Sat Apr 18 2026

Logo

આ વિશ્વને વધુ અદ્ભુત બનાવવું હોય તો વિઘટનને બદલે સંગમ, સંવાદ કરીએ...

5 days ago
Author: Morari Bapu
Article Image

 

માનસ મંથન - મોરારિબાપુ

પરમાત્માની અસીમ કૃપાથી, આ નિમ્બાર્કધામમાં ત્રિવેણીના તટ પર તીર્થરાજના આંગણામાં રામકથાનો મંગલ આરંભ થઈ રહ્યો છે ત્યારે સૌથી પહેલા હું ભગવાન નિમ્બાર્ક પ્રભુને મારી સમગ્ર ચેતનાથી પ્રણામ કરું છું. પ્રયાગરાજની આ ભૂમિમાં આ વખતે ‘માનસ સંગમ’ વિષય પર કથામાં બોલવાનો મનોરથ કરી રહ્યો છું.

આપણે હનુમાન ચાલીસામાં બોલીએ છીએ કે,
 ‘તુમ ઉપકાર સુગરીવહી કીન્હા,
 રામ મિલાય રાજપદ દીન્હા’ 

મિલાય એટલે સંગમ, જોડવું, મેળવી દેવું, એકબીજામાં આત્મિક ભાવે ઓતપ્રોત કરી દેવું, પરંતુ થોડી પાશ્ર્ચાત્ય અસરથી અને કેટલાક ખરાબ ચલચિત્રોને કારણે કે જે ભારતીય મનીષાની વિરુદ્ધ છે એવા ચલચિત્રોને કારણે સંગમનો અર્થ ખોટો થઈ ગયો. બાકી ‘સંગમ’ શબ્દ તો ‘માનસ’નો છે, વેદોનો છે. સંગમમાં તો સમન્વય કરવાની વાત છે. બે દેહના મિલનની વાત અહીં નથી. બે દિલ મળે, બે આત્મા મળે, બે મન મળે, બે ચિત્ત મળે. સંગમ બહુ પવિત્ર શબ્દ છે. આપણા શરીરમાં પંચતત્ત્વ છે. આપણા શરીરમાં જ્યારે પંચતત્ત્વોમાં સંગમ નથી થતો ત્યારે માણસ બીમાર થઈ જાય છે. ‘રામચરિતમાનસ’ સ્વયં સંવાદનું શાસ્ત્ર છે. સંગમની વિચારધારા બહુ પ્રિય લાગે છે, સુંદર લાગે છે, શ્રેષ્ઠ લાગે છે. સંગમી વિચાર બહુ સુંદર જ હોય છે, પ્યારા હોય છે એટલે મુનિઓના મનને મોહી લે છે.

આજે સમગ્ર વિશ્વમાં સંગમની જરૂર છે. તથાકથિત ધર્મના નામે કેટલું વિઘટન થયું છે ! ધર્મોની પવિત્રતાની વાત જુદી છે, પરંતુ તથાકથિત સંપ્રદાયો, તથાકથિત માન્યતાઓ અને તથાકથિત વિચારધારાઓને કારણે કેટલું બધું વિઘટન થઈ ગયું છે ! ક્યારેક વર્ણના નામે, ક્યારેક જાતિના નામે, ક્યારેક વર્ગોના નામે, ક્યારેક કટર આગ્રહોના નામે દુનિયા તૂટતી જાય છે એ સમયે આપણી પાસે હિન્દુસ્તાનની આ ભૂમિ નથી, પરંતુ સમન્વયની એક ભૂમિકા છે કે જ્યાં ત્રણ નદીઓનો સંગમ છે. અને એ નદીઓ પણ પ્રવાહમાન છે. અહીં જડતા નથી, 
પ્રવાહમાન એકતા છે. હું આચાર્ય ચરણના સ્મરણમાં આ નવ દિવસ કથાનું ગાન કરવા માટે આવ્યો છું. આવો, આપણે સંગમ કરીએ. જીવ - શિવનો સંગમ થાય. દરેક જગ્યાએ સિદ્ધાંતોની બાબતમાં કઈં ને કઈં વિઘટન આવી ગયું છે. એવા સમયમાં સંગમની બહુ જ જરૂરત છે.
ક્યારેક દ્વૈત., ક્યારેક અદ્વૈત. એ બધા પોતપોતાને સ્થાને ઉત્તમ છે. એમાં આપણા પરમ પૂજ્ય પૂર્વચાર્યઓનો મહિમા છુપાયેલો છે, પરંતુ આપણે મિલન નથી કરી શકતા. આપણે તૂટતા જઈએ છીએ. આપણે આપણા આગ્રહો અને જીદ પર અડગ છીએ! એવા સમયમાં સંગમની ખૂબ આવશ્યકતા છે. એટલા માટે મેં વિચાર્યું કે માનસ સંગમ પર થોડી વાતો કરીએ. રામચરિતમાનસના સોપાનમાં પ્રગટ- અપ્રગટ સંગમ છે. 

