Wed May 06 2026

Logo

આજે નંબર-વન પર પંજાબ જ રહેશે કે હૈદરાબાદ બની જશે કિંગ?: વરસાદની આગાહી છે!

2 hours ago
Author: Ajay Motiwala
Article Image

હૈદરાબાદઃ પંજાબ કિંગ્સ (PBKS) ઘણા દિવસોથી આઇપીએલ-26મા નંબર-વનના સ્થાને છે, પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તળિયાના સ્થાનેથી ધીમે-ધીમે પ્રગતિ કરીને ત્રીજા નંબર પર આવી ગયું છે અને આજે સ્થિતિ એવી છે કે પહેલાં ઇશાન કિશનના નેતૃત્વમાં અને હવે પૅટ કમિન્સની કૅપ્ટન્સીમાં હૈદરાબાદની ટીમ સુધરેલા પર્ફોર્મન્સ સાથે પંજાબને લલકારી રહી છે. પંજાબ-હૈદરાબાદ વચ્ચેની આજની મૅચ (સાંજે 7.30 વાગ્યાથી) જીતનારી ટીમ પૉઇન્ટ્સ-ટેબલને નવો વળાંક આપી શકે. જોકે વરસાદ આજે વિઘ્ન બની શકે. મંગળવારે હૈદરાબાદમાં વરસાદ પડ્યો હતો અને આજે વાદળિયું હવામાન રહેવાની સંભાવના છે.

જો પંજાબ આજે જીતશે તો પ્રથમ સ્થાને તો રહેશે જ, એના પૉઇન્ટ 13થી વધીને 15 થઈ જશે, જ્યારે હૈદરાબાદ 12 પૉઇન્ટ સાથે ત્રીજા અથવા ચોથા સ્થાને રહેશે. જોકે હૈદરાબાદ આજે જીતશે તો 14 પૉઇન્ટના મૅજિક નંબર સાથે પંજાબને અવ્વલ સ્થાનેથી ઉથલાવી દેશે. 12 પૉઇન્ટ સાથે બેંગ્લૂરુ બીજા નંબરે, હૈદરાબાદ ત્રીજા નંબરે, રાજસ્થાન ચોથા નંબરે અને ગુજરાત પાંચમા નંબરે છે.

હૈદરાબાદનો કૅપ્ટન પૅટ કમિન્સ હજી સુધી પંજાબના ઓપનર્સ પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહને આઉટ નથી કરી શક્યો. આજે જો કમિન્સ બેમાંથી એક સામે બોલિંગ કરશે તો તેમની સામે કમિન્સની વધુ કસોટી થશે.

પિચ વિશે થોડું જાણીએ...

પંજાબની ટીમે આ વખતે છમાંથી પાંચ મૅચમાં લક્ષ્યાંક ચેઝ કરતી વખતે વિજય મેળવ્યો છે એટલે હૈદરાબાદની ટીમે હોમ-ગ્રાઉન્ડ પર પંજાબ સામે આકરી પરીક્ષા આપવી પડશે. આજની મૅચ બે નંબરની પિચ પર રમાશે. આ પિચ પર 2024માં અને 2025માં નાઇટ મૅચોમાં સરેરાશ ટીમ-સ્કોર 200 રન હતો. આજે બન્ને ટીમના બૅટિંગ પાવરહાઇસ પરથી અંદાજ બાંધી શકાય કે આજે કુલ મળીને 400-પ્લસ રન તો બનશે જ.

હેડ-ટુ-હેડની સ્થિતિ જાણી લો

(1) ગયા મહિને (11મી એપ્રિલે) આ વખતની આઇપીએલના મુકાબલામાં પંજાબે ન્યૂ ચંડીગઢમાં હૈદરાબાદને સાત બૉલ બાકી રાખીને છ વિકેટના માર્જિનથી હૈદરાબાદને હરાવ્યું હતું. હૈદરાબાદે અભિષેક શર્માના 74 રનની મદદથી છ વિકેટે 219 રન બનાવ્યા બાદ પંજાબે કૅપ્ટન શ્રેયસ ઐયરના અણનમ 69 રન, ઓપનર પ્રિયાંશ આર્યના 57 રન તથા પ્રભસિમરન સિંહના 51 રનની મદદથી 18.5 ઓવરમાં ચાર વિકેટે 223 રન બનાવીને મૅચ જીતી લીધી હતી. હૈદરાબાદની ત્યારે ચાર મૅચમાં એ ત્રીજી હાર હતી, પરંતુ ત્યાર બાદ આ ટીમે સારી પ્રગતિ કરી હતી.

(2) હૈદરાબાદ-પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં કુલ પચીસ મૅચ રમાઈ છે જેમાંથી 17 હૈદરાબાદે અને આઠ પંજાબે જીતી છે. બન્ને ટીમે એકમેક સામે 240-પ્લસનો હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો છે. પંજાબ સામે હૈદરાબાદે એક મૅચમાં 247 રન અને અન્ય એક મૅચમાં પંજાબે હૈદરાબાદ વિરુદ્ધ 245 રન કર્યા હતા.
(3) છેલ્લા ચાર મુકાબલામાંથી હૈદરાબાદે ચાર અને પંજાબે ફક્ત એક મૅચમાં જીતી મેળવી છે.