Sat Apr 18 2026

Logo

મિડલ ઈસ્ટમાં તણાવ: પાકિસ્તાનમાં ક્રૂડ ઓઈલ 100 ડોલરને પાર, પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર મોટું સંકટ

Karachi   2026-03-09 17:29:21
Author: Mumbai Samachar Team
Article Image

કરાચીઃ મિડલ ઈસ્ટમાં માહોલ તણાવગ્રસ્ત છે ત્યારે ક્રૂડ ઓઈલની કિંમતમાં તોતિંગ વધારો થતા અનેક દેશમાં ચિંતા રાતોરાત વધી ગઈ છે. પાકિસ્તાનના નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબે એવી ચેતવણી આપી છે કે, પાકિસ્તાનનું માસિક ક્રૂડ ઓઈલનું આયાત બિલ 600 મિલ્યન ડૉલર સુધી પહોંચી શકે છે. પાકિસ્તાનના નાણા મંત્રીનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે વૈશ્વિક માર્કેટમાં ક્રૂડ માર્કેટ પર અનેક રાષ્ટ્ર ચિંતામાં છે. 

બેરલની કિંમત 100 ડૉલરને પાર

આજે સોમવારે ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. ક્રૂડ ઓઈલની બેરલની કિંમત 100 ડૉલરને પાર થતાં ખાડીના દેશ સહિત અનેક દેશની એકાએક ચિંતા વધી છે. ઈન્ટરનેશનલ બેંચમાર્ક બ્રેંટ ક્રૂડ 118.22 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યું હતું, જ્યારે WTI ક્રૂડ ઓઈલના ભાવ શુક્રવારે એટલે છઠ્ઠી માર્ચે 90.90 ડૉલર પર બંધ થયો હતો, જે સામાન્ય ભાવ કરતા 30 ટકા વધારે હતો. એ પછી 118.21 ડૉલરનો નવો ભાવ સામે આવ્યો. અખાતી દેશમાં વધી રહેલા સંઘર્ષની અસર ભાવ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. એનર્જી સપ્લાય અને શિપિંગ રૂટમાં લાગેલી બ્રેકની અસરથી ભાવ વધારો થયો છે. 

IMFના દ્વાર ખખડાવ્યા

ક્રુડ ઓઈલની વધતી કિંમતને લઈ પાકિસ્તાન તોબા પોકારી ઊઠ્યું છે. પેટ્રોલિયમ પેદાશો પર રાહત મેળવવા માટે પાકિસ્તાને IMFના દ્વાર ખખડાવ્યા છે. પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે આ વાતની ખાતરી કરી છે. જો અખાતી દેશમાં આ જ પ્રકારની સ્થિતિ લાંબા સમય સુધી ચાલશે તો આર્થિક ભારણ વધશે, પાકિસ્તાનનું માસિક આયાત બિલ પણ વધશે. પાકિસ્તાન સરકાર કાચા તેલની કિંમતને અંકુશમાં લેવા માટે ઈમરજન્સી પ્લાન તૈયાર કરે છે, એવું મહોમ્મ્દ ઔરંગઝેબે જણાવ્યું હતું. બીજી તરફ અલી પરવેઝે ક્રુડ ઓઈલની પેદાશને વધુ સ્ટોર કરવા અને ફ્યૂલ બચાવવા માટે એમની પ્રજાને અપીલ કરી. 

પાકિસ્તાનમાં બેફામ ભાવ વધારો

પાકિસ્તાનના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. પેટ્રોલની કિંમત ભારતીય ચલણ અનુસાર 321 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 330થી વધુ છે. પાકિસ્તાનમાં LNGની સપ્લાય અટકી છે જેના કારણે પાકિસ્તાનના મોટા નેતાઓ ચિંતામાં છે. હોર્મુઝ સ્ટ્રેટના બીજા રૂટ તરીકે ઓમાન, સાઉદી અરેબિયા અને યુએઈ સાથે વાતચીત ચાલું છે પણ ખાડીના દેશમાં લડાઈના કારણે પાકિસ્તાન સરકારે માર્ચ મહિનામાં જ પેટ્રોલ ડીઝલના ભાવ વધારી દીધા. સીધા જ 55 રૂપિયા વધારે દેતા પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ. હવે પાકિસ્તાન આવતું કોઈ શિપ મોડું પહોંચે તો અવશ્ય પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની કમર ભાંગી જાય.