અમદાવાદઃ બનાસકાંઠાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) એ આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટના સંબંધમાં વધુ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે, જેમાં 'મુરુગન ગેંગ'ની બે મુખ્ય મહિલા કાર્યકર અને પોતાની નવજાત પુત્રીને વેચનાર એક વ્યક્તિનો સમાવેશ થાય છે. આ ધરપકડ સાથે, આ કેસમાં પકડાયેલા આરોપીઓની કુલ સંખ્યા 10 થઈ ગઈ છે.
ટેકનિકલ સર્વેલન્સ ઇનપુટ્સના આધારે, એલસીબી ટીમોએ તેલંગાણા સુધીના નેટવર્કને શોધી કાઢ્યું અને સિકંદરાબાદથી બે મુખ્ય શંકાસ્પદો, રાની અને શિવાનીની ધરપકડ કરી હતી. બંને પશ્ચિમ મેરેડપલીના રહેવાસી છે અને અગાઉ ધરપકડ કરાયેલા સાત આરોપીની પૂછપરછના આધારે તેમની ઓળખ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગ મુખ્યત્વે નિઃસંતાન દંપતી પર નજર રાખતા હતા. શરૂઆત હૈદરાબાદના આઈવીએફ સેન્ટર પર આવતા દંપતીઓથી થઈ હતી. એજન્ટોને પ્રતિ બાળક 15,000 થી 20,000 રૂપિયા સુધીનું કમિશન મળતું હતું. ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોમાંથી જન્મના 24 થી 48 કલાકની અંદર શિશુઓની તસ્કરી કરવામાં આવતી હતી.
આ સાથે પોતાની માત્ર પાંચ દિવસની બાળકીને રૂ. 2.8 લાખમાં વેચવા માટે દાંતાના એક વ્યક્તિની પણ ધરપકડ પોલીસે કરી હતી. પોલીસે માસ્ટરમાઈન્ડ મુરુગનની પણ ધરપકડ કરી હતી.