(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ડૉલર સામે રૂપિયામાં ચંચળતા અટકાવવા અને સટ્ટાકીય આકર્ષણ ડામવા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા લીધેલા પગલાંની અસર બજાર પર જળવાઈ રહેવાની સાથે આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ ઉપરાંત આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને ક્રૂડતેલના ભાવમાં પીછેહઠ જોવા મળતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 28 પૈસા મજબૂત થઈને 92ની સપાટીની અંદર ઊતરીને 92.090ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, તે પૂર્વે સત્ર દરમિયાન રૂપિયામાં 39 પૈસાનો સુધારો નોંધાયો હતો, પરંતુ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલી જળવાઈ રહી હોવાથી સુધારો મર્યાદત રહયો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
જોકે, ગત ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 9931.13 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશો તેમ જ ગત 27મી માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામત 10.288 અબજ ડૉલર ઘટીને 688.058 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાના અહેવાલ અને ગત માર્ચ મહિનાનો સર્વિસીસ ક્ષેત્રનો પીએમઆઈ આંક આગલા ફેબ્રુઆરી મહિનાના 58.1 સામે ઘટીને 57.5ની સપાટીએ રહ્યો હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ડૉલર સામે રૂપિયો ગત ગુરુવારના 93.18ના બંધ સામે સાધારણ સુધારા સાથે 93.13ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 93.13 અને ઉપરમાં 92.79 સુધી મજબૂત થયા બાદ અંતે 28 પૈસાના સુધારા સાથે 92.90ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે બજાર ગુડ ફ્રાઈડે નિમિત્તે બંધ રહી હતી, જ્યારે ગત ગુરુવારે રિઝર્વ બૅન્કના પગલાંને ટેકે ડૉલર સામે રૂપિયામાં 152 પૈસાનો ઉછાળો આવ્યો હતો.
આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.15 ટકા ઘટીને 99.87 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 1.61 ટકા ઘટીને બેરલદીઠ 107.29 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 787.30 પૉઈન્ટનો અને 255.15 પૉઈન્ટનો સુધારો આવ્યો હતો.