Fri May 29 2026

Logo

રાજસ્થાન જીત્યું, હવે રમશે ગુજરાત સામેઃ હૈદરાબાદ આઉટ

1 day ago
Author: Ajay Motiwala
Article Image

BCCI


વૈભવના વંટોળ બાદ જાડેજા-જોફ્રા ત્રાટક્યા

ન્યૂ ચંડીગઢઃ આઇપીએલ-2026ની લીગ રાઉન્ડના ચોથા નંબરના રાજસ્થાને (20 ઓવરમાં 8/243) અહીં બુધવારે ત્રીજા ક્રમના હૈદરાબાદ (19.2 ઓવરમાં 10/196)ને એલિમિનેટરમાં 47 રનથી હરાવીને ક્વૉલિફાયર-ટૂમાં પ્રવેશ કર્યો હતો જેમાં શુક્રવારે રાજસ્થાન (Rajasthan)નો મુકાબલો ગુજરાત સામે થશે. એમાં જીતનારી ટીમ રવિવારે ફાઇનલમાં બેંગ્લૂરુ સાથે ટકરાશે. હૈદરાબાદ (Hyderabad)ની ટીમ ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ છે. ગુરુવારે આઇપીએલમાં રેસ્ટ-ડે છે.

મંગળવારે બેંગ્લૂરુ (5/254) સામે ગુજરાત (10/162)નો જે ફિયાસ્કો થયો એવું બુધવારે રાજસ્થાન સામે હૈદરાબાદનું થયું. હૈદરાબાદની ટીમ ધમાકેદાર બૅટિંગ અને ઊંચા સ્કોર્સ માટે જગવિખ્યાત છે, પરંતુ એના કૅપ્ટન પૅટ કમિન્સે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરીને પોતાના જ બૅટ્સમેનો પર તેને ભરોસો નહોતો એ પુરવાર કર્યું અને એનો ફાયદો રાજસ્થાને ઉપાડ્યો અને બૅટિંગ મળ્યા પછી 243 રન ખડકી દીધા હતા. જેમાં ખાસ કરીને વૈભવ સૂર્યવંશી (97 રન, 29 બૉલ, બાર સિક્સર, પાંચ ફોર)એ જીતનો પાયો નાખી આપ્યો હતો.

BCCI

રાજસ્થાનના પેસ બોલર સુશાન્ત મિશ્રાએ પૅટ કમિન્સને આઉટ કર્યો એ મિશ્રાની પ્રથમ આઇપીએલ-વિકેટ હતી. જોફ્રાએ ત્રણ તેમ જ જાડેજા, સુશાન્ત અને બર્ગરે બે વિકેટ તેમ જ યશ રાજ પુન્જાએ એક વિકેટ લીધી હતી. 11મી ઓવરમાં રવીન્દ્ર જાડેજાએ નીતીશ રેડ્ડીની વિકેટ લઈને ટીમને બે્રકથ્રુ અપાવ્યું હતું, કારણકે નીતીશ (38 રન) અને સલિલ અરોરા (35 રન, 21 બૉલ, બે સિક્સર, બે ફોર) વચ્ચેની 56 રનની ભાગીદારીએ હૈદરાબાદને વિજયની થોડી આશા અપાવી હતી, પણ જાડેજાએ હૈદરાબાદનું સપનું ચકનાચૂર કરી નાખ્યું હતું. ઓપનર અભિષેક શર્મા (0), ટ્રૅવિસ હેડ (17 રન), ઇશાન કિશન (33 રન) અને હિન્રિક ક્લાસેન (18 રન) ખરા સમયે સારું રમવામાં નિષ્ફળ ગયા હતા.

BCCI

એ પહેલાં, રાજસ્થાને 20 ઓવરમાં આઠ વિકેટે 243 રન બનાવીને પૅટ કમિન્સની ટીમને 244 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. શરૂઆતની આઠ ઓવરમાં વૈભવ અને યશસ્વી જયસ્વાલ (29 રન, 29 બૉલ, ચાર ફોર)ની જોડીએ 125 રન બનાવ્યા હતા, પણ છેલ્લી પાંચ ઓવરમાં રાજસ્થાનના બૅટ્સમેનો 40 રન પણ નહોતા કરી શક્યા. વિકેટકીપર ધ્રુવ જુરેલે (50 રન, 21 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) પણ અઢીસો આસપાસના ટીમ-ટોટલમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદના પ્રફુલ્લા હિન્ગેએ ત્રણ તેમ જ શિવાંગ, એશાન મલિન્ગા, નીતીશ રેડ્ડીએ એક-એક વિકેટ લીધી હતી. કૅપ્ટન પૅટ કમિન્સને 64 રનમાં અને સાકિબ હુસૈનને બાવન રનમાં વિકેટ નહોતી મળી.