Fri Apr 17 2026

Logo

ટીસીએસમાં એક વર્ષમાં 23,000 કર્મચારીની સંખ્યામાં ઘટાડો, જાણો HR વિભાગે શું કહ્યું?

1 day ago
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી આઈટી કંપનીઓ અત્યારે જોરદાર ચર્ચામાં છે, જેમાં નવી ભરતીમાં કાપ મૂકવાની સાથે કર્મચારીઓની છટણીનું જોખમ તોળાઈ રહ્યું છે, ત્યારે સેક્ટરની જાયન્ટ કંપની ટીસીએસના પરિણામો જાહેર કરીને સૌને ચોંકાવ્યા છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)ના એપ્રિલના ચોથા ત્રિમાસિકગાળાના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2026ના પરિણામોની સાથે કંપનીમાં કર્મચારીઓની કુલ સંખ્યામાં 23,000થી વધુ ઘટાડો નોંધાયો છે, જેના અંગે કંપનીના એચઆર વિભાગ તરફથી પોતાનું સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે.

નવમી એપ્રિલના કંપનીના ચોથા ત્રિમાસિકગાળાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સૌથી મોટી પણ ચોંકાવનારી માહિતી જાણવા મળી હતી કે કંપનીમાં કર્મચારીઓની સંખ્યામાં 23,000થી વધુ કર્મચારીનો ઘટાડો થયો છે, જેને લઈ કંપનીમાં છટણી શરુ કરી હોવાનો વિવાદ જાગ્યો છે અને એના અંગે હવે ટીસીએસના એચઆર વિભાગની પ્રતિક્રિયા આપી છે. કંપનીમાં કુલ કર્મચારીની સંખ્યા 5,84,519 છે, જે ગયા વર્ષની તુલનામાં કુલ સંખ્યામાં 23,000 ઘટાડો થયો છે. આઈટી સેક્ટરની દિગ્ગજ કંપનીમાં એક વર્ષમાં મોટો ઘટાડો નોંધાયો છે. 

છટણી સાથે નવી ભરતી કરી હોવાનો દાવો

કર્મચારીઓની છટણી કરવામાં આવી હોવાની શંકા કરવામાં આવી રહી છે, ત્યારે એના અંગે હ્યુમન રિસોર્સ વિભાગના ચીફ ઓફિસરે એ વાતનું ખંડન કરતા કહ્યું કે ગયા વર્ષે કરેલા ઈન્ટરનલ ફેરફારને કારણે કંપનીના કુલ વર્કફોર્સમાં બે ટકા અસર થઈ છે, જ્યારે કંપનીમાં થયેલા ઘટાડા માટે કોઈ કારણ જવાબદાર નથી. કંપનીમાં છટણી કરી હોવાની વાતને ફગાવતા તેમણે કહ્યું કે ગયા વર્ષે 44,000 ફ્રેશર્સને ઓનબોર્ડ ભરતી કરી છે. એના સિવાય નાણાકીય વર્ષ 2026ના અંતમાં 2,356 નવા કર્મચારીઓને જોડવામાં આવ્યા છે, જેમાં અનુભવી અને ફ્રેશર બંનેનો સમાવેશ થાય છે. 

હવે જસ્ટ ઈન ટાઈમ મોડલ પર વિશેષ 'ભાર'

આ ઉપરાંત, ટીસીએસવતી જણાવવામાં આવ્યું છે કે કંપનીએ ભારતમાં પહેલાથી 25,000 કેમ્પસ ઓફર મૂકી હતી, જ્યારે ભવિષ્યમાં યુનિવર્સિટીમાં મોટા પાયે ભરતી કરવામાં આવી હતી. નિષ્ણાતોનું માનવું છે કે આ સંખ્યામાં ફક્ત છટણીને કારણે જ નહીં, પરંતુ એટ્રિશન એટલે કર્મચારીઓ ખૂદ નોકરી છોડીને ગયા હતા અને માગ અનુસાર ભરતી કરવાની પોલિસીમાં પણ ફેરફારનું પરિબળ પણ જવાબદાર છે. ટીસીએસ હવે જસ્ટ ઈન ટાઈમ હાયરિંગના મોડલ પર ધ્યાન આપે છે, જ્યાં પ્રોજેક્ટની જરુરિયાત અનુસાર નવી ભરતી કરે છે.

ભવિષ્યમાં એઆઈનું સંકટ નિશ્ચિત?

વૈશ્વિક સ્તરે આઈટી ઈન્ડસ્ટ્રીઝમાં એઆઈના વધતા પ્રભાવને લઈને દુનિયાભરની કંપનીઓ પર અસર થઈ છે, જેમાં 2030ના અંત સુધીમાં મોટા પાયે અસર જોવા મળી શકે છે. આ બાબત અંગે અગાઉ ટીસીએસના સીઈઓ કે. કૃતિવાસનએ સકારાત્મક વલણ અપનાવતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં કંપનીઓ એઆઈનો ફાયદો ઉઠાવવા માટે ટીસીએસ જેવી કંપનીઓ વધુ નિર્ભર રહેશે. હાલમાં કંપનીની ઓર્ડર બુક મજબૂત છે તેમ જ ગ્લોબલ રેવન્યુમાં સુધારો જોવા મળે છે.