Mon Jul 27 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ઈરાન અબ્રાહમ એકોર્ડમાં જોડાય એ વાત ગળે ઊતરતી નથી

2026-05-27 13:17:00
Author: Bharat Bharadwaj
Article Image

ભરત ભારદ્વાજ

અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા ઘોંચમાં પડી છે તેથી ટેન્શન વધ્યું છે ત્યારે અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે નવો ફણગો ફોડ્યો છે કે ઇરાન ઇઝરાયલ સાથે અબ્રાહમ એકોર્ડ કરી શકે છે. ડોનલ્ડ ટ્રમ્પે સઉદી અરેબિયા, કતાર, તૂર્કી, ઈજિપ્ત, જોર્ડન, પાકિસ્તાન સહિતના ટોચના મુસ્લિમ દેશોને અબ્રાહમ એકોર્ડ પર સહી કરવા વિનંતી કરેલી. બીજા દેશોએ તો જવાબ આપ્યો નથી પણ પાકિસ્તાને ઘસીને ના પાડી દીધી છે. 

ટ્રમ્પે ઈરાન ઈઝરાયલ સાથે કરાર કરશે એવો દાવો કર્યો છે પણ ઇરાને ટ્રમ્પના દાવાનો કોઈ જવાબ આપ્યો નથી. ટ્રમ્પ સફેદ જૂઠ બોલવા પંકાયેલા છે અને આંખનું મટકુંય માર્યા વિના પૂરા આત્મવિશ્વાસથી ગમે તેવું જૂઠાણું ચલાવી શકે છે એ જોતાં ટ્રમ્પની વાતમાં કેટલો દમ છે એ ખબર નથી પણ ખરેખર ટ્રમ્પની વાત સાચી હોય તો આ બહુ મોટી ઘટના કહેવાય કેમ કે અત્યારે ઈઝરાયલ આકરા પાણીએ છે ને ઈરાન સામે હુમલા બંધ કરવા તૈયાર નથી. 

આ માહોલમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે કરાર થાય બહુ મોટું આશ્ચર્ય કહેવાય. તેની વાત કરતાં પહેલાં અબ્રાહમ એકોર્ડ શું છે તેની વાત પહેલાં કરી લઈએ કેમ કે ભારતમાં મોટા ભાગનાં લોકોને અબ્રાહમ એકોર્ડ શું છે એ જ ખબર નથી. અબ્રાહમ એકોર્ડ ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકાના પહેલી વાર પ્રમુખ બન્યા ત્યારે વહેતો કરેલો તુક્કો છે. મિડલ ઈસ્ટમાં વરસોથી અશાંતિ છે કેમ કે યહૂદીઓ અને આરબો સામસામે લડ્યા છે. 

ટ્રમ્પે ઈઝરાયલ અને આરબ રાષ્ટ્રો યુદ્ધને કોરાણે મૂકીને પરસ્પર સંબંધો વિકસાવવા માટે કરાર કરે એવો તુક્કો 2020માં રમતો કરેલો ને તેનું નામ અબ્રાહમ એકોર્ડ આપેલું કેમ કે મુસ્લિમ, ખ્રિસ્તી અને યહૂદી એ ત્રણેય અબ્રાહમિક ધર્મનાં લોકો અબ્રાહમને પોતાના પૂર્વજ માને છે. મિડલ ઈસ્ટમાં મૂળ યહૂદીઓ હતા ને તેમાંથી પહેલાં ખ્રિસ્તી ને પછી ઈસ્લામ ધર્મ આવ્યો તેથી ત્રણેયનાં મૂળિયાં એક છે. ત્રણેય ધર્મના અનુયાયી અબ્રાહમને પૂર્વજ તરીકે સ્વીકારીને પૂજે છે તેથી આ ત્રણેય ધર્મ અબ્રાહમિક ધર્મ કહેવાય છે. 

