Wed May 06 2026

Logo

મધ્ય પૂર્વમાં ભૂરાજકીય તણાવ અને ક્રૂડતેલ ઉછળતાં રૂપિયો 39 પૈસા ગબડીને નવાં તળિયે

1 day ago
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ વૈશ્વિક સ્તરે મધ્ય પૂર્વના દેશોમાં ભૂરાજકીય તણાવથી આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં તેજીનું વલણ રહેતાં ફુગાવો વધવાની અને તેને કારણે વૈશ્વિક અર્થતંત્રો પર માઠી અસર પડવાની ભીતિ હેઠળ આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન એક તબક્કે 40 પૈસા ગબડીને 95.24ની નવી ઐતિહાસિક નીચી સપાટીએ રહ્યા બાદ અંતે આગલા બંધ સામે 39 પૈસાના ઘટાડા સાથે 95.23ના મથાળે બંધ રહ્યો હતો. ફોરેક્સ ટ્રેડરોના જણાવ્યાનુસાર આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવ વધીને ફરી બેરલદીઠ 110 ડૉલરની સપાટી પાર કરી જતાં તેલ આયાત પર નિર્ભર એવા ભારત જેવાં અર્થતંત્રોના ચલણ દબાણ હેઠળ આવ્યા હતા. વધુમાં વૈશ્વિક સ્તરે ભૂરાજકીય અનિશ્ચિતતા અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીના દબાણને કારણે રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત ગુરુવારના 94.84ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 94.95ની સપાટીએ ખૂલ્યા બાદ નીચામાં 95.24 અને ઉપરમાં 94.80ની રેન્જમાં રહીને અંતે આગલા બંધ સામે 39 પૈસાના કડાકા સાથે 95.23ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે સ્થાનિક બજાર મહારાષ્ટ્ર દિન નિમિત્તે બંધ રહી હતી.  

આજે ક્રૂડતેલના ભાવમાં વધારા ઉપરાંત ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ અને ક્રૂડતેલના ભાવ વધતાં દેશની વેપાર ખાધ પર માઠી અસર પડે તેવી ભીતિને કારણે આજે ડૉલર સામે રૂપિયામાં ઐતિહાસિક નીચી સપાટી જોવા મળી હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં વિશ્લેષક દિલીપ પરમારે જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલરમાં લેવાલીનું પ્રમાણ જળવાઈ રહેતાં ડૉલર સામે રૂપિયો 95.35થી 95.70 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.11 ટકા વધીને 98.26 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 1.37 ટકા વધીને બેરલદીઠ 109.65 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગત ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 8047.86 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હતો. તેમ છતાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 355.90 પૉઈન્ટનો અને 121.75 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.