Fri May 29 2026

Logo

રિઝર્વ બૅન્કના ડૉલર-રૂપી સ્વેપ લિલામને બમણો પ્રતિસાદ

2 days ago
Author: Ramesh Gohil
Article Image

મુંબઈઃ રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા દ્વારા ગત મંગળવારે હાથ ધરવામાં આવેલા ડૉલર/રૂપી બાય-સેલ સ્વેપ ઑક્શન અથવા તો લિલામને બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને નિર્ધારિત રકમ કરતાં બમણું સબસ્ક્રિપ્શન અથવા બિડ મળી હતી. 

કેન્દ્રવર્તી બૅન્કને 9.80 અબજ ડૉલરની બિડ મળી હતી, પરંતુ 910 પૈસાના કટ ઑફ પ્રીમિયમથી માત્ર પાંચ અબજ ડૉલરની બિડ સ્વીકારવામાં આવી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ એક યાદીમાં જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે લિલામ માટે પાંચ અબજ ડૉલરની રકમ નોટિફાઈ કરવામાં આવી હતી. 

વધુમાં રિઝર્વ બૅન્કે યાદીમાં જણાવ્યું હતું કે લિલામમાં 254 બિડ મળી હતી અને 144 બિડ સ્વીકારવામાં આવી હતી. તેમ જ બિડ ટુ કવર રેશિયો 1.96 રહ્યો હતો. રિઝર્વ બૅન્કે જણાવ્યું હતું કે કટ ઑફ પ્રીમિયમ પર સ્પર્ધાત્મક બિડની ટકાવારી તરીકે આંશિક ફાળવણી 18.10 ટકાના સ્તરે છે. લિલામનો પ્રારંભિક તબક્કો 29મી મેના રોજ થશે અને બીજો તબક્કો જે ભંડોળનું રિવર્સલ છે તે 29મી મે, 2029નાં રોજ થશે. 

પહેલાં તબક્કામાં બૅન્કો રિઝર્વ બૅન્કને લિલામના દિવસના એફબીઆઈએલ રેફરન્સ રેટથી ડૉલરનું વેચાણ કરશે. તેમ જ પહેલા તબક્કાનું સ્વેપનું સેટલમેન્ટ ટ્રાન્ઝેક્શનના દિવસથી હાજર ધોરણે થશે અને રિઝર્વ બૅન્ક સફળ બિડરનાં ચાલુ ખાતામાં રૂપી ધોરણે ભંડોળ જમા કરશે અને બિડરે રિઝર્વ બૅન્કના નોસ્ટ્રો એકાઉન્ટમાં અમેરિકી ડૉલર જમા કરવાના રહેશે. 

તેનાથી વિપરીત બીજા તબક્કાના સ્વેપ ટ્રાન્ઝેક્શનમાં બિડરે તેનાં અમેરિકી ડૉલર પાછાં મેળવવા માટે રિઝર્વ બૅન્કને સ્વેપ પ્રીમિયમ સાથે રૂપીનું ભંડોળ રિઝર્વ બૅન્કને પરત કરવાનું રહેશે. હાલમાં ગત 25મી મેના રોજ બૅન્કિંગ યંત્રણામાં અતિરિક્ત લિક્વિડીટી અથવા તો પ્રવાહિતા અંદાજે રૂ. 67,285.42 કરોડ હોવાનું રિઝર્વ બૅન્કે આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.