Fri May 08 2026

Logo

સર્જકના સથવારે : ‘બેફામ’ના પ્રબળ ને સબળ પ્રદાનથી ગુજરાતી ગઝલને ગુણવત્તા મળી

5 days ago
Author: Ramesh Purohit
Article Image

 

 

 

- રમેશ પુરોહિત

 

શાયર બરકતઅલી ગુલામઅલી વિરાણી

 

ગુજરાતી ગઝલના શિરમોર સિતારાઓમાં એક એવા આપણાં લોકપ્રિય શાયર બરકતઅલી ગુલામઅલી વિરાણી એટલે ‘બેફામ’ કોઈ પરિચયના મોહતાજ નથી. ઐતિહાસિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને તેઓના જીવન-કવનની સાચી માહિતી સચવાઈ રહે એ જરૂરી છે.

 

આપણા આ ગઝલકારનો જન્મ ભાવનગર જિલ્લાના સિહોર પાસેના ધાંધળી ગામે પચીસ જાન્યુઆરી, 1923ના રોજ થયો હતો. તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. ગઝલ લખવાની તાલીમ ગુરુ કિસ્મત કુરેશી પાસેથી લીધી હતી. 1945માં એક મુશાયરામાં ભાગ લેવા માટે આવેલા ગુજરાતી ગઝલના શિરમોર શયદાસાહેબ સાથે તેમની મુલાકાત ભાવનગરમાં થઈ હતી. શયદાએ બેફામને મુંબઈ આવી ‘બે ઘડી મોજ’ સામયિકમાં જોડાવાનું આમંત્રણ આપ્યું. 1945માં બેફામ મુંબઈમાં સ્થાયી થયા. ‘બે ઘડી મોજ’ પછી ‘વતન’માં જોડાયા. 1946માં મુંબઈ કેન્દ્ર ઓલ ઈન્ડિયા રેડિયોમાં જોડાયા અને 1983 સુધી નિવૃત્તિ પર્યન્ત ત્યાં સેવા આપી. 1952માં કવિ ‘શયદા’ સાહેબની મોટી પુત્રી રુકૈયા સાથે તેમના નિકાહ થયા હતા. મુંબઈમાં રહીને એમણે ગુજરાતી ફિલ્મોમાં ગીતો લખ્યા હતાં, અભિનય પણ કર્યો હતો.

 

ગુજરાતી ગઝલ સાચા સ્વરૂપે બાહ્ય અને આંતરિક રીતે ગુજરાતણ બની તેમાં શયદાની પેઢીના શાયરોનો ફાળો નાનોસૂનો નથી. આમાંના એક પાયાના પથ્થર એટલે ‘બેફામ’, એમના અવાજમાં ખરજનો રણકાર, ગમગીનીની ઝાંય અને ઘેઘૂરતાનાં સ્પંદનો હતાં. એટલે રેડિયો પર પ્રસારિત થતાં નાટકોમાં એમનો અવાજ બધાથી અલગ પડી જતો અને શ્રોતાને આ કોણ બોલી રહ્યું તેની ઓળખાણ થઈ જતી. ‘બેફામ’ ઉપનામ હતું પણ વ્યક્તિત્વ સાલસ અને નિખાલસ હતું.

 

બેફામની પહેલી ગઝલ 21મી સપ્ટેમ્બરે 1941માં લખાણી. એમનો પ્રથમ ગઝલ સંગ્રહ ‘માનસર’ 1960માં, ‘ઘટા’ 1970માં અને ‘પ્યાસ’ 1980માં આવ્યા. આ ઉપરાંત તેમણે ‘આગ અને અજવાળાં’ (1956), અને ‘જીવતા સૂર’ (1956) ને નવલિકા સંગ્રહો તેમજ ‘રસસુગંધ’ (ભાગ. 1-2) (1966) નામની નવલકથા પણ આપી છે. ગદ્યમાં લખતા હતા પણ ગુજરાતી પ્રજામાં તેઓ એક લોકપ્રિય સફળ ગઝલકાર તરીકે વધુ ઓળખાય છે.

 

પારંપરિત ગુજરાતી ગઝલના અગ્રગણ્ય ગઝલકાર તેમની ગઝલોની સંખ્યા ઉપરાંત ગુણવત્તા નોંધપાત્ર છે. અલગ અંદાઝ - એ - બયાંથી એ મુશાયરાઓમાં છવાઈ જતા હતા. આપણાં મનના માનસરોવરમાંથી કાવ્યરૂપી મોતીઓ નીપજે તો તે ધન્ય ભાગ ગણાય છે આવું સદ્ભાગ્ય બેફામને મળ્યું. એમણે માનસરની પ્રસ્તાવનામાં લખ્યું છે કે ‘માનવીના બે વ્યક્તિત્વ છે - એક બહારનું, બીજું અંદરનું. એક જગત જુએ છે એવું, બીજું પોતાની જાત જાણે છે એવું.’

