Wed May 06 2026

Logo

અમદાવાદમાં પ્રેમ સમસ્યાના ઉકેલ માટે ગયેલી યુવતીનાં કપડાં ઉતરાવી બ્લેકમેલ કરી 42 લાખ પડાવ્યા

1 day ago
Author: Mayurkumar Patel
Article Image

અમદાવાદઃ શહેરમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમ સમસ્યાના ઉકેલ માટે ગયેલી યુવતી ઠગોની જાળમાં ફસાઈ હતી. જે બાદ તેને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. ઉપરાંત આર્થિક નુકસાનીનો ભોગ પણ બનવું પડ્યું હતું. ઠગોએ પહેલા તેને મજબૂર કરી અને નગ્ન વીડિયો કૉલ કરાવ્યો હતો. જે બાદ બ્લેકમેલ કરીને લાખો રૂપિયા ઠગ્યા હતા. આરોપીઓ આ રીતે અત્યાર સુધીમાં 40 થી 42 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે.

શું છે મામલો

પીડિતાએ ઈન્સ્ટાગ્રામ પર જ્યોતિષી પૂજા કિન્નર મા નામના આઈડી પર સંપર્ક કર્યો હતો. જેના પર પ્રેમ, લગ્ન તથા અંગત જીવન સાથે જોડાયેલી સમસ્યાનું સમાધાન જ્યોતિષ તથા અનુષ્ઠાનથી કરવામાં આવતું હોવાનો દાવો કર્યો હતો. યુવતીએ તેના પ્રેમ સંબંધની સમસ્યાના ઉકેલ માટે આરોપી સાથે વાતચીત શરૂ કરી હતી. શરૂઆતમાં આરોપીએ સામાન્ય વાતચીત કરીને એક અનુષ્ઠાન કરવાની સલાહ આપી હતી.

અનુષ્ઠાનના નામે આરોપીએ પીડિતા પાસે તેની તસવીરો મંગાવી હતી. જે બાદ તસવીરોને એડિટ કરીને આપત્તિજનક બનાવી હતી. ઉપરાંત સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. ધીમે ધીમે યુવતી પર દબાણ વધારવામાં આવ્યું હતું અને તેને વીડિયો કૉલ કરવાનું કહેવાયું હતું. કૉલ દરમિયાન તેને કપડાં ઉતારવા મજબૂર કરવામાં આવી હતી. જેનું આરોપીએ સ્ક્રીન રેકોર્કિંગ કરી લીધું હતું. બાદમાં આ રેકોર્ડિંગ દ્વારા યુવતીને બ્લેકમેલ કરવામાં આવી હતી અને પૈસાની માંગ કરવામાં આવી હતી.

ડર અને બદનામીના કારણે યુવતીએ આરોપીઓને 1.43 લાખ રૂપિયા આપી દીધા હતા. જ્યારે પૈસાની સતત માંગ વધતી રહી ત્યારે હિંમત દાખવીને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને બિકાનેરથી રજનીશ ભાર્ગવ નામના આરોપીની ધરપકડ કરી હતી. તેના બે સાથી વિકાસ ભાર્ગવ અને રવિ ભાર્ગવ ફરાર છે, જેને ઝડપવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી પ્રોફાઈલ બનાવીને લોકોને નિશાન બનાવતા હતા. લોકો તેમની જાળમાં ફસાઈ જાય તે માટે તેઓ જ્યોતિષ, કિન્નર ગુરુ કે માતાજીના રૂપમાં ઓળખ આવતા હતા. આરોપીઓ પ્રેમ, લગ્ન, કરિયર કે પારિવારિક સમસ્યાઓના સમાધાનનો દાવો કરતા હતા. તેઓની એક મોડર ઓપરેન્ડી હતી. જે મુજબ, લોકોનો સંપર્ક કરી તેમનો વિશ્વાસ કેળવતા હતા. આ પછી નાના-નાના અનુષ્ઠાનના નામ પર 3000-15,000 રૂપિયા ચાર્જ સવૂલતા હતા. જ્યારે કોઈ વ્યક્તિ તેમની જાળમાં ફસાય જાય ત્યારે તેની અંગત તસ્વીરો અને વીડિયો મંગાવીને બ્લેકમેલ કરતા હતા.

અઢી વર્ષથી કરતા હતા આ કામ

આરોપીઓ છેલ્લા અઢી વર્ષથી આ ગતિવિધિમાં સામેલ હતા. તેઓ રોજ આશરે 300 લોકોને કૉલ કરતા હતા, જેમાંથી 60 થી 65 લોકો જાળમાં ફસાતા હતા. આ રીતે  સેંકડો લોકોને શિકાર બનાવીને આશરે 40 થી 42 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. 

આરોપીઓ અસલી ઓળખ છુપાવતા હતા

તપાસમાં સામે આવેલી વિગત પ્રમાણે, આરોપીએ ઓળખ છુપાવવા અલગ-અલગ મોબાઈલ નંબરો અને બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. તેઓ ક્યારેય સામે આવતા નહોતા અને અસલી ઓળખ છુપાવી રાખતા હતા. મોટા ભાગે તેઓ કિન્નર મા નામનો ઉપયોગ કરતા હતા.

પોલીસે શું કહ્યું

પોલીસના જણાવ્યા પ્રમાણે, આવા કિસ્સામાં પીડિત સામાજિક બદનામીના ડરથી ફરિયાદ નોંધાવતા નથી, જેના કારણે ગુનેગારોની હિંમત વધે છે. પોલીસે સોશિયલ મીડિયા પર કોઈપણ અજાણી વ્યક્તિથી સતર્ક રહેવા અને પોતાની ખાનગી જાણકારી કે તસવીરો શેર ન કરવા અપીલ કરી હતી.