Tue Oct 06 2026

Logo

ગિલ, રાહુલ, યશસ્વી, બુમરાહ, સિરાજ, જાડેજા અને નીતીશઃ આમાંથી ગંભીર કોને આપશે આરામ?

2026-09-23 17:03:51
Author: Ajay Motiwala
ગિલ, રાહુલ, યશસ્વી, બુમરાહ, સિરાજ, જાડેજા અને નીતીશઃ આમાંથી ગંભીર કોને આપશે આરામ?

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટરો આગામી 27મી સપ્ટેમ્બરે ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝ સામે શરૂ થનારી વન-ડે સિરીઝથી અને 28મી સપ્ટેમ્બરે જાપાનમાં એશિયન ગેમ્સની ટી-20માં શરૂ થનારા અભિયાન સાથે ઘણા મહિનાઓ સુધી વ્યસ્ત રહેવાના છે અને એ સ્થિતિમાં હેડ-કોચ ગૌતમ ગંભીર (Gambhir) અમુક ખેલાડીઓને ન્યૂ ઝીલૅન્ડ (New Zealand) સામેની નવેમ્બરની ટેસ્ટ-સિરીઝ માટે પૂરેપૂરા ફિટ રાખવા મક્કમ છે. એ કારણસર તે નવેમ્બરની કેટલીક વન-ડે મૅચોમાંથી અમુક ખેલાડીઓ આરામ આપશે એવી સંભાવના છે.

શુભમન ગિલ, કે. એલ. રાહુલ, યશસ્વી જયસ્વાલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, રવીન્દ્ર જાડેજા અને નીતીશ કુમાર રેડ્ડીમાંથી અમુક ખેલાડીઓને નવેમ્બરમાં ન્યૂ ઝીલૅન્ડમાં રમાનારી લાંબી વન-ડે શ્રેણીમાંથી સંપૂર્ણપણે અથવા અમુક વન-ડે મૅચોમાંથી આરામ આપવામાં આવશે.

ન્યૂ ઝીલૅન્ડમાં 4-15 નવેમ્બર દરમ્યાન પાંચ મૅચની વન-ડે સિરીઝ રમાશે. ફક્ત ત્રણ દિવસના અંતર બાદ 19મી નવેમ્બરે ન્યૂ ઝીલૅન્ડ સામે ટેસ્ટ-શ્રેણી શરૂ થશે એટલે વન-ડે શ્રેણીની છેલ્લી અમુક મૅચોમાંથી આ સાતમાંથી કેટલાક ખેલાડીઓને વિશ્રામ અપાશે એવી પાક્કી સંભાવના છે.

ખુદ ગંભીરે એક જાણીતી ઍપ પરની વાતચીતમાં કહ્યું, `ટી-20 ફૉર્મેટમાંથી વન-ડે ફૉર્મેટમાં રમવું આસાન હોય, પરંતુ ટેસ્ટ મૅચ માટે ખેલાડીએ વધુ પૂર્વતૈયારીઓ કરવી પડે. એ માટે કેટલાક બૅટ્સમેનોને બે્રક આપવો પડે.'

ગંભીરે અન્ય એક મુદ્દે મહત્ત્વનો અભિપ્રાય આપતા કહ્યું, `સામાન્ય રીતે કોચ (પ્રશિક્ષકો) અને સિલેક્ટરો ઇચ્છતા હોય છે કે અમુક ખેલાડીઓમાં એવી ટૅલન્ટ હોવી જોઈએ કે તેઓ ત્રણેય ફૉર્મેટ (ટેસ્ટ, વન-ડે, ટી-20)માં રમી શકતા હોય. જોકે સમય જતાં આવી બહુ ઓછા ખેલાડીઓ આ રમતમાં જોવા મળશે, કારણકે સ્પિનર કે ફાસ્ટ બોલર, ખેલાડીઓને રૉટેશનમાં તો રાખવા જ પડે (વારાફરતી ટીમમાંથી ઇન-આઉટ કરવા જ પડે).'