 

સતત પાંચ દાયકા સુધી સર્જન કરીને ગઝલોને મુશાયરાઓ અને માધ્યમો દ્વારા લોકો પહોંચાડીને આયખું આખું ગઝલ સાધના પાછળ ખરચી નાખ્યું છે. એટલે એમની ગઝલમાં અનુભવની મહેક છે, આંતરખોજની ગહેક છે અને ચિંતનની ઝલક છે.

 

બેફામની ગઝલમાં જિંદગીની સાથે સાથે શ્ર્વાસ ભરતું મૃત્યુ છૂપે પગે આવી જાય છે. એમના સભાન કે અભાન મનમાં કાં તો મૃત્યુનો સતત પડછાયો છે કે કાં તો એ મૃત્યુને અવસર માને છે. જીવનના કડવા અનુભવો, સંઘર્ષ અને લોકોની બેદિલી અને બેરહમીએ ક્યાંક ક્યાંક એવાં ઝખ્મો કર્યાં છે કે કવિનાં કવનમાં આ સરવાણી ક્યારેય સુકાતી નથી. એ ક્યારેક માગે છે તો માગી માગીને શ્ર્વાસ અને પ્યાસ માગી શકે છે. જેમ કે:

 

જગત છે ઝાંઝવા પણ મને લાગવા તો દો

મને ન પાણી ભલે આપો, પ્યાસ તો આપો.

બેફામ શબ્દના વિવિધ અર્થોને એક જ શેરમાં આવી રીતે વ્યક્ત કરી શકે છે:

મારું સ્વમાન મારા બધા મિત્રને ગમ્યું

બનતો નથી હું ભાર રહું છું જો ભારમાં

જમાનાની જ ગરદિશની અસર છે જામમાં નહિ તો

ચડે છે ફેર બસ એથી જ સઘળો ફેર લાગે છે

બરકતભાઈએ ગઝલ, મુકતક અને નઝમો લખ્યાં છે. એમની પાસે શબ્દની સાધના અને આરાધનાનો મલાજો હતો. એમની ગઝલમાં સિતારાઓની મસ્તી અમસ્તી નથી આવી:

સિતારા આભે આપોઆપ કંઈ ઊગી 

નથી નીકળ્યા

અમે રાતોના જાગી જાગીને એ ધરતી ખેડી છે

બેફામની મોટાભાગની ગઝલોમાં જિગરના ઝખ્મની, જીવનના ગમની, કંટકોની અને દર્દની દાસ્તાન છે. એમણે ઝખ્મો સહ્યાં છે પણ સંઘર્યાં નથી:

નહિ તો ઝખમ બનીને એ તમને જ પીડશે

દુનિયાના ઘાવ દિલમાં કદી સંઘરો નહીં

દરેક વ્યક્તિને પોતાની વ્યથા હોય છે સામાન્ય માનવી દુ:ખદર્દની દાસ્તાન કહી શકતો નથી અને સહી પણ શકતો નથી. કવિ આવાં દુ:ખોને એવી રીતે વાચા આપે છે કે એ વિધાન સીધેસીધું વાચકના દિલમાં વસી જાય છે. કાવ્યાત્મક રીતે વ્યક્ત થતી વેદના એ રોદણાં નથી પણ વાસ્તવિકતા છે. કેટલાક 

લોકો વ્યથા વ્યક્ત કરી શકતા નથી. 

આંખમાં આવેલાં આંસુઓ રોકી રાખવાં પડે એવી સ્થિતિ હોય ત્યારે કોઈ 

હમદર્દની જરૂર લાગે છે. બેફામ આવી પરિસ્થિતિને કેવી સરસ રીતે શબ્દદેહ આપે છે તે જોઈએ:

તમારી મહેરબાની કે તમે દિલમાં લૂછી લો છો

ઘણાંયે અશ્રુઓ વહેતા નથી મારાં નયનમાંથી

જીવનની દુ:ખકથા હસતાં જ કહેવી પડી મારે

કે મારામાં બધાને રસ હતો પણ લાગણી નહોતી

દુ:ખો જોયા પછી ના રસ રહ્યો દુનિયાને જોવામાં

નયનના નૂર પણ ચાલ્યાં નયનના નીરની પાછળ

શબ્દના બંદા બેફામે ગઝલની બારીકાઈઓને બરકરાર રાખીને બરકત આપી હતી. માણસના ચહેરા પર દેખાતા સ્મિતનો ફાલ કઈ રીતે ઉતર્યો છે એની સરસ વાત આ રીતે કરવામાં આવી છે:

અશ્રુ પછીના સ્મિતનું આ દૃશ્ય તો જુઓ

વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે

એમણે વિરહની વેદનાને વલૂરી નથી પણ

વ્યથાને તેના તીવ્રતમ સ્વરૂપે અભિવ્યક્ત કરી છે:

મળે છે શત્રુ તો એનીય સાથે દિલ મિલાવું છું

સમય તારા વિરહનો જો કે કઈ રીતે વિતાવું છું

મે કર્યો એક જ સ્થળે ઊભા રહીને ઈન્તિઝાર

એટલે તારા સુધી મારાથી પહોંચી શકાયું નહીં.