ભરત ભારદ્વાજ
અમેરિકાએ ઈરાન પર કરેલા આક્રમણના કારણે પેટ્રોલ, ડીઝલ અને ગેસની સર્જાયેલી કોપી નથી અછતના કારણે આખી દુનિયા પરેશાન છે અને અમેરિકાના સનકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને ગાળો આપી રહી છે ત્યારે અમેરિકામાં પણ ડોનલ્ડ ટ્રમ્પ સામે લોકો ભડકેલાં છે. અમેરિકનો આ આક્રોશ ‘નો કિંગ્સ’ આંદોલન દ્વારા વ્યક્ત કરી રહ્યાં છે.
‘નો કિંગ્સ’ આંદોલનના ભાગરૂપે અમેરિકાનાં લગભગ 50 શહેરોમાં શનિવારે ઉગ્ર દેખાવો થયા અને 10 લાખથી વધારે લોકો ટ્રમ્પની નીતિઓ અને ઈરાન પર હુમલો કરીને અમેરિકાના માથે થોપી બેસાડેલા યુદ્ધ સામે વિરોધ વ્યક્ત કર્યો. વોશિંગ્ટન, ન્યૂ યોર્ક, લોસ એન્જલસ, શિકાગો, સાન ફ્રાન્સિસ્કો અને હ્યુસ્ટન જેવાં શહેરોમાં મોટી સંખ્યામાં પ્લેકાર્ડ લઈને ઉતરેલાં લોકોએ ટ્રમ્પ વિરોધી નારા લગાવીને આક્રોશ વ્યક્ત કર્યો.
મોટાભાગના શહેરોમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો પણ કેટલાંક ઠેકાણે પોલીસ અને દેખાવકારો વચ્ચે છૂટાછવાયાં ઘર્ષણની ઘટનાઓ પણ બની છે. યુરોપનાં મોટાં શહેરોમાં પણ હજારો લોકોએ ‘નો કિંગ્સ’ દેખાવોમાં ભાગ લઈને ટ્રમ્પ અને તેમની નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.
સોશ્યલ મીડિયા પર તો ટ્રમ્પ વિરોધી કોમેન્ટ્સનું પૂર જ આવી ગયું છે. ‘નો કિંગ્સ’ હેશ ટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે અને લાખોની સંખ્યામાં કોમેન્ટ્સ આવી રહી છે. જે લોકો ‘નો કિંગ્સ’ દેખાવોમાં ભાગ ના ઈ શક્યા એ સોશિય મીડિયા પર ભડાશ કાઢી રહ્યાં છે તેથી અત્યારે તો આખી દુનિયામાં ‘નો કિંગ્સ’ ચળવળ છવાયી છે.
ડોનલ્ડ ટ્રમ્પની નીતિઓનો વિરોધ કરતું ‘નો કિંગ્સ’ આંદોલન છેલ્લા એક વર્ષથી ચાલે છે. ગયા વર્ષે 14 જૂને અને પછી 18 ઓક્ટોબરે પણ અમેરિકામાં ટ્રમ્પ વિરુદ્ધ દેખાવો થયા હતા પણ શનિવારે ઊમટેલી ભીડ જેટી ભીડ પહેલાં નહોતી ઊમટી. 14 જૂને લગભગ 5 લાખ લોકોએ ટ્રમ્પ સામેના દેખાવોમાં ભાગ લીધો હતો જ્યારે 18 ઓક્ટોબરે 7 લાખ લોકો ઉમટ્યા હતા.
આ વખતે સીધાં 10 લાખ લોકો ઊમટી પડ્યાં તેનો મતલબ એ થયો કે, માત્ર 9 મહિનામાં જ ટ્રમ્પની નીતિઓનો વિરોધ ખુલ્લેઆમ કરનારાંની સંખ્યા વધીને બમણી થઈ ગઈ છે. દુનિયાના બીજા દેશોમાં નહીં પણ અમેરિકામાં પણ ટ્રમ્પ અળખામણા બની રહ્યા છે તેનો આ પુરાવો છે.
‘નો કિંગ્સ’ ચળવળ હેઠળ આ પહેલા થયેલા દેખાવો ટ્રમ્પની ઈમિગ્રેશન નીતિ, ટ્રમ્પનાં સેક્સ કૌભાંડો વગેરેની વિરુદ્ધ હતાં. આ વખતે ટ્રમ્પે ઈરાન પર કરી દીધેલા આક્રમણની સામે લોકો મેદાનમાં આવ્યા છે. ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકા કૂદ્યું તેમાં અમેરિકામાં કૂદકે ને ભૂસકે વધતી મોંઘવારી સામે લોકોમાં રોષ છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા ઈરાન સામેનાં યુદ્ધને એક મહિના થઈ ગયો.
આ એક મહિનામાં અમેરિકામાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. ઠેક ઠેકાણે પેટ્રોલ એટલે કે ગેસોલિનની અછત વર્તાઈ રહી છે અને વધતી મોંઘવારીથી સામાન્ય અમેરિકનોનું બજેટ ખોરવાઈ ગયું છે તેથી ત્રસ્ત થઈને લોકોએ ટ્રમ્પ સામે બાંયો ચડાવી છે.
