Fri May 22 2026

Logo

એસઆઈઆર પહેલાં મુખ્ય ચૂંટણી અધિકારી સાથેની મુલાકાતમાં વિરોધ પક્ષોએ 40 મુદ્દાઓ પર ચર્ચા કરી

2 days ago
Author: Vipul Vaidya
Article Image

મુંબઈ: મહા વિકાસ આઘાડીના નેતાઓના એક પ્રતિનિધિમંડળે બુધવારે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સાથેની મુલાકાત દરમિયાન મહારાષ્ટ્રમાં મતદાર યાદીઓના આગામી એસઆઈઆર અને બોગસ અને બેવડા મતદારોના મુદ્દા અંગે પ્રક્રિયાગત ચિંતાઓ વ્યક્ત કરી હતી.

અહીં એક સંયુક્ત પત્રકાર પરિષદ ને સંબોધતા, આદિત્ય ઠાકરે (શિવસેના-યુબીટી), સચિન સાવંત (કોંગ્રેસ) અને શશિકાંત શિંદે (એનસીપી-એસપી)એ મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોકલિંગમ સાથેની મુલાકાતને સકારાત્મક ગણાવી હતી. 

ઠાકરેએ કહ્યું કે પ્રતિનિધિમંડળે બેઠકમાં 40 થી વધુ મુદ્દાઓ પર ચર્ચા કરી. ‘મીટિંગ સકારાત્મક હતી, પરંતુ અમે જોઈ રહ્યા છીએ કે આ પ્રક્રિયા કેવી રીતે લાગુ કરવામાં આવશે કારણ કે એસઆઈઆરનો ઉપયોગ પશ્ર્ચિમ બંગાળ અને બિહારમાં ચૂંટણી જીતવા માટે કરવામાં આવ્યો હતો,’ એમ ઠાકરેએ કહ્યું હતું. 

ખાસ સઘન સુધારણા (એસઆઈઆર)એ ભારતના ચૂંટણી પંચ દ્વારા ઘરે-ઘરે ગણતરી, પહેલેથી ભરેલા ફોર્મ અને જૂના મતદાર ડેટાની ચકાસણી દ્વારા મતદાર યાદીઓની ચકાસણી અને સુધારણા માટે હાથ ધરવામાં આવેલી એક કવાયત છે.

પ્રતિનિધિમંડળે આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલાં એમવીએ અને શિવસેના (યુબીટી) દ્વારા ઉઠાવવામાં આવેલા 17 લાખ ડબલ મતદારો અને બોગસ મતદારોના મુદ્દા વિશે પણ પૂછ્યું હતું. 

ઠાકરેએ એવો દાવો કર્યો હતો કે મોટાભાગના ‘બેવડા મતદારો’ મરાઠી લોકો છે. તેમણે કહ્યું કે એમવીએમાં ત્રણેય પક્ષો આવતા મહિનાથી શરૂ થતી એસઆઈઆર પ્રક્રિયા અને કેસોના નિર્ણય દરમિયાન લોકોને સક્રિયપણે મદદ કરશે. એમવીએ પક્ષો આ પ્રક્રિયા દરમિયાન ડોર-ટુ-ડોર મેપિંગ પણ કરશે.

તેમણે એવી માગણી કરી હતી કે ચૂંટણી પંચ મતદારોની યાદીમાં વિસંગતીઓ ઓળખવા માટે સોફ્ટવેર લાવવું જોઈએ. કેટલાક પાસાઓ એવા છે જે મહારાષ્ટ્રના ચૂંટણી કમિશનરના કાર્યક્ષેત્ર હેઠળ નથી અને એમવીએના નેતાઓ આ મુદ્દાઓ ઉઠાવવા માટે ભારતના ચૂંટણી પંચનો સંપર્ક કરશે.

સાવંતે એવો દાવો કર્યો કે ભાજપના 52,000 બૂથ લેવલ એજન્ટોની નિમણૂક થઈ ચૂકી છે, તેમણે ઉમેર્યું હતું કે પ્રક્રિયા પર ભય અને મૂંઝવણનું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે, જેનો ઉપયોગ ચૂંટણી જીતવા માટે એક સાધન તરીકે થઈ રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે ત્રણે પક્ષો પ્રક્રિયા માટે એકબીજા સાથે સક્રિય રીતે સંકલન કરી રહ્યા છે. એનસીપી (એસપી)ના શિંદેએ કહ્યું કે જ્યારે પણ એસઆઈઆર હાથ ધરવામાં આવે ત્યારે બૂથ લેવલ એજન્ટો પર કોઈ દબાણ ન હોવું જોઈએ.