આરબો પોતાને ઈસ્માઈલના વંશજ માને છે જ્યારે  યહૂદીઓ પોતાને આઈઝેકના વંશજ માને છે. મુસ્લિમોના મતે ઈસ્માઈલ અબ્રાહમના પુત્ર હતા ને યહૂદીઓના મતે, આઈઝેક અબ્રાહમના વંશજ હતા. ખ્રિસ્તીઓ અબ્રાહમને જિસસના પૂર્વજ માને છે તેથી અબ્રાહમને ત્રણેય ધર્મના  સામાન્ય પૂર્વજ માનવામાં આવે છે. યહૂદી ધર્મમાં અબ્રાહમ ધર્મના સ્થાપક મનાય છે. 

યહૂદીઓના મતે, અબ્રાહમ પહેલા હિબ્રુ હતા અને તેમણે યહૂદીઓના પ્રભુ સાથે કરાર સંબંધની શરૂઆત કરી હતી. ખ્રિસ્તી ધર્મમાં અબ્રાહમ જિસસ ક્રાઈસ્ટના  પૂર્વજ અને તમામ ખ્રિસ્તીઓના આધ્યાત્મિક પૂર્વજ ગણાય છે. ઇસ્લામમાં અબ્રાહમ પયગંબર ગણાય છે. ઇસ્લામિક પયગંબરોની પરંપરા આદમથી શરૂ થઈને મુહમ્મદ સાહેબમાં સમાપ્ત થાય છે એવી મુસ્લિમોમાં માન્યતા છે. અબ્રાહમ પણ પયગંબર હતા તેવી મુસ્લિમોમાં માન્યતા છે. 

મિડલ ઈસ્ટમાં અત્યારે મુસ્લિમોની બહુમતી છે. યહૂદીઓ ઈઝરાયલ પૂરતા મર્યાદિત છે જ્યારે ખ્રિસ્તીઓની વસતી બહુ નથી પણ વિશ્વમાં ખ્રિસ્તીઓ બહુમતીમાં છે. અબ્રાહમને નામે થયેલા કરારને બધા સ્વીકારશે એ આશામાં ટ્રમ્પે અબ્રાહમ એકોર્ડની જાહેરાત કરાવેલી પણ આરબ દેશોને અત્યાર સુધી તેમાં રસ પડ્યો નથી. ઈઝરાયલ અબ્રાહમ એકોર્ડમાં એક પક્ષકાર છે જ્યારે બીજા પક્ષકાર તરીકે અલગ અલગ આરબ રાષ્ટ્રો હશે. 

મતલબ કે આ દ્વિપક્ષી કરાર છે અને અત્યાર લગીમાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ), બહેરીન અને મોરોક્કો એ ત્રણ મુસ્લિમ દેશોએ જ અબ્રાહમ એકોર્ડ પર સહી કરી છે. તેમાં પણ ઈરાને હુમલા કરતાં બહેરીન અને યુએઈએ તેની સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા છે તેથી હવે માત્ર મોરોક્કો અને ઈઝરાયલ વચ્ચે જ અબ્રાહમ એકોર્ડ છે. 

કઝાકિસ્તાનની સરકારે નવેમ્બર 2025માં કરારની જાહેરાત કરેલી પણ હજુ કરાર કર્યા નથી. સુદાન સરકારે 2021માં કોમન ડેકલેરેશન પર હસ્તાક્ષર કર્યા હતા, પણ કરાર થયો નથી. સઉદી અરેબિયા એ ટ્રમ્પના દબાણ હેઠળ હા પાડી દીધી પણ પહેલાં ઈઝરાયલ પેલેસ્ટાઈનને સ્વતંત્ર દેશ તરીકે માન્ય રાખે એવી શરત મૂકતાં ડખો પડ્યો છે. 