‘નો કિંગ્સ’ ચળવળકારોનું કહેવું છે કે, ટ્રમ્પ લોકશાહી પદ્ધતિથી વર્તવાના બદલે પોતે ‘રાજા’ એટલે કે ઊંશક્ષલ હોય એ રીતે વર્તી રહ્યા છે અને અમેરિકાને રાજા નથી જોઈતો. ટ્રમ્પ એકપક્ષીય નિર્ણયો લઈને અમેરિકાને વિનાશક યુદ્ધમાં ધકેલી રહ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્ર જનતાના ટેક્સના પૈસા લોકોની ભલાઈનાં કામોમાં ખર્ચવાના બદલે હથિયારો અને યુદ્ધ પાછળ વેડફી રહ્યું છે એ નહીં ચાલે. તેમનું કહેવું છે કે, ‘નો કિંગ્સ’ દેખાવો માત્ર ઈરાન સામેના યુદ્ધનો વિરોધ નથી પણ ટ્રમ્પની કાર્યશૈલી સામેનો વિરોધ છે કેમ કે ટ્રમ્પ અત્યંત આપખુદ બનીને સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે અને અમેરિકન બંધારણની વિરુદ્ધ વર્તી રહ્યા છે.
અમેરિકન પ્રજાને ટ્રમ્પના સનકીપણાની સીધી અસર થઈ રહી છે તેથી તેમનો આક્રોશ વાજબી છે પણ ‘નો કિંગ્સ’ આંદોલન અંતર્ગત યુરોપમાં પણ મોટા પાયે દેખાવો થયા ને ત્યાં પણ લાખો લોકો ઉમટી પડ્યાં તેનું કારણ યુરોપીયન દેશોના શાસકોની નિર્માલ્યતા છે. ટ્રમ્પ ઈરાનને પાઠ ભણાવવાની પોતાની ખંજવાળ મટાડવા માટે હુમલો કરીને યુદ્ધ છેડી બેઠા તેનાથી યુરોપના દેશો અત્યાર લગી દૂર રહ્યા છે પણ યુરોપના દેશોના શાસકો ક્યાં સુધી ટ્રમ્પ સામે ઝીંક ઝીલી શકશે એ સવાલ છે.
યુરોપની પ્રજાને ડર છે કે, પોતાના શાસકોની નિર્માલ્યતાના કારણે પોતાનો દેશ પણ યુદ્ધમાં ધકેલાઈ જશે કેમ કે શાસકો ટ્રમ્પ સામે મક્કમ નહીં રહી શકે. તેના કારણે અમેરિકનોની જેમ પોતે પણ તકલીફો ભોગવવી પડશે. આ સ્થિતિનું નિર્માણ ના થાય એટલા માટે પોતાના શાસકો પર દબાણ સર્જવા યુરોપીયન પ્રજા પણ ટ્રમ્પ વિરોધી દેખાવોમાં જોડાઈ ગઈ. આ દેખાવો દ્વારા યુરોપના લોકોએ પોતાના શાસકોને ચીમકી આપી દીધી છે કે, યુદ્ધથી દૂર જ રહેજો ને પારકી પળોજણ વહોરી ના લેતા. બાકી તમારું પણ આવી બનશે.
અમેરિકામાં ટ્રમ્પ સામેના દેખાવો અમેરિકામાં લોકશાહી કેટલી મજબૂત છે અને પ્રજા કેટલી સજાગ છે તેનો પુરાવો છે પણ ટ્રમ્પ આ દેખાવોને ગણકારે એવી શક્યતા ઓછી છે. ટ્રમ્પ પહેલી વાર પ્રમુખ બન્યા ત્યારથી ઈરાકનને ઘૂંટણિયે પાડવાની સનક તેમના માથા પર સવાર થયેલી છે. આ સનકના કારણે પહેલી ટર્મમાં તેમણે ઈરાનને પરેશાન કરવામાં કોઈ કસર નહોતી છોડી. ઈરાન અને અમેરિકન પ્રજાના સદનસીબે ટ્રમ્પ 2020માં હારી ગયા તેથી ટેબ્લો પડી ગયેલો પણ ટ્રમ્પ ફરી પ્રમુખ બનતાં જ પાછો ઉપાડો લીધો છે.
ટ્રમ્પ ગાઝામાંથી લોકોને ભગાડીને ભવ્ય રિસોર્ટ બનાવવા માગે છે. સાઉદી સહિતના દેશો તેનો વિરોધ કરે છે પણ એ બધા તળિયા વિનાના લોટા જેવા છે. ટ્રમ્પ લાલ આંખ કરે એટલે બધા બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેસી જાય પણ ઈરાનને બેસાડી શકાય તેમ નથી. ઈરાન અમેરિકા સામે પડેલું હોય તો ગાઝામાં ટ્રમ્પના રિસોર્ટમાં આવતાં સૌ ડરે તેથી ટ્રમ્પ ઈરાનને કાયમ માટે ઠંડું પાડી દેવા મથે છે. ટ્રમ્પ માટે રાત થોડી ને વેશ ઝાઝા જેવો ઘાટ છે કેમ કે તેમના કાર્યકાળનાં બે જ વર્ષ બચ્યાં છે તેથી ટ્રમ્પ ભૂરાંટા થયા છે.