Sat Apr 18 2026

Logo

થાણેમાં કન્ટેઇનર ટ્રકે મોટરસાઇકલને અડફેટમાં લેતાં દંપતીનું મૃત્યુ

1 hour ago
Author: Yogesh C Patel
Article Image

થાણે: થાણે જિલ્લામાં શનિવારે સવારે પૂરપાટે વેગે આવેલી ક્ધટેઇનર ટ્રકે મોટરસાઇકલને ટક્કર મારતાં નવપરિણીત દંપતીનું મૃત્યુ થયું હતું. મુંબઈ-નાશિક હાઇવે પર કલવા વિસ્તારમાં ખારેગાંવ ટોલ પ્લાઝા નજીક શનિવારે સવારના 7.25 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ભાંડુપ વિસ્તારમાં રહેતાં કલ્પેશ રેવાળે અને તેની પત્ની મીનાક્ષી રેવાળે ખાનગી બૅંકમાં કામ કરતાં હતાં અને શનિવારે સવારના મોટરસાઇકલ પર ડોંબિવલી જઇ રહ્યાં હતાં ત્યારે ક્ધટેઇનર ટ્રકે તેેમની મોટરસાઇકલને અડફેટમાં લીધી હતી. 

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બંને જણને તાત્કાલિક સારવાર માટે કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેમને મૃત જાહેર કર્યાં હતાં. દરમિયાન અકસ્માત બાદ એકઠા થયેલા લોકોએ ટ્રક ડ્રાઇવર શિવકુમાર બહાદુરને પપકડી પાડ્યો હતો અને બાદમાં તેને કલવા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

ડીસીપી (ટ્રાફિક) પંકજ શિરસાટે જણાવ્યું હતું કે ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ટોલ પ્લાઝા નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા તેમ જ સાક્ષીદારો તથા અન્યોનાં નિવેદન નોંધ્યાં હતાં.