Wed May 27 2026

Logo

કંગાળ પાકિસ્તાનના વહારે આવ્યું સાઉદી અરેબિયા: 3 અબજ ડોલરની નવી લોન અને જૂની રાહત લંબાવી

islamabad   1 month ago
Author: Mumbai Samachar Team
Article Image

ઇસ્લામાબાદ: સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ની લોન ચૂકવવાની હોવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પાકિસ્તાનની બચાવમાં સાઉદી અરેબિયા આવ્યું છે. પાકિસ્તાનના નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાએ પાકિસ્તાન માટે 3 અબજ ડોલરની વધારાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. સાઉદીએ પાકિસ્તાનમાં જમા 5 અબજ ડોલરની સુવિધાને ત્રણ વર્ષ માટે લંબાવી છે.

પાકિસ્તાની મીડિયા અનુસાર, શાહબાઝ શરીફની સરકારમાં નાણામંત્રી ઔરંગઝેબે બુધવારે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયા તરફથી પાકિસ્તાનને 3 અબજ ડોલરની લોન આવતા અઠવાડિયે આપવામાં આવશે. ઔરંગઝેબે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયા તરફથી આ નવી સહાય પાકિસ્તાનની બહારની નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરશે.

આ સહાય એવા સમયે આપવામાં આવી રહી છે જ્યારે પાકિસ્તાન મહિને સંયુક્ત આરબ અમીરાતને 3.5 અબજ ડોલર ચૂકવવાની તૈયારી કરી રહ્યું છે અને તેના કારણે ફોરેન એક્સચેન્જ રિઝર્વ દબાણનો સામનો કરી રહ્યું છે. નાણામંત્રીએ કહ્યું કે સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને 3 બિલિયન ડોલર આપવાનું વચન આપ્યું છે અને તેની હાલની 5 બિલિયન ડોલરની સુવિધાને વધુ ત્રણ વર્ષ માટે લંબાવી છે."

આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે વડા પ્રધાન શાહબાઝ શરીફ 15-18 એપ્રિલ દરમિયાન સાઉદી અરેબિયા, કતાર અને તુર્કીની સત્તાવાર મુલાકાત લે તેવી સંભાવના છે.

આઈએમએફ એ શરત મુકી છે કે પાકિસ્તાનના ત્રણ મુખ્ય દ્વિપક્ષીય લેણદારો સાઉદી અરેબિયા, ચીન અને યુએઈને ચાલુ ત્રણ વર્ષના કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી દેશમાં તેમની રોકડ થાપણો જાળવી રાખવી જોઈએ. ઓરંગઝેબે જણાવ્યું હતું કે સરકાર આઈએમએફ સમર્થિત કાર્યક્રમ હેઠળ તેની બજારની જવાબદારીઓ અને લક્ષ્યો અનુસાર અનામત જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.