Fri May 08 2026

Logo

યુદ્ધની આગમાં હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતનું વહાણ 'ડૂબ્યું': એકનું મોત, 17નો આબાદ 'બચાવ'

Tehran   1 hour ago
Author: Mumbai Samachar Team
Article Image

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસરમાં સલાયાનું વહાણ ડૂબતા પંથકમાં અરેરાટી

યમન/દેવભૂમિ દ્વારકાઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે આખું વિશ્વ પરેશાન છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવામાં આવ્યો તેના કારણે વૈશ્વિક વેપાર ખોરવાયો છે. આની અસર ભારત સહિત ગુજરાતને પણ થઈ રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનું એક માલવાહક વહાણ ડૂબ્યું છે. જોકે, એવો પણ દાવો કરવામાં આવે છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા ગોળીબારમાં આ વહાણ ડૂબ્યું છે. દુઃખની વાત એ છે કે આ ઘટનામાં એક ખલાસીનું મોત પણ થયું છે. અલ્તાફ તાલબ કેર નામનો ખલાસી વહાણના એન્જિનરૂમમાં કામ કરતો હતો. તેના મોતના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

17થી વધુ ખલાસીનો બચાવ

મળતી માહિતી પ્રમાણે આ વહાણ ડૂબ્યું તેના કારણે 1 ખલાસીનું મોત થયું છે, જ્યારે 17થી વધુ ખલાસીઓનો બચાવ કરી લેવામાં આવ્યો છે. આ ઘટના મામટે ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશન દ્વારા દુબઈમાં આવેલા ભારતીય દૂતાવાસને પણ જાણ કરીને મતત માંગવામાં આવી છે. જે 17 લોકોનો બચાવ થયો છે, જેમનો એક વીડિયો અત્યારે વાયરલ થયો છે. 

ક્યાં જઈ રહ્યું હતું આ વહાણ? 

વિગતે વાત કરવામાં આવે તો મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે માલવાહક વહાણ MSV AL FAIZE NOORE SULEMANI-I 18 ખલાસીઓ સાથે દુબઈથી જનરલ કાર્ગો ભરીને 7 મેના રોજ નીકળ્યું હતું. આ વહાણ જ્યારે યમનના મુકાલા બંદર તરફ જઈ રહ્યું હતું ત્યારે ઈરાન અને અમેરિકન નેવી વચ્ચે ફાયરિંગ શરૂ થયું હતું. આ ફાયરિંગનો ભોગ માલવાહક વહાણ MSV AL FAIZE NOORE SULEMANI-I બન્યું અને દરિયામાં સમાધીધીન બન્યું હતું. 

પ્રેમ સાગર-I દેવદૂત બનીને આવ્યું

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફાયરિંગના કારણે વહાણને ભારે નુકસાન થયું હતુ. સ્વાભાવિક છે કે ગોળીબારના કારણે કાણાં પડ્યા અને વહાણમાં પાણી ભરાઈ ગયું હતું. પાણી વધી ગયું હોવાના કારણે તે ડૂબી ગયું હતું. જેમાં એન્જિન રૂમમાં કામ કરી રહેલા એક ખલાસીનું વહાણમાં જ મોત થઈ ગયું હતું. 

MSV પ્રેમ સાગર-I અહીંથી પસાર થઈ રહ્યું હતું તે આ વહાણની વહારે આવ્યું હતું. MSV પ્રેમ સાગર-Iએ 17 ખલાસીઓનો જીવ બચાવ્યો અને તેમને દુબઈ પોર્ટ પર પહોંચાડ્યાં હતા. ગુજરાતના વહાણના ખલાસીઓ માટે MSV પ્રેમ સાગર-I દેવદૂત બનીને આવ્યું હતું