Wed May 06 2026

Logo

ગુજરાતમાં ક્યા 4 બંદરોને આધુનિક બનાવવા માટે મંગાવાયા પ્રોજેક્ટ રીપોર્ટ ?

1 day ago
Author: Savan Zalariya
Article Image

ગાંધીનગર: ગુજરાત ભારતનું અગ્રણી મેરીટાઈમ હબ છે, દેશના લગભગ 41% મેરીટાઈમ કાર્ગોનું સંચાલન ગુજરાતના બંધારોથી થાય છે. એવામાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) એ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ચાર બંદરોનું આધુનિકીકરણ કરવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલ મુજબ જામનગર, ઓખા, પોરબંદર અને ભાવનગરનો પોર્ટના વિકાસ માટે GMB એ ડીટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવા માટે બિડ મંગાવ્યા છે.
 
GMB ના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક ધોરણોને અનુરૂપ આધુનિક, કાર્યક્ષમ, સુરક્ષિત અને ટકાઉ દરિયાઈ માળખાગત સુવિધા વિકસાવવાની વ્યાપક યોજનાના ભાગ રૂપે બંદરોનું આધુનિકીકરણ કરવું જરૂરી છે. આ કાર્યનો હેતુ બંદરોની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતામાં વધારો કરવા અને લોજિસ્ટિક્સ નેટવર્કને મજબૂત બનાવવાનો છે.

બિડ મળ્યા બાદ GMB કન્સલ્ટન્ટની નિમણુક કરશે. અહેવાલ મુજબ કન્સલ્ટન્ટને અંતરિયાળ વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસનું મૂલ્યાંકન કરવા માટે ટ્રાફિક જરૂરીયાતના અહેવાલો તૈયાર કરવાના રહેશે. કન્સલ્ટન્ટને કાર્યક્ષેત્રમાં દરિયામાં તોફાન દરમિયાન આવતા મોજા, ડિઝાઇન વેવ્ઝ અને મૂરિંગ એનાલિસિસ વગેરે મેથેમેટિકલ મોડેલનો અભ્યાસ કરવાનો રહેશે.

વધુમાં કન્સલ્ટન્ટને નેવિગેશનલ એઇડ્સ અને પોર્ટ ક્રાફ્ટ માટે વિગતવાર યોજનાઓ તૈયાર કરવાની રહેશે, અને પ્રોજેક્ટ અમલીકરણ માટે EPC, PPP અને HAM મોડેલ હેઠળ ટેન્ડર દસ્તાવેજોનો મુસદ્દો તૈયાર કરવાનો રહેશે, આ સમગ્ર ડોકયુમેન્ટ્સ 18 મહિનામાં સોંપવાના રહેશે.