્ક્રીન પર ઇન્ટરનેશનલ કોલ લખેલું જોવા મળશે. સાયબર ગુનેગારો ઘણી વખત વિદેશી નંબરો અથવા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ઉપયોગ કરીને લોકોને નિશાન બનાવતા હોય છે. આવી સ્થિતિમાં કોલ સ્થાનિક છે કે વિદેશથી આવી રહ્યો છે તેની જાણ થવાથી ગ્રાહકો વધુ સાવચેતી રાખી શકશે.
દૂરસંચાર વિભાગનો મુખ્ય હેતુ કોલર ઓળખની વિશ્વસનીય વ્યવસ્થા ઊભી કરીને સાયબર ઠગાઈના બનાવો ઘટાડવાનો છે. ભારતમાં દર વર્ષે લાખો લોકો સાયબર છેતરપિંડીનો ભોગ બને છે અને તેમના બેંક ખાતામાંથી નાણાં ગુમાવે છે. અજાણ્યા કોલરની ઓળખ સ્પષ્ટ થવાથી બેંક અધિકારી, સરકારી કર્મચારી કે અન્ય વિશ્વસનીય વ્યક્તિ હોવાનો ખોટો દાવો કરતા ઠગોને ઓળખવામાં મદદ મળી શકે છે. જોકે, નામ દેખાવાથી જ કોલ સંપૂર્ણપણે સુરક્ષિત છે તેવી ખાતરી માનવી નહીં.
પ્રથમ તબક્કામાં આ સેવા 4G અને 5G નેટવર્ક પર ઉપલબ્ધ થશે. 2G અને 3G વપરાશકર્તાઓ માટે સેવા શરૂ કરવાની પ્રક્રિયા અલગથી હાથ ધરવામાં આવશે. મોબાઈલ સુરક્ષાના ક્ષેત્રમાં આ ફેરફારને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે, પરંતુ સાવચેતી અને સતર્કતા જ સાયબર ઠગાઈથી બચવાનો સૌથી અસરકારક ઉપાય રહેશે.