Wed May 27 2026

Logo

ક્રૂડતેલના ભાવ ઘટતાં ડૉલર સામે રૂપિયામાં 12 પૈસાનો સુધારો

3 hours ago
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થવામાં વિલંબ થવાની શક્યતા સાથે બન્ને દેશો વચ્ચેનાં તણાવભર્યા વાતાવરણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2407.87 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશો હોવા છતાં આજે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 12 પૈસાના સુધારા સાથે 95.58 ના મથાળે બંધ રહ્યો હતો. વધુમાં આગામી 3થી પ જૂન દરમિયાન રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મોનેટરી પૉલિસી કમિટીની બેઠકને ધ્યાનમાં લેતા ટ્રેડરોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.70ના બંધ સામે સુધારાના અન્ડરટોને 95.60ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.79 અને ઉપરમાં 95.58ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 12 પૈસાના સુધારા સાથે 95.58ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 44 પૈસાનું ધોવાણ થયું હતું. 

અમેરિકાએ ઈરાન ખાતે લશ્કરી કાર્યવાહી કરતાં મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધવાની શક્યતાને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નકારાત્મક વલણ જોવા મળે અને ડૉલર સામે રૂપિયાની રેન્જ 95.50થી 96.10 આસપાસની રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે ક્રૂડતેલના ભાવમાં ઘટાડો રૂપિયા પરનું દબાણ હળવું રાખી શકે છે. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.10 ટકાના ઘટાડા સાથે 99.07 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. હાલના તબક્કે ખાસ કરીને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખૂલવા અંગેની અનિશ્ચિતતા ડૉલરને ટેકો આપી રહી હોવાનું વિશ્લેષકો જણાવી રહ્યા છે. વધુમાં આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 3.02 ટકા ઘટીને બેરલદીઠ 96.57 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

વધુમાં આજે સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 141.90 પૉઈન્ટ અને 6.55 પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યા હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.