Sun Aug 16 2026

Logo

ગોલમાલ 5ની રિલીઝ ડેટમાં ફેરફાર: જાણો અજય દેવગણે શા માટે લીધો મોટો નિર્ણય

2026-08-06 21:55:42
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ રોહિત શેટ્ટીની નવી ફિલ્મ 'ગોલમાલ-5'ની રિલીઝ ડેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મને હવે ડિસેમ્બરના પહેલા જ અઠવાડિયામાં રિલીઝ કરી દેવામાં આવશે. આ વખતેની આ ફિલ્મમાં અલગ પ્રકારની કોમેડી હોવાનો મેકર્સે દાવો કર્યો છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની હતી એના બદલે હવે ડિસેમ્બર મહિનામાં જ રિલીઝ કરી દેવામાં આવશે. રિપોર્ટ એવા મળી રહ્યા છે કે અજય દેવગનની ફિલ્મ 'રેંજર' આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી પણ હવે તેમા ફેરફાર કરવામાં આવ્યા છે. 

રેંજર ફિલ્મને લઈ મોટી અપડેટ

'રેંજર'ના બદલે હવે રોહિત શેટ્ટીની ફિલ્મ 'ગોલમાલ-5' રિલીઝ થઈ જશે. આ ડિસેમ્બર મહિનામાં પ્રભાસની ફિલ્મ 'ફૌજી' અને અક્ષય કુમારની એક ફિલ્મ રિલીઝ થવાની છે. અક્ષય કુમારની ફિલ્મનું નામ સામે આવ્યું નથી. આ ત્રણેય ફિલ્મ સાથે ક્લેશ થઈ શકે છે. અજય દેવગનની ફિલ્મ રેંજર હાલમાં પોસ્ટપોન થઈ હોવાનું જાણવા મળ્યું છે. 

જોકે, 'ગોલમાલ 5' ના નિર્માતાઓએ હજુ સુધી રિલીઝ તારીખની સત્તાવાર જાહેરાત કરી નથી. અહેવાલ મુજબ, અજયે 'રેંજર' 2027 સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે, અને 'ગોલમાલ 5' ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં રિલીઝ થવાની છે. અક્ષય કુમારની અનીસ બઝમી સાથેની આગામી ફિલ્મ પણ તે જ તારીખે રિલીઝ થવાની છે. તેથી, જો 'ગોલમાલ 5' તા.4 ડિસેમ્બરે રિલીઝ થવાના અહેવાલો સાચા સાબિત થાય છે, તો તેના પરિણામે બોક્સ ઓફિસ પર 'અક્ષય વિરુદ્ધ અક્ષય' ટક્કર થશે.

પ્રભાસની ફિલ્મથી અસર થશે?

અક્ષયની બે ફિલ્મ એકસાથે થિયેટર્સમાં આવી જશે. એક જ કલાકારની બે ફિલ્મો આવતા હવે એક જ વ્યક્તિ વચ્ચે બે ફિલ્મોની ટક્કર જોવા મળશે. બની શકે છે આ ફિલ્મને લઈને મેકર્સ ડેટમાં કેટલાક ફેરફાર કરી શકે છે. રિપોર્ટ એવા છે કે,રોહિત શેટ્ટીની ગોલમાલ ફિલ્મમાં અજયની સાથે હવે અક્ષય કુમારની એન્ટ્રી થઈ રહી છે. આ માહોલ વચ્ચે પ્રભાસની ફૌજી બાજી મારી જાય તો નવાઈ નહીં, કારણ કે, આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે, મેકર્સ છેલ્લી ઘડીએ કોઈ ફિલ્મ કે ડેટને લઈને ફેરફાર કરી શકે છે. 

આ એક તેલુગુ ફિલ્મ છે એટલે બોલિવૂડને કંઈ ખાસ અસર કરશે નહીં. એવું ફેન્સ માની રહ્યા છે. આ ફિલ્મને હિન્દી સહિતની ભાષામાં રિલીઝ કરી દેવામાં આવશે. હાલમાં તો મેકર્સે ખાસ કોઈ પ્લાન જાહેર કર્યો નથી. રોહિત શેટ્ટીની સૌથી મોટી ફ્રેન્ચાઈઝી પૈકીની એક ફિલ્મ 'ગોલમાલ' છે. આ ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2006માં આવ્યો.આ ફિલ્મ બોક્સઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી હતી.