સીરિયા બશર અલ-અસદના સમયમાં કરાર માટે તૈયાર નહોતું પણ ડિસેમ્બર 2024 માં અહેમદ અલ-શારાએ બશર અલ-અસદના શાસનને ઉથલાવી નાખ્યો પછી  સીરિયાએ આ કરારોમાં જોડાવા માટે 2025માં ચર્ચાઓ શરૂ કરી પણ મેળ પડ્યો નથી. ટૂંકમાં ટ્રમ્પના તુક્કાનાં પાંચ વર્ષ પછીય ઠેકાણાં પડ્યાં નથી.

મુસ્લિમ દેશો આ કરારથી દૂર ભાગે છે તેનાં કારણ સમજવા જેવાં છે. આ કરારમાં ઈઝરાયલ સાથે મુસ્લિમ દેશો ભાઈચારાથી રહે ને શાંતિથી વર્તે તેના સિવાય બીજું કશું નથી છતાં મુસ્લિમ રાષ્ટ્રો તૈયાર નથી તેનું કારણ મુસ્લિમો અને યહૂદીઓની એકબીજા માટેની નફરત છે. મુસ્લિમોનો બહુમતી વર્ગ ઈઝરાયલ સાથે હાથ મિલાવનારા દેશને ગદ્દાર માને છે તેથી મુસ્લિમ રાષ્ટ્રોનો જે પણ શાસક અબ્રાહમ એકોર્ડ પર સહી કરે તેનું તપેલું ચડી જાય. 

મોટા ભાગના મુસ્લિમ રાષ્ટ્રોએ ઈઝરાયલને એક દેશ તરીકે માન્યતા પણ નથી આપી ત્યારે સીધો ઈઝરાયલ સાથે શાંતિનો કરાર થાય તેનો અર્થ એ થાય કે, યહૂદીઓ માટેના અલગ દેશને માન્યતા આપીને જેરુસલેમ પરનો અધિકાર છોડી દીધો. તેના કારણે જે તે શાસક સામે તેના જ દેશમાં બળવો થઈ જાય.  આરબ દેશોમાં ઇઝરાયલ સામેની નફરત એટલી છે કે, તેની સાથે કરાર કરવા જતાં શાસન ગુમાવવાનો વારો આવી જાય તેથી કોઈ અબ્રાહમ એકોર્ડ માટે તૈયાર નથી. ટ્રમ્પ છાસવારે આજીજી કર્યા કરે છે પણ મુસ્લિમ દેશો તેની વાત એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે. 

ટ્રમ્પે અત્યારે ઈરાન અબ્રાહમ એકોર્ડ્સમાં જોડાશે એવો દાવો કર્યો એ વાત માનવામાં નથી આવતી તેનું કારણ પણ ઈઝરાયલ માટેની નફરત છે. ઈરાન તો ઈઝરાયલ સામે યુદ્ધ કરી રહ્યું છે તેથી તેની નફરત તો વધારે છે. ભૂતકાળમાં મુસ્લિમ દેશોએ ઈઝરાયલને માન્યતા આપી ત્યારે પણ ઈરાને તેમને પેલેસ્ટાઈનનાં લોકો સાથેની ગદ્દારી ગણાવી હતી.  હવે એ જ ઈરાન પોતે ગદ્દારી કરવા તૈયાર થઈ જાય એ વાત માન્યામાં નથી આવતી. 

ઈરાન ઈઝરાયલ સાથે કરાર કરે તો ટ્રમ્પના અબ્રાહમ એકોર્ડનું પણ અચ્યુતમ કેશવમ થઈ જાય કેમ કે શિયા-સુન્ની વિખવાદના કારણે આરબ રાષ્ટ્રો ઈરાન સાથે બેસવા તૈયાર નથી. શિયા-સુન્નીઓ વચ્ચે પણ યહૂદી-આરબો જેવી જ નફરત છે તેથી પોતાના બે દુશ્મનો વચ્ચે થયા હોય એવા કરાર કરવા કોઈ મુસ્લિમ રાષ્ટ્ર તૈયાર ના થાય.