સોશિયલ મીડિયા અત્યારે લોકોની જરૂરિયાત બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. લોકો અનેક પ્રકારની સોશિયલ મીડિયા એપનો ઉપયોગ કરતા હોય છે. તેવામાં અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સની સેવા અચાનક ઠપ થઈ ગઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એક્સની સેવાઓ ઠપ થતા અત્યારે હજારોની સંખ્યામાં લોકો પરેશાન થઈ રહ્યાં છે. યુઝર્સનો દાવો છે કે, તેઓ લોગઈન નથી કરી શકતા! આ અંગે એક્સ તરફથી સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
15,000 થી વધારે યુઝર્સે ફરિયાદ કરી
એક રિપોર્ટ પ્રમાણે 15,000 થી વધારે યુઝર્સે ફરિયાદ કરી છે કે, તેઓ અત્યારે એપમાં લોગ ઈન નથી કરી શક્તા! એપ પણ ઠપ થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેના કારણે એક્સ પ્લેટફોર્મના અનેક ફિચર્સ અત્યારે પ્રભાવિત થયાં છે. અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો પોસ્ટ કરીને ફરિયાદ કરી રહ્યાં છે.
અમેરિકામાં જ 26,084 યુઝર્સ થયા પ્રભાવિત
Downdetector.com ના રિપોર્ટ પ્રમાણે માત્ર અમેરિકામાં જ 26,084 યુઝર્સે એક્સને લઈને ફરિયાદ કરી છે. તેમાંથી 50 ટકા જેટલા યુઝર્સને પોતાની ફીડ કે લાઈમલાઈન જોવામાં સમસ્યા આવી રહી છે. એટલું જ નહીં પરંતુ 41 ટકા યુઝર્સને એપમાં પરેશાની આવી રહી છે. જ્યારે 6 ટકા જેટલા યુઝર્સને વેબસાઈટ એક્સસમાં સમસ્યા આવી રહી છે. જેના કારણે અત્યારે એક્સ પર રોષ ઠાલવી રહ્યાં છે.
આ સમસ્યા માત્ર અમેરિકા જ નહીં પરંતુ ભારત સહિત યુરોપના પણ અનેક દેશોમાં જોવા મળી રહી છે. આ તમામ જગ્યાએ એક જ પ્રકારની સમસ્યા આવી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સમસ્યાનું કારણ સિસ્ટમમાં કોઈ મોટી ટેકનિકલ સમસ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, રાહતની વાત એ છે કે, આ સમસ્યાનો દરેક યુઝર્સને સામનો નથી કરવો પડ્યો. આ મામલે હજી એક્સ દ્વારા સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આ પહેલા પણ એક્સની સેવાઓ ઠપ થઈ હોવાની ફરિયાદો થયેલી છે. હવે આ સમસ્યાનો કેટલા સમયમાં નિકાલ આવે છે તે જોવાનું રહેશે.