નવી દિલ્હીઃ આઈપીએલ પ્લેઓફ્સની રેસ રોમાંચક બની છે. મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઊ સુપર જાયન્ટ્સ ફેંકાઈ ગયા છે પણ બીજી ટીમોને ખેલ બગાડી શકે છે. પંજાબ કિંગ્સ શરૂઆતની 7 મેચોમાં એક પણ મેચ હારી નહોતી, પરંતુ છેલ્લા 4 મેચ સતત હાર્યા બાદ તેમના માટે પ્લેઓફમાં પહોંચવાની તક પહેલા કરતા થોડી ઓછી થઈ ગઈ છે. સોમવારે દિલ્હી કેપિટલ્સ સામેની મેચ પહેલા PBKSના પ્લેઓફમાં જવાની શક્યતા 95 ટકા હતી, જે મેચ પછી ઘટીને 60 ટકા રહી ગઈ છે.
પોઈન્ટ ટેબલમાં ક્યાં છે PBKS?
પંજાબ કિંગ્સ સતત ચોથી હાર બાદ પણ ટોપ-4માં યથાવત છે. પંજાબ ચોથા નંબરે છે. ટીમે 11માંથી 6 મેચ જીતી છે અને 4 હારી છે, જ્યારે એક પોઈન્ટ KKR સામે મેચ રદ થવાને કારણે મળ્યો હતો. પંજાબ પાસે માત્ર એ જ એડવાન્ટેજ છે કે તેમને મેચ રદ થવાને કારણે 1 પોઈન્ટ મળ્યો હતો, આ જ કારણસર તે પોઈન્ટના આધારે ચેન્નાઈ અને રાજસ્થાન કરતા આગળ છે. આ બંને ટીમો પણ 6-6 મેચ જીતી ચૂકી છે.
ટોપ-4 ટીમો
પંજાબની સાથે ટોપ-4માં રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ છે. ત્રણેય ટીમોએ 11-11 મેચ રમી છે, જેમાંથી 7-7 જીતી છે અને દરેકના 14-14 પોઈન્ટ છે. પરંતુ નેટ રન રેટના આધારે RCB +1.103 નેટ રન રેટ સાથે પ્રથમ, SRH +0.737 નેટ રન રેટ સાથે બીજા અને GT +0.228 નેટ રન રેટ સાથે ત્રીજા સ્થાને છે. PBKS 13 પોઈન્ટ અને +0.428 નેટ રન રેટ સાથે ચોથા નંબરે છે.
પ્લેઓફ્સની દોડમાં કઈ કઈ ટીમો સામેલ?
ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પણ પ્લેઓફ્સની રેસમાં સામેલ છે. બંનેએ 11-11 મેચોમાંથી 6-6માં જીત મેળવી છે. બંને ટીમોના 12-12 પોઈન્ટ છે. નેટ રન રેટના આધારે CSK +0.185 નેટ રન રેટ સાથે પાંચમા અને RR +0.082 નેટ રન રેટ સાથે છઠ્ઠા નંબરે છે. બંને ટીમો મહત્તમ 18 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.
દિલ્હી કેપિટલ્સ પણ પ્લેઓફ્સની દોડમાંથી હજુ સત્તાવાર રીતે બહાર થઈ નથી. દિલ્હીએ 12માંથી 5 મેચ જીતી છે અને 7 હારી છે. દિલ્હીના 10 પોઈન્ટ અને નેટ રન રેટ -0.993 છે. હવે ટીમ પોતાની બંને મેચ જીતીને 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ ભલે અત્યારે પોઈન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સ કરતા પાછળ હોય, પરંતુ તેમના પ્લેઓફ્સમાં જવાની શક્યતા DC કરતા વધારે છે. શરૂઆતની 6 મેચોમાં જીત માટે વલખાં મારતી KKRએ છેલ્લી 4 મેચ જીતી છે. રહાણે એન્ડ ટીમની 4 મેચ બાકી છે, જે જીતીને ટીમ 17 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.
IPL 2026માં આજે કોની મેચ છે?
આજે 12 મે ના રોજ ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ છે, આ નંબર-1 બનવાની લડાઈ છે. જે ટીમ જીતશે તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી જશે.