Mon Sep 28 2026

Logo

કચ્છ પર મેઘમહેર: ૪૮ કલાકમાં મોસમનો ૨૭ ટકા વરસાદ ખાબકતાં સરેરાશ ૫૬ ટકાને પાર, કારાઘોઘા ડેમ છલકાયો

2026-09-16 10:24:21
Author: Mayur Patel
કચ્છ પર મેઘમહેર: ૪૮ કલાકમાં મોસમનો ૨૭ ટકા વરસાદ ખાબકતાં સરેરાશ ૫૬ ટકાને પાર, કારાઘોઘા ડેમ છલકાયો

ભુજ: બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના હળવા દબાણ અને મોન્સૂન ટ્રફના સંયુક્ત પ્રભાવ હેઠળ કચ્છ જિલ્લામાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન સાર્વત્રિક અનરાધાર મેઘવૃષ્ટિ નોંધાઈ છે. ૭ જુલાઈએ નૈઋત્યના ચોમાસાના આગમન બાદ જિલ્લામાં માત્ર ૨૯ ટકા વરસાદ પડ્યો હતો, પરંતુ પાછલા બે દિવસમાં લાંબી મેઘતૃષ્ણા બાદ થયેલી મેઘરાજાની પધરામણી થકી ૨૭ ટકાથી વધુ વરસાદ એકસાથે ખાબકતાં કુલ સરેરાશ આંકડો ૫૬.૪૦ ટકાએ પહોંચી ગયો છે. કચ્છની સરેરાશ ૨૦ ઇંચ (૪૯૯.૮૦ મિ.મી.) સામે અત્યાર સુધી ૧૧ ઇંચથી વધુ (૨૮૧ મિ.મી.) વરસાદ વરસી ચૂક્યો છે.

 રાપર તાલુકામાં સૌથી વધુ વરસાદ

તાલુકાવાર સ્થિતિ જોઈએ તો સૌથી વધુ ૭૯ ટકા વરસાદ સરહદી રાપર તાલુકામાં નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો ૩૭.૮૫ ટકા વરસાદ અબડાસા પંથકમાં રહ્યો છે. નખત્રાણા અને લખપત સિવાયના અન્ય તમામ છ તાલુકાઓમાં ૫૦ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલ વરસાદે આંશિક વિરામ લીધો છે, પરંતુ અરબી સમુદ્ર તરફ આગળ વધેલું લો-પ્રેશર આગામી ૨૪ કલાક બાદ પુનઃ કચ્છ તરફ ફંટાવાની શક્યતા હોવાથી સપ્તાહના અંત સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે.

ડેમોમાં નવા નીરની આવક

ધોધમાર વરસાદને પગલે મધ્યમ સિંચાઈના ડેમોમાં ૧૧ ટકા નવાં નીરની આવક થતાં કુલ જળસંગ્રહ ૨૯ ટકાએ પહોંચ્યો છે. રાપરના ફતેહગઢ બાદ બંદરીય મુંદરા તાલુકાનો કારાઘોઘા ડેમ પણ છલકાઈ જતાં ઓવરફ્લો થયેલા મધ્યમ ડેમોની સંખ્યા બે થઈ છે. આ ઉપરાંત નાની સિંચાઈના ૧૭૦ ડેમો પૈકી માંડવી પંથકના ગેલડા અને શિરઈ ડેમ પણ પૂર્ણ ભરાઈને ઓવરફ્લો થઈ ગયા છે.

૧૫૦ જેટલી માછીમારી બોટોએ સલામતી ખાતર જખૌ બંદરે લાંગરી

દરમ્યાન, અરબી સમુદ્રમાં સર્જાયેલા તોફાની વાતાવરણ અને ઊંચા મોજાંના કારણે વહીવટી તંત્રે જખૌ બંદર ખાતેથી માછીમારોને ટોકન આપવાનું તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધું છે. બીજી તરફ દરિયામાં ફસાયેલી પોરબંદર, ઓખા, માંગરોળ, વેરાવળ અને દીવની આશરે ૧૫૦ જેટલી માછીમારી બોટોએ સલામતી ખાતર જખૌ બંદરે લંગર નાખી આશરો લીધો છે. જખૌ માછીમાર એસોસિએશનના જણાવ્યા અનુસાર, બોટો અને ખલાસીઓ સુરક્ષિત છે.

છ માર્ગો પર વાહનવ્યવહાર પ્રભાવિત

જિલ્લામાં વરસેલા ભારે વરસાદથી માર્ગ-મકાન વિભાગ હેઠળના છ મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. ભુજ-મુંદરા માર્ગ પર બેરાજા હનુમાન નજીક રસ્તો ધોવાઈ જતાં વાહનોને પત્રી-ટપ્પર માર્ગ પર ડાયવર્ટ કરાયા છે. આ ઉપરાંત બિબ્બર-વંગ, અંજાર-જરૂ, ગેલડા-રામાણિયા, ધાણેટી-હબાય અને રતનાલ-કંઢેરાઈ માર્ગો અવરોધાતાં તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

(ઉત્સવ વૈદ્ય)