Fri May 22 2026

Logo

આર્સેનલ બાવીસ વર્ષે પ્રીમિયર લીગમાં ચૅમ્પિયન, હવે ચૅમ્પિયન્સ લીગનું ટાઇટલ હાથવેંતમાં

London   2 days ago
Author: Ajay Motiwal
Article Image

@premierleague


લંડનઃ ઇંગ્લૅન્ડની જગવિખ્યાત આર્સેનલ (ARSENAL) ક્લબની ટીમ બાવીસ વર્ષે ઇંગ્લિશ પ્રીમિયર લીગ (EPL)નું ટાઇટલ જીતી છે. છેલ્લે આર્સેનલે 2024માં આ ફૂટબૉલ ચૅમ્પિયનશિપનું ટાઇટલ જીતી લીધું હતું અને હવે 2026માં ફરી એણે વિજેતાપદ મેળવ્યું છે. આગામી 30મી મેએ બીજી મોટી સૉકર સ્પર્ધા ચૅમ્પિયન્સ લીગ (CL)માં આર્સેનલનો પીએસજી સામે ફાઇનલમાં મુકાબલો થશે અને જો એમાં પણ આર્સેનલ જીતશે તો એક જ સીઝનમાં બે મોટા ટાઇટલ જીતવાનો મોટો રેકૉર્ડ એના નામે લખાશે.

મંગળવારે મોડી રાતે પ્રીમિયર લીગની એક મહત્ત્વની મૅચમાં મૅન્ચેસ્ટર સિટી અને એએફસી બૉર્નમાઉથ વચ્ચે ટક્કર થઈ હતી અને એ મૅચ 1-1થી ડ્રૉમાં જતાં આ પરિણામ ચૅમ્પિયનપદ આર્સેનલની તરફેણમાં જવા માટે પૂરતું હતું. મૅન્ચેસ્ટર સિટીને આ મૅચ જીતીને સ્પર્ધામાં ટકી રહેવાની તક હતી. બૉર્નમાઉથના એલિ જુનિયર ક્રોઉપાઇએ 38મી મિનિટમાં ગોલ કર્યો હતો.

એ સાથે બૉર્નમાઉથને 1-0થી સરસાઈ મળી હતી. મુખ્ય મૅચની 90મી મિનિટ સુધી મૅન્ચેસ્ટર સિટીની ટીમ ગોલ ન કરી શકતા બૉર્નમાઉથની જીત પાક્કી જણાતી હતી. 90મી મિનિટ પછીના સ્ટૉપેજ ટાઇમની ચોથી મિનિટમાં (કુલ 94મી મિનિટમાં) અર્લિંગ હાલૅન્ડે ગોલ કરીને મૅન્ચેસ્ટર સિટીને 1-1ની બરાબરી અપાવી હતી, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. મૅચ ડ્રૉમાં ગઈ અને આર્સેનલને 37 મૅચમાં સૌથી વધુ 82 પૉઇન્ટ મેળવવા બદલ ચૅમ્પિયન જાહેર કરવામાં આવ્યું હતું.

સોમવારે આર્સેનલની ટીમ બર્નલીને 1-0થી હરાવીને ટાઇટલની લગોલગ પહોંચી ગઈ હતી. ગયા મહિને સિટી સામે આર્સેનલની હાર થઈ હતી, પણ ત્યાર બાદ આર્સેનલે હરીફ ટીમોને એક પણ ગોલ કરવા દીધા વિના સતત ચાર મૅચ જીતીને મોખરાનું સ્થાન મેળવ્યું હતું. માર્ટિન ડેગાર્ડ આર્સેનલનો કૅપ્ટન અને ડેવિડ રૅયા મુખ્ય ગોલકીપર છે.