Fri May 01 2026

Logo

રેલવેમાં વિચિત્ર હરકતઃ ઝાડના થડને ટ્રેનના કોચની બહાર બાંધીને લઇ જવાના કિસ્સામાં 6 જણ સામે કેસ

2026-03-04 19:37:06
Author: Mumbai Samachar Team
Article Image

વિરારથી માહિમ સુધી હોળી માટે સોપારીનું ઝાડ લઈ જવાની જોખમી હરકતનો વીડિયો વાયરલ થતા રેલવે એક્શનમાં

મુંબઈઃ મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનમાં એક અત્યંત જોખમી અને વિચિત્ર ઘટના સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. પાલઘરના વિરારથી માહિમ જતી લોકલ ટ્રેનમાં કેટલાક લોકોએ હોળીની ઉજવણી માટે સોપારીના ઝાડના આખા થડને ટ્રેનના કોચની બહાર બાંધી દીધું હતું. આ થડ એટલું લાંબુ હતું કે તેણે ટ્રેનના ત્રણ દરવાજા બ્લોક કરી દીધા હતા, જે વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી.

પાલઘર જિલ્લાના વિરારથી મુંબઈના માહિમ જતી ઉપનગરીય ટ્રેનના દરવાજા સાથે હોળીની ઉજવણી માટે સોપારીના ઝાડના થડને બાંધીને લઈ જવાના આરોપમાં છ વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. મંગળવારે એક X યુઝરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં એક કોચની બહાર એક ઝાડનું લાંબુ થડ આડું બાંધેલું હતું, જે કોચના ચાર દરવાજામાંથી ઓછામાં ઓછા ત્રણ દરવાજાને અવરોધતું જોવા મળ્યું હતું. તેણે રેલ્વે અધિકારીઓને પણ ટેગ કર્યા.  

વીડિયો શેર કરનાર X યુઝરે પોસ્ટમાં દાવો કર્યો છે કે હોળીની ઉજવણી માટે વિરારથી માહિમ સુધી વૃક્ષો લઈ જવાની પ્રથા બ્રિટિશ યુગની છે. વિડિઓમાં પૂજા કર્યા પછી વૃક્ષ કાપવાથી લઈને સમગ્ર પ્રક્રિયા દર્શાવવામાં આવી છે.

આ બાબતમાં સોશિયલ મીડિયા પરના પ્લેટફોર્મ X પર પોસ્ટ કરાયેલા સત્તાવાર જવાબમાં પશ્ચિમ રેલવે મુંબઈ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર (DRM)એ જણાવ્યું હતું કે મુસાફરોની સલામતી માટે  ઉપનગરીય ટ્રેનોમાં ભારે વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે અને આ કેસમાં પહેલાથી જ કાર્યવાહી કરવામાં આવી છે. સંડોવાયેલા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને રેલવે કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર સોમવારે બોરીવલી ખાતે આ ઘટનાના સંબંધમાં છ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી, જેના કારણે મધ્યરાત્રિ પછી લગભગ 20 મિનિટ સુધી સેવાઓમાં થોડો વિક્ષેપ પડ્યો હતો. 

ટ્રેનના ગાર્ડે અધિકારીઓને જાણ કરી કે કેટલાક લોકોએ કોચ નંબર 5294/C સાથે ઝાડનું થડ બાંધી દીધું છે, જેના કારણે મુસાફરો એક બાજુથી પ્રવેશી રહ્યા છે ત્યાર બાદ સલામતીના પગલા રૂપે ટ્રેનને રોકવામાં આવી હતી. આરોપીઓ સામે રેલવે એક્ટની કલમ 145(B) અને 145(c) હેઠળ ઉપદ્રવ અને અવરોધ ઊભો કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.
(પીટીઆઈ)