Fri May 22 2026

Logo

અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ વધતાં વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી ટકેલું વલણ, ચાંદીમાં ધીમો સુધારો

2 days ago
Author: Ramesh Gohil
Article Image

સ્થાનિકમાં ચાંદીમાં રૂ. 1411નો અને સોનામાં રૂ. 522નો ઘટાડો 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
વૈશ્વિક બજારમાં આજે અમેરિકાની 10 વર્ષીય અને 30 વર્ષીય બૉન્ડની યિલ્ડ વધી આવવાની સાથે અમેરિકા-ઈરાન વચ્ચેનો ભૂરાજકીય તણાવ હળવો થવાના આશાવાદ સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના ઘટ્યા મથાળા આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીમાં ઘટ્યા મથાળેથી 1.8 ટકા જેટલો સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે એકંદરે વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો આવ્યો હતો.

તેમ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો 14 પૈસા નબળો પડ્યો હોવાથી આયાત પડતરો વધી આવતાં વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો, જેમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 520થી 522નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1411નો ઘટાડો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ નિરસ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 520ના ઘટાડા સાથે રૂ. 1,57,920 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 522ના ઘટાડા સાથે રૂ. 1,58,555ના મથાળે રહ્યા હતા. તેમ જ ચાંદીના વેરારહિત ધોરણે કિલોદીઠ ભાવ રૂ. 1411ના ઘટાડા સાથે રૂ. 2,67,302ના મથાળે રહ્યા હતા. જોકે, ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી. 

દરમિયાન ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ ગત 30મી માર્ચ પછીની નીચી સપાટી સુધી ઘટી આવ્યા બાદ આજે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આૈંસદીઠ 4480.29 ડૉલર આસપાસની સપાટીએ ટકેલાં રહ્યા હતા અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 4482.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.8 ટકા ઘટીને આૈંસદીઠ 75.13 ડૉલર આસપાસ રહ્યા હતા. 

હાલના તબક્કે મુખ્યત્વે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખુલવા અંગેનો કોઈ પ્રોત્સાહક અહેવાલ આવે અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ જોવા મળે તો સોનાના ભાવમાં સુધારો જોવા મળે તેવી શક્યતા એફએક્સટીએમનાં રિસર્ચ એનાલિસ્ટ લુકમાન ઑટુંગાએ જણાવ્યું હતું. જોકે, અમેરિકા-ઈરાન વચ્ચેની વાટાઘાટો લંબાઈ જાય અને તણાવ વધે તો ફુગાવો વધવાની ભીતિ હેઠળ સોનાના ભાવ વધુ સમય સુધી દબાણ હેઠળ રહે, એમ તેમણે ઉમેર્યું હતું. 

અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે યુદ્ધનો અંત વહેલાસર આવશે એવી શક્યતા વ્યક્ત કરી હોવાના અને ઉપપ્રમુખ ડે ડી વાન્સે વાટાઘાટોમાં પ્રગતિ થઈ રહી હોવાનું જણાવતાં આજે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હતા. તેમ છતાં ભાવ બેરલદીઠ 100 ડૉલરની ઉપર જ અને ડૉલર ઈન્ડેક્સ છ સપ્તાહની ટોચે ક્વૉટ થઈ રહ્યો હતો.

તેમ જ અમેરિકી 30 વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ આજે બે દાયકાની અને 10 વર્ષીય બૉન્ડની યિલ્ડ 16 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી. વધુમાં અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર સુધી વ્યાજદરમાં વધારો કરે તેવી 40 ટકા શક્યતા બજાર વર્તુળો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર મૂકી રહ્યા હતા. જોકે, આજે રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.