સાતેય સોપાનમાં ક્યાંક વિચારોનો સંગમ છે, ક્યાંક સિદ્ધાંતોનો સંગમ છે, ક્યાંક મતોનો સંગમ છે ક્યાંક વ્યક્તિ- વ્યક્તિનો સંગમ છે. અહીં માત્ર નદીઓનો જ સંગમ નથી. નદીઓનો સંગમ તો જો કે પ્રવાહ છે, છતાં પણ એ ભૌતિક અથવા તો સ્થૂળ મનાશે, પરંતુ આપણી આ ભૂમિમાં ઈશ્વરે કેટલો વૈચારિક સંગમ આપ્યો છે ! આ ભૂમિ સંગમની છે. સામાજિક ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર, આર્થિક ક્ષેત્ર, ધાર્મિક ક્ષેત્ર,આધ્યાત્મિક ક્ષેત્ર, પારિવારિક ક્ષેત્ર; જેટલા ક્ષેત્રોનો વર્ગ કરો સૌનું આ તીર્થંરાજ મિલન કરાવે છે. અને આ રીતે સંગમિત થવાની બહુ જ જરૂર છે. શસ્ત્ર તોડી નાખે છે, શાસ્ત્ર ક્યારેક અને ક્યારેક જોડ્યા વિના રહી નથી શકતા, શસ્ત્રનું કામ છે તોડવાનું કે કાપવાનું. શસ્ત્ર નિરંતર કાપે છે અને શાસ્ત્ર સદૈવ જોડે છે આ શાસ્ત્રની અને સંગમની ભૂમિ છે.

બિલકુલ સ્થૂળ ભૂમિકા એથી મારે શરૂ કરવું છે; એકદમ સ્થૂળ સંબંધના સંગમ. નર અને નારી, ત્યાંથી શરૂ કરી રહ્યો છું. ચાલો, પતિ- પત્ની, પરણેલા સ્ત્રી પુરુષ. માત્ર શરીરથી એકબીજાનું મિલન થઈ જાય એ પર્યાપ્ત નથી. મારી વ્યાસપીઠ ને આપની સાથે સંવાદ કરવો છે કે પતિ અને પત્ની બંનેના મનનો સંગમ થાય એ જરૂરી છે. શરીરથી તો બધા સાથે સાથે ચાલે છે. શરીરનો સંગમ ભોગ સુધી લઈ જઈ શકે છે, પરંતુ એકબીજાના મનનો સંગમ માણસને યોગ સુધી લઈ જાય છે. તન તો નશ્વર છે; મન તો ખબર નહીં, કેટલા જન્મોથી આપણી સાથે છે ! જેવી રીતે વાયુ સુગંધ લઈને ચાલે છે, એમ જનમ જનમનું આપણું મન આપણું સંગીત બનીને ચાલતું રહે છે. શાશ્વતનો સંઘ યોગ તરફ લઈ જશે; નાશવંતનો સંઘ સંભવ છે કે ભોગ તરફ લઈ જાય. બીજો સંગમ થાય માતા--પિતા અને સંતાન વચ્ચે. માતા--પિતા અને સંતાનના મનનો મેળ હોય. માતા--પિતા કંઈક જુદું વિચારે છે, સંતાનો કંઈક જુદું વિચારે છે અને એટલે એકબીજા વચ્ચે અંતર વધતું જાય. કંઈક સંવાદ કરી શકે તો એ સત્સંગ કરી શકે છે, પ્રયોગ કરી શકે છે; સંગમની આ ભૂમિ કરી શકે છે. તો સંતાન અને માતા- પિતા વચ્ચે સંગમ થવો જોઈએ. બંને વચ્ચે ખૂબ જ મોટી ખાય ઊભી થઈ ગઈ છે. સંતાનોને એવું લાગે છે કે અમારા માતા- પિતા અમારી મોટી સમસ્યા બની ગયા છે ! જો સંતાનો માતા--પિતાને સમસ્યા ન માનતા હોત તો આપણા દેશમાં વૃદ્ધાશ્રમો ન હોત.

મારાં યુવાન ભાઈઓ- બહેનો, એક વાત કહું કે કોઈપણ સમસ્યાને જ્યારે આપણે અકારણ મોટી બનાવી દઈએ છીએ ત્યારે આપણે બહુ નાના થઈ જઈએ છીએ. નાના થવાથી બચવું હોય તો સમસ્યાઓને એટલું બધું મહત્ત્વ ન આપો;. કોઈપણ વસ્તુને એવું મહત્ત્વ ન આપો. ઈજ્જત શાસ્ત્રને આપો, સાધુ- સંતોને આપો. ઇજ્જત શાલીનતાને આપો, મૂલ્યોને આપો. સમસ્યાઓને મહત્ત્વ આપીએ છીએ ત્યારે આપણે બહુ નાના થઈ જઈએ છીએ. હું યુવાનોને એટલું જ કહીશ કે માતા-પિતાનો સ્વભાવ જૂનો છે; એ નહીં સમજે; એમની જૂની આદતો નહીં જાય. તમે સમજી જાઓ બેટા, તમે હજી તાજાં ફૂલો છો. તમે સુધરી જાઓ. સંતાન અને માતા- પિતા વચ્ચે એક સંગમ થશે તો બહુ મોટી ઘટના ઘટી શકશે. ત્રીજું છે રાજા અને પ્રજા વચ્ચેનું મિલન. રાજા અને પ્રજાના મનનો સંગમ રચાય. જા અને પ્રજાની વાત છોડી દો; તમારા પરિવારમાં જે સેવકગણ હોય એને પણ તમે ગમવા જોઈએ એની વચ્ચે પણ સંગમ રચાવવો જોઈએ.

(સંકલન : જયદેવ માંકડ)