Fri May 29 2026

Logo

શેરબજાર: સેન્સેકસમાં ૧૦૯૨ પોઇન્ટનો ધબડકો, આઇએમડીએ એવી તે શી આગાહી કરી?

4 hours ago
Author: Nilesh Waghela
Article Image

માર્કેટ કેપિટલાઇઝેશનમાં લગભગ ૫ાંચ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ

નિલેશ વાઘેલા
મુંબઇ
: શેરબજારમાં શુક્રવારે સુધારા તરફ આગળ વધતા નેગેટીવ ઝોનમાં વળાંક લઇ લીધો અને સત્રના છેલ્લી મિનિટોમાં ઝડપી ધબડકા સાથે ૧૦૪૯ પોઇન્ટનો કડાકો નોંધાવ્યો. સેન્સેક્સ ૧૦૯૨.૦૬ પોઇન્ટ ઘટીને ૭૪,૭૭૫.૭૪ની સપાટીએ અને નિફ્ટી ૩૫૯.૪૧ પોઇન્ટ ઘટીને ૨૩, ૫૪૭.૭૫ની સપાટીએ સ્થિર થયો હતો.એ જ સાથે બીએસઇના માર્કેટ કેપિટલાઇઝેશનમાં લગભગ ૫ાંચ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. એમએસસીઆઇ ઇન્ડેક્સનો ફેરફાર અમલમાં આવવાના અહેવાલ વચ્ચે ભારતના વેઇટેજમાં થનારા ઘટાડાને કારણે પણ વેચવાલીનું દબાણ વધ્યું હોવાનું માર્કેટ એનાલિસ્ટ જણાવે છે.

બજાર તૂટવાના મુખ્ય કારણોમાં ઈરાન-યુએસ શાંતિ કરાર અંગેની અનિશ્ર્ચિતતાઓ, આઇએમડી દ્વારા વર્ષ ૨૦૨૬માં ૧૧ વર્ષના સૌથી ઓછા વરસાદની કરવામાં આવેલી આગાહી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલીનો સમાવેશ થાય છે.સવારના સત્રમાં અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ કરારના આશાવાદને કારણે સુધારો જોવા મળ્યો હતો. ગુરુવારે ઉક્ત બંને દેશ વચ્ચે યુદ્ધવિરામ લંબાવવા અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દ્વારા શિપિંગ પરના પ્રતિબંધો હટાવવા માટે કરાર પૂર્ણતાની નિકટ પહોંચ્યો હોવાના અહેવાલ હતા.

જોકે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે હજુ સુધી કથિત કરારને મંજૂરી આપી ના હોવાની ટીપ્પ્ણી પણ સાથે હતી. ઉપરાંત ઈરાની સ્ટેટ મીડિયાએ જણાવ્યું હતું કે કરારને હજુ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. આ જોતાં કરાર પર વહેલા સહી-સિક્કા થવાની આશા ના રાખી શકાય.આ કરાર અંગેની અનિશ્ર્ચિતતા અને હોર્મુઝ સ્ટ્રેઇટમાં સીઝફાયર જાહેર થયું હોવા છતાં અમેરિકા દ્વારા ઇરાન પર થઇ રહેલા હુમલા ઉપરાંત ભારતીય હવામાન ખાતાએ ઓછા ચોમાસાની કરેલી આગાહીને કારણે પણ સેન્ટિમેન્ટ ખરડાયું હતું. આઇએમડીએ એવી આગાહી કરી છે કે ભારતમાં નૈઋત્યનું ચોમાસુ લાંબાગાળાની સરેરાશના નેવું ટકા જેવો જ અપેક્ષિત છે. આઇએમડીએ અલ નીનોની ચેતવણી અગાઉ જ આપી દીધી છે.

પાવર ગ્રીડમાં ચાર ટકા અને ઇન્ડિગોમાં ત્રણ ટકાનો કડાકો જોવા મળ્યો હતો. યુએસ-ઈરાન સોદા અને એઆઇ રેલી અંગે આશાવાદને કારણે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ ઘટીને ૯૩ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું, જ્યારે એશિયન બજારો બે ટકા ઊછળ્યા હતા. સેન્સેક્સમાં પાવરગ્રીડ, ઇન્ટરગ્લોબ એવિએશન, એનટીપીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ અને બજાજ ફાઇનાન્સ ટોપ લુઝર રહ્યા હતા. જ્યારે ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, લાર્સન એન્ડ ટૂબ્રો અને ઇન્ફોસિસ ટોપ ગેઇનર રહ્યા હતા.

એફઆઇઆઇની એકધારી વેચવાલી અગાઉથી જ ચિંતાનો વિષય છે. એક્સચેન્જના ડેટા અનુસાર પાછલા સત્રમાં વિદેશી ફંડોે ભારતીય બજારમાં રૂ. ૧૦૪૦ કરોડના શેરની અને આ વર્ષ અત્યાર સુધીમાં ૨૪.૩૦ અબજ ડોલરના શેરની વેચવાલી કરી છે. નોંધવું રહ્યું કે આ આંકડો વર્ષ ૨૦૨૫ના આખા વર્ષના આંકડાને પાર કરી ગયો છે. આ કારણોસર બજારમાં વ્યાપક વેચવાલી જોવા મળી હતી.
-------