Thu May 21 2026

Logo

શું ઇન્દિરા ગાંધીએ પણ કરી હતી સોનું ન ખરીદવાની અપીલ? જાણો વાયરલ પેપર કટિંગનું સત્ય

1 week ago
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી:  ભારતમાં સોનું માત્ર એક ધાતુ નથી, પરંતુ તે પરિવારોની આર્થિક સુરક્ષા અને અતૂટ લાગણીઓનું પ્રતીક છે. જોકે, હાલમાં પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને વૈશ્વિક આર્થિક અસ્થિરતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા હૈદરાબાદ બાદ વડોદરાથી દેશવાસીઓને આગામી એક વર્ષ સુધી સોનું ન ખરીદવા માટે ખાસ અપીલ કરી છે. વડાપ્રધાનનો આ આગ્રહ 'આર્થિક દેશભક્તિ' સાથે જોડાયેલો છે, જેનો મુખ્ય હેતુ ડોલર સામે નબળા પડી રહેલા રૂપિયાને ટેકો આપવાનો અને દેશની તિજોરીને સુરક્ષિત રાખવાનો છે.

સોનાની ખરીદી પર અંકુશ મૂકવા પાછળનું મુખ્ય કારણ ભારતનું વિદેશી મુદ્રા ભંડાર અને વધતી જતી આયાત છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ગોલ્ડ ગ્રાહક છે અને તેની જરૂરિયાતનું મોટાભાગનું સોનું વિદેશથી આયાત કરે છે. નાણાકીય વર્ષ 2025-26ના આંકડા મુજબ, ભારતે અંદાજે 72 બિલિયન ડોલરના સોનાની આયાત કરી છે, જે અગાઉના વર્ષ કરતા 24 ટકા વધુ છે.

જ્યારે સોનું ડોલરમાં ખરીદવામાં આવે છે, ત્યારે દેશનું ચાલુ ખાતાની ખાધ વધે છે. હાલમાં કાચા તેલના ભાવ બેરલ દીઠ 126 ડોલરે પહોંચ્યા હોવાથી અને ભારત તેની જરૂરિયાતનું 88% તેલ આયાત કરતું હોવાથી, સોના પાછળ ખર્ચાતા ડોલર બચાવવા દેશની અર્થવ્યવસ્થા માટે અનિવાર્ય બન્યા છે.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નામે વર્ષ 1967ની એક પેપર કટિંગ વાયરલ થઈ રહી છે, જેમાં તેમણે સોનું ન ખરીદવા અપીલ કરી હોવાનો દાવો છે, જોકે 'ધ હિન્દુ' અખબારે આ કટિંગને ડિજિટલી મોડિફાઇડ ગણાવી તેને નકારી કાઢ્યું છે. તેમ છતાં, વર્ષ 2013માં તત્કાલીન નાણા પ્રધાન પી. ચિદમ્બરમે પણ આવી જ અપીલ કરી હતી અને વર્ષ 2015માં અરુણ જેટલીએ ગોલ્ડ બોન્ડ જેવી યોજનાઓ રજૂ કરી હતી. 

આર્થિક નિષ્ણાતોના મતે ઘરમાં પડેલું સોનું અર્થતંત્ર માટે ડેડ ઇન્વેસ્ટમેન્ટ સમાન છે. જો આ નાણાં બેંક કે અન્ય ઉત્પાદક ક્ષેત્રોમાં રોકવામાં આવે તો તે રોજગાર અને જીડીપીમાં ફાળો આપે છે. ભારતીય ઘરોમાં હાલમાં અંદાજે 50 હજાર ટન સોનું જમા છે, જેની કિંમત 10 ટ્રિલિયન ડોલર આંકવામાં આવે છે. વડાપ્રધાનની આ નવી અપીલ પાછળનું ગણિત સ્પષ્ટ છે: જો દેશ એક વર્ષ સોનું ન ખરીદે તો બચેલા 72 બિલિયન ડોલર રૂપિયાને મજબૂત બનાવશે અને ઊર્જા સંકટ સામે ભારતને આર્થિક રીતે સદ્ધર રાખવામાં મદદરૂપ